એક્ટ્રેસથી પરેશાન ફ્લેટધારકો:પાયલ રોહતગીએ ત્રણ મહિનાથી ફ્લેટમાં અરાજકતા ફેલાવી, સિનિયર સિટિઝનને ધમકી આપતી, મેન્ટેનન્સ પણ નથી ચૂકવ્યું

અમદાવાદ4 મહિનો પહેલા
  • એક્ટ્રેસે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા જેને સભ્યોએ ડિલિટ કરાવ્યા
  • પાયલ રોહતગી પર સોસાયટીના લોકોના વીડિયો બનાવી ધમકી આપવાનો આરોપ લગાવાયો છે

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક બાદ વિવાદમાં આવી છે. તેના વિરૂદ્ધ તેની જ સોસાયટીના સભ્યોએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જે બાદ પાયલની ધરપકડ કરાઈ હતી, જો કે તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે. પાયલ રોહતગી જે ફ્લેટમાં રહે છે ત્યાં રહેતા રહીશો સાથે DivyaBhaskarએ વાતચીત કરી હતી. જેમાં પાયલનો સોસાયટીમાં છેલ્લા ત્રણ- ચાર મહિનાથી ખૂબ જ ત્રાસ હતો અને તેણે મેન્ટેનન્સ પણ ચૂકવ્યું ન હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

કંટાળીને પોલીસ ફરિયાદ કરવી પડી હોવાનું સભ્યોનું નિવેદન
રહીશો પાયલથી ત્રાહિમામ પોકારી ગયા હતા. રહીશોનો આરોપ છે કે તે સોસાયટીના સિનિયર સિટિઝનને જેલ ભેગા કરવાની, નીચે હરતાં-ફરતાં સભ્યોના વીડિયો ઉતારતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. સોસાયટીમાં સહકાર ના આપીને સોસાયટીમાં અડચણ પેદા કરતી હતી. કેટલાય સમયથી માનસિક રીતે પરેશાન સભ્યોએ કંટાળીને અંતે પોલીસનો સહારો લીધો હોવાનું જણાવ્યું હતું.

પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં વીડિયો મૂકે છે, સોસાયટીના ચિંતન શેઠે તમામ વાત કરી
પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં વીડિયો મૂકે છે, સોસાયટીના ચિંતન શેઠે તમામ વાત કરી

પાયલના કારણે સભ્યો ડરથી જીવી રહ્યા છે
સોસાયટીના સભ્ય ચિંતન શેઠે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3- 4 મહિનાથી પાયલ રોહતગીએ સોસાયટી માટે અરાજકતાનું વાતાવરણ ઉભુ કર્યું હતું. પોતાના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર સોસાયટીના સભ્યો જેમાં ખાસ તો સિનિયર સિટીઝન અને બાળકો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને વીડિયો બનાવતી હતી. નાના બાળકોને ગાર્ડનમાં રમશો તો પણ તોડી નાંખીશ તેવું કહીને ડરાવી ધમકાવતી હતી.પાયલના કારણે સોસાયટીના સભ્યો ડરના માર્યા જીવી રહ્યા છે.આ તમામ બાબતે સોસાયટીના સભ્યોએ ચેરમેન પરાગ શાહને જણાવી હતી. જેથી કંટાળીને અંતે ફરિયાદ નોંધાવી હતી.પાયલના ત્રાસમાંથી મુક્ત થવા જ ફરિયાદ નોધાવી હતી.

ત્રાસનો ભોગ ન બનવું પડે તે માટે પ્રયત્ન રહેશે
છેલ્લા 3- 4 મહિનાથી ત્રાસ વધી ગયો હતો કે તેણે 3- 4 મહિનાથી સોસાયટીનું 15 હજાર લેખે મેન્ટેનન્સ પણ આપ્યું નથી અને બિનજરૂરી પ્રશ્ન ઊભા કર્યા છે. સોસાયટીમાં તેમના ઘરમાંથી પાણી નીચે લિફ્ટમાં જાય તેના કારણે લિફ્ટ બંધ કરવી પડી હતી અને તેઓ લિકેજનું કામ પણ કરવા ન દઈ અને અડચણ ઉભી કરી હતી. પોલીસને બોલાવી હતી. અડચણ રૂપ થાય છે. સોસાયટીના સિનિયર સિટિઝન ચાલતા હોય ત્યારે તેમની મરજી વિરૂદ્ધ વીડિયો લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને અભદ્ર ટિપ્પણી કરતી હતી. આગામી દિવસોમાં ફરીથી પાયલના ત્રાસનો ભોગ ના બનવું પડે તે માટે જ પ્રયત્ન રહેશે.

સેટેલાઈટમાં એક્ટ્રેસ માતા-પિતા સાથે ફ્લેટમાં રહે છે
ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાયલ રોહતગી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.​​ પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેનાં માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ (મીટિંગ) હતી. એમાં સોસાયટીના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.

સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી મિટિંગમાં પહોંચી વીડિયો ઉતાર્યા હતા
સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી મિટિંગમાં પહોંચી વીડિયો ઉતાર્યા હતા

સોસાયટીની મિટિંગમાં સભ્યો સાથે ગાળાગાળી કરી
પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી, જેથી ચેરમેને તેને કહ્યું હતું કે તમારાં માતા-પિતા સભ્ય છે. તમારાં માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતાં જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો-રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ મેસેજ મૂક્યા
એક્ટ્રેસે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા, જેમાં સભ્યોની ટકોર બાદ એને ડિલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે "ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ." પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.