અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં દારૂ જુગાર અને ડબ્બા ટ્રેડિંગના અડ્ડાઓ બંધ થઈ ગયા હોવાના સિનિયર અધિકારીઓ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર ગોતા- જગતપુર રોડ ખાતેના વિષ્ણુ ધારા કોમ્પ્લેકસમાં બિલ્ડર દ્વારા ચલાવવામાં આવતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરી પીસીબીના અધિકારીઓએ ડબ્બા ટ્રેડિંગ કરતા બિલ્ડર મનીષ શાહ સહિત છ લોકોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 4 લેપટોપ તથા 4 લાખ રૂપિયા રોકડા કબ્જે લીધા હતા. આ લોકો કેટલા સમયથી ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા તેની તપાસ ચાલી રહી છે. તેમની સાથે શહેરના પોશ વિસ્તાર ગણાતા સટોડિયાઓ પણ જોડાયા હોવાનું જાણી શકાયું છે.
ચાર લેપટોપ અને સંખ્યાબંધ મોબાઈલ ઉપરાંત ચાર લાખ રૂપિયા રોકડા પોલીસે જપ્ત કર્યા
અમદાવાદ પીસીબી પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટની ટીમને બાતમી મળી હતી કે ગોતા જગતપુર રોડ ખાતેના વિષ્ણુ ધારા કોમ્પ્લેકસમાં જય કન્સ્ટ્રકસનની ઓફિસમાં ડીલર મનીષ નટવરલાલ શાહ તેના પાંચ મળતિયાઓ સાથે ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહ્યો છે. તેની ખાત્રી કર્યા બાદ PSI ચારણ પોતાની ટીમ સાથે વિષ્ણુ ધારા કોમ્પ્લેક્સ પર પહોંચી ગયા હતા અને મનીષાની ઓફિસમાં દરોડો પાડીને ડબ્બા ટ્રેડિંગ ચલાવતા છ લોકોને ઝડપી લીધા છે તેમના ચાર લેપટોપ અને સંખ્યાબંધ મોબાઈલ ઉપરાંત ચાર લાખ રૂપિયા રોકડા પણ પોલીસે કબજે કર્યા હતા.
મનીષ શાહ અને તેના મળતિયાઓ કેટલા સમયથી ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા અને તેમણે આ પ્રવૃત્તિથી સરકારને કેટલું નુકસાન પહોંચાડયું છે તેની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત મનિષ સાહ અને તેના મળતિયાઓ સાથે સ્થાનિક વિસ્તારના કેટલા લોકો ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા હતા તેની તપાસ પણ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.