અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા પાછળ પુરુષોત્તમ બંગલોઝમાંથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની પીસીબી સ્ક્વોડે ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. બે આરોપીઓને 18 મોબાઈલ, રેકોર્ડર,લેપટોપ, ટેબલેટ, હિસાબની ડાયરીઓ અને ગ્રાહકોનો ડેટા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ બંગલામાં ઓસ્ટ્રેલિયામાં ચાલતી બિગ બેસ લઇ ટી-20 મેચ પર સટ્ટો રમાડતાં હતા.
પોલીસને બંગલામાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો પણ મળી
પોલીસને ઘરમાંથી દારૂની ભરેલી અને ખાલી બોટલો પણ મળી આવી હતી. જે મામલે અલગ ફરિયાદ પણ નોંધી છે. વસ્ત્રાપુર પોલીસ સમગ્ર ક્રિકેટ સટ્ટા કૌભાંડ મામલે ઊંઘતી ઝડપાઇ હતી અમે પીસીબીએ દરોડો પાડી નેટવર્ક ઝડપી પાડ્યું છે. સમગ્ર કૌભાંડ મામલે ખુદ પીસીબી પણ ઉચ્ચ સ્તરે તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેપટોપના એક સોફ્ટવેરમાં તમામ સોદા લખેલા મળી આવ્યા
પીસીબી પીઆઇ એચ.કે સોલંકીની ટીમને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર પોલીસની હદમાં થલતેજ ગુરુદ્વારા પાછળ પુરુષોત્તમ બંગ્લોઝમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલે છે. જેના આધારે પીએસઆઇ એ.ડી ચાવડા અને ટીમે બંગલામાં દરોડો પાડ્યો હતો. ધર્મરાજ ઉર્ફે ધમભા વાળા અને તેના મિત્ર ધવલ ધામેચા રૂમમાં ક્રિકેટ સટ્ટો ચલાવવા માટે આખું સેટઅપ ગોઠવેલું હતું. જેમાં એક રેકોર્ડર મોબાઈલ પેટી હતી. જેમાં 11 મોબાઈલ અને બીજા 7 મોબાઈલ હતા. જેમાં રેકોર્ડરમાં હેડફોન ભરાવી ધર્મરાજ ક્રિકેટના સોદા કરતો હતો. ઓસ્ટ્રેલિયા ખાતે ચાલતી બિગ બેસ લીગ ટી 20 મેચના સોદા કરવામાં આવતા હતા. લેપટોપમાં એક સોફ્ટવેરમાં તમામ સોદા લખેલા મળી આવ્યા હતા.
હિસાબની ડાયરી પણ મળી આવી
આરોપીની પૂછપરછ કરતા આ સોફ્ટવેર રાજકોટ ખાતેથી ખરીદવામાં આવ્યું હતું અને લેપટોપમાં તમામ પ્રકારના ક્રિકેટના સોદાના રિપોર્ટ જનરેટ કરી શકાતા હતા. હિસાબની ડાયરી પણ પોલીસને મળી આવી હતી. જેમાં આરોપીએ ગ્રાહકોના સોદા લખેલા હતા. મુંબઈમાં થયેલા ક્રિકેટ સટ્ટા કેસની ચાર્જશીટની કોપી પણ પોલીસને મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા 4 વિદેશી દારૂની બોટલ અને ખાલી 7 દારૂની બોટલ મળી આવી હતી. જે મામલે પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.
આંગડીયા પેઢી અને ફોન પર પૈસાની લેવડદેવડ
વધુમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ મોબાઈલ ફોન અમદાવાદ શહેરમાંથી અલગ અલગ દુકાનોમાંથી ખરીદી અમરેલી ખાતે તેમના ત્રણ મિત્રોએ સીમકાર્ડ આપ્યા હતા. આર.કે આંગડિયા પેઢીમાં પોતે ગ્રાહકો સાથે પૈસાનો વ્યવહાર કરે છે. વોટ્સએપ અને ફોન મારફતે આંગડિયા પેઢીવાળા પાસે પૈસાની લેતી દેતીનો વ્યવહાર કરે છે. મિત્ર ધવલ ધામેચા સાથે મળી અને આ સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. પોલીસને ધર્મરાજ અને ધવલના મોબાઇલમાંથી ક્રિકેટ સટ્ટો રમતા અનેક ગ્રાહકોના નંબર મળી આવ્યા છે. જે નંબરો પણ મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.