ગ્રાહક કોર્ટનો આદેશ:કોરોના કવચ પોલિસીમાં ગેરકાયદે કાપેલી રકમ 8% વ્યાજ સાથે ચૂકવો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સારવારનો ખર્ચ 2.16 લાખ થયો હતો, કંપનીએ 1.74 લાખ મંજૂર કર્યા હતા
  • કંપનીએ પોલિસીધારકને માનસિક ત્રાસના 16 હજાર અલગથી ચૂકવવા પડશે

વીમા કંપનીઓ દ્વારા કોરોના કવચ પોલિસીમાંથી રકમ ગેરકાયદે કાપી લેવા સામે ગ્રાહક કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. રૂ. 5 લાખની કોરોના કવચની પોલિસીમાં વીમાધારકને વીમા કંપનીએ હોસ્પિટલમાં થયેલી ટ્રીટમેન્ટનો મોટા ભાગનો ખર્ચ નહિ ચૂકવતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરાઈ હતી, જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીને તફાવતની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે માનસિક ત્રાસના 16 હજાર અલગથી ચૂકવવા પણ આદેશ કર્યો છે.

ગાંધીનગરના વિક્રાંત પુરોહિતે વર્ષ 2020માં કોરોના કવચની 5 લાખની પોલિસી લીધી હતી. વિશ્વવ્યાપી કોરોનાની પહેલી લહેર દરમિયાન ફરિયાદી કોરોના સંક્રમિત થતા તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં 10 દિવસ સારવારનો ખર્ચ 2,16,177 થયો હતો. તેની સામે વીમા કંપનીએ 1,74,157 ખર્ચ મંજૂર કર્યો હતો. બાકીના 87,020 કાપી લેવાયા હતા.

આ કેસમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ રજૂઆત કરી હતી કે, વીમા કંપની મનસ્વી રીતે મેડિકલના ખર્ચ કાપી લે છે. IRDAની ગાઇડલાઇન વિરુદ્ધ મોટી રકમો કાપી કરારની શરતોનો ભંગ કર્યો છે. રિઝનેબલ ડિડક્શન કરવાને બદલે મનસ્વી કપાતો કરી અનફેર ટ્રેડ પ્રેક્ટિશ આચરી છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી. ટી. સોનીએ વીમાકંપનીને કાપી લીધેલી તફાવતની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

7 હજાર કોરોના કવચ પોલિસીમાં રકમ કપાઈ
રાજ્યભરમાં 7 હજાર કોરોના કવચ પોલિસીના કેસમાં મોટી રકમ કાપી લેવાઈ હોવાની વિગતો મળી છે. કોરોના કાળના અઢી વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી કુલ 7 હજાર અને અમદાવાદ શહેરમાં 2500 જેટલા કોરોના કવચ પોલિસીના કેસમાં મેડિકલનો મોટી રકમનો ખર્ચો કાપી લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...