તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધામાં મંદી:લોકો એમ્બ્રોઈડરી ઉદ્યોગ ક્ષેત્ર છોડી રહ્યાં છે, પહેલાં 4 લાખ હતાં, હવે 45,000 લોકો બાકી રહ્યાં

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો આવું ને આવું જ ચાલતું રહ્યું તો દિવાળી આવતા સુધીમાં તો આ ધંધો સંપૂર્ણ મૃતપાય અવસ્થામાં આવી જશે
  • 45 હજાર જેટલા કારીગરોએ કરેલા એમ્બ્રોઇડરી વર્કના રૂપિયા આજે પણ દિલ્હી, મુંબઈના વેપારીઓએ ચૂકવ્યા નથી

અમદાવાદના એમ્બ્રોઇડરીના કામ સાથે સંકળાયેલ કારીગરોની દશા કફોડી થઈ છે. કોરોનાના સેકેન્ડ વેવને લઈને કાળુપુર, સિંધી માર્કેટ, ન્યુક્લોથ માર્કેટ અને રેવડી બજાર બંધ રહેતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને રોજી મળતી બંધ થઇ. જેથી તેમણે આ ક્ષેત્ર સામેથી મોઢું ફેરવી લીધું છે. નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઈન્ડિયા કોલોની સહિતના વિસ્તારોમાં એક સમયે 2 લાખ મશીનો પર યુપી, એમપી, બિહારના 4 લાખ લોકો રોજી રોટી મેળવતા હતા. આજે કોરોનાના પ્રથમ અને બીજા ફેઝમાં આ ક્ષેત્ર ઠપ્પ થઈ જતા હવે 25 હજાર મશીનો પર માંડ 45 હજાર લોકો કામ કરી પેટીયું રળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

જો આવું જ રહ્યું તો દિવાળી બગડશે
શહેરમાં 45 હજાર જેટલા કારીગરોએ કરેલા એમ્બ્રોઇડરી વર્કના રૂપિયા આજે પણ દિલ્હી, મુંબઈના વેપારીઓએ ચૂકવ્યા નથી. 25 હજાર જેટલા મશીનો છે જેના પર તૈયાર થતા ડ્રેસ પૂણે, કોલકાત્તા, દિલ્હી મુંબઇ જાય છે. ત્યાંના રૂપિયા આવતા નથી. વળી મિની લોકડાઉનમાં કાળુપુર અને સિંધી માર્કેટ જેવા બજારો બંધ હતા એટલે અગાઉ 90 હજાર કારીગરો હતા તે 45 હજાર થઈ ગયા છે. જો આવું ને આવું ચાલશે તો અમારા ક્ષેત્રની હાલત દિવાળી આવતા સુધીમાં કંગાળ થઇ જશે. આ ધંધો બિલકુલ મૃતપાય અવસ્થામાં આવી જશે. - દલસુખભાઈ પટેલ, પ્રમુખ, એમ્બ્રોઈડરી એસોસિએશન

મશીનો 24 ચાલતા જે હવે 12 કલાક જ ચાલે છે
એક સમય એવો હતો કે જ્યારે 2 લાખથી વધારે એમ્બ્રોઈડરીના મશીનો વર્કશોપમાં ચાલી રહ્યા હતાં. જેમાં 4 લાખ જેટલાં કારીગરો પોતાના બળે રોજગારી પ્રાપ્ત કરી રહ્યા હતા. અમે અત્યાર સુધી આત્મનિર્ભર હતા. પછી અમે મકાન ઉપર લોન લઈને ચાઇનાથી મશીનો મંગાવ્યા હતા. હવે કોરોનાની સેકેન્ડ વેવને કારણે ધંધો સંપૂર્ણ ઠપ્પ જ છે. મશીનો બંધ રહે તે અમને પોસાય તેમ નથી. મશીન વેચવા કાઢીએ તો કોઇ લેનાર નથી. સેકેન્ડ વેવ પહેલાં 25000 મશીનો 24 કલાક ચાલતાં હતાં જે હવે 12 કલાક માંડ ચાલી રહ્યા છે. -ચંદ્રેશ ભંડેરી, ઉપપ્રમુખ, એમ્બ્રોઈડરી એસોસિએશન

ક્ષેત્ર મંદીમાં છે, મશીન બંધ પણ પગાર ચાલુ જ છે
હું 13 વર્ષથી એમ્બ્રોઈડરીના કામ સાથે સંકળાયેલો છું. અગાઉ ક્યારેય જોઈ ન હોય તેવી ભયંકર મંદીનો સામનો અમે કરી રહ્યા છીએ. પ્રથમ ફેઝમાં લોકડાઉન પછી કામ શરૂ થયું ત્યાં બીજો ફેઝ આવ્યો અને 6 મશીનો એમ જ બંધ હાલતમાં છે. આમ છતાં કારીગરોને જીવન નિર્વાહ માટે મહિને પાંચેક હજાર આપવા પડે છે. - શૈલેષ દેસાઈ, કારખાનેદાર

અન્ય સમાચારો પણ છે...