અગલે બરસ તું જલ્દી આના:અમદાવાદમાં ભગવાન ગણેશને લોકોએ ભાવભરી વિદાય આપી, વિસર્જનકુંડમાં 5 હજારથી વધુ મૂર્તિઓ વિસર્જિત

અમદાવાદ24 દિવસ પહેલા

ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર્યા, અગલે બરસ તું જલ્દી આના... જેવા નાદ સાથે આજે અનંત ચતુર્દશીના દિવસે ધામધૂમથી ભગવાન ગણેશને અમદાવાદીઓએ વિદાય આપી હતી. આજે ગણેશ વિસર્જનનો દિવસ હતો અને સવારથી જ શહેરના માર્ગો પર શ્રીજીની શોભાયાત્રાઓ નીકળી હતી. ઢોલ નગારા સાથે ધામધૂમથી ભાવિક ભક્તોએ ભગવાન ગણેશની મૂર્તિઓનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલા ગણેશ કુંડમાં વિસર્જન કર્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં 50થી વધુ કુંડ બનાવવામાં આવ્યા હતા. જેમાં સાંજ સુધીમાં 5,000થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

AMCએ કેટલાક કુંડ પાસે મોટી ક્રેઈનની વ્યવસ્થા કરી
આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા સાથે શ્રીજીનું વિસર્જન કરવા માટે લોકો પરિવાર સાથે નીકળ્યા હતા. ટેમ્પો, બળદગાડા, રીક્ષા વગેરેમાં શ્રીજી ભગવાનને વિદાય આપવા માટે લોકો સાબરમતી રિવરફ્રન્ટ હોય કે કોર્પોરેશનના પ્લોટમાં જ્યાં પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા હતા, ત્યાં પહોંચ્યા હતા. અબીલ ગુલાલ ઢોલ નગારા સાથે ભગવાનની આરતી ઉતારી ભાવભીની વિદાય આપી હતી. AMC દ્વારા કેટલાક વિસર્જન કુંડમાં મોટી ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે કેટલીક મોટી મૂર્તિઓ પણ લોકો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી જેથી કોઈ અગવડ ન પડે તેના માટે થઈ અને ક્રેન પણ મૂકવામાં આવી હતી.

રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડે 10થી વધુ કુંડ
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સૌથી વધારે લોકો ગણેશજીનું વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા પર 10થી વધુ કુંડ બનાવવામાં આવ્યા હતા. જેમાં નાની મોટી 3000 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના માર્ગો પર ગણપતિ બાપા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર્યા, અગલે બરસ તું જલ્દી આના... જેવા નાદ અને ડી જે સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં નાના બાળકોથી લઇ અને મહિલાઓ તેમજ પુરુષોએ ગરબા તેમજ ડાન્સ કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ગણેશ યુવક મંડળો દ્વારા ભગવાનના વિસર્જનના દિવસે ભગવાનને ભાવભીની વિદાય આપી અને આવતા વર્ષે જલ્દી આવે અને લોકોને સુખ, શાંતિ તેમજ સારું આરોગ્ય આપે તેવી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...