દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે આદેશ કરવા છતાં નહીં ચૂકવતા કન્ટેમ્પટ પિટિશન કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તેમના હુકમનું પાલન નહીં થતા નારાજગી દર્શાવી હતી. કોર્ટે સરકારને એવી ચેતવણી આપી હતી કે, અમારા હુકમનું પાલન કરો નહીંતર રોજના 10 હજારનો દંડ ભરવા તૈયાર રહો.
ચીફ જસ્ટિસની ખંડપીઠે જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો અને સાથે એવી ચીમકી આપી હતી કે તેમની સામે ચાર્જફ્રેમ કેમ ન કરવો? તેનો જવાબ આપો.
દાહોદની પ્રાથમિક સ્કૂલના ટ્રેઇન ટીચર્સ તરીકે ઉચ્ચતર પગારધોરણ ચૂકવવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને આટલો લાંબો સમય થઇ ગયો છે છતાં તેનું પાલન કેમ કરવામાં આવ્યુ નથી. શિક્ષણ વિભાગે તમામ શિક્ષકોને અનટ્રેઇન ટીચર તરીકે ગણીને લાભ ચૂકવ્યા હતા તેની જગ્યાએ તેમને ટ્રેઇન ટીચર તરીકે ગણવા જોઇએ. શિક્ષણ વિભાગ દ્વારા 10 દિવસનો સમય માગવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીએ 10 દિવસમાં તમામને ઉચ્ચતર પગાર ચૂકવવા ખાતરી આપી હતી. ખંડપીઠે એવું પણ કહ્યું કે 15 ડિસેમ્બર સુધીમાં બાકી રકમ નહીં ચુકવાય તો અધિકારી સામે ચાર્જફ્રેમ કરાશે.
હાઇકોર્ટ બોલાવે એટલે હાજર થવું પડે
હાઇકોર્ટે જવાબદાર અધિકારીને હાજર થવાનો આદેશ કરતા શિક્ષણ વિભાગે દલીલ કરી કે, અધિકારી 200 કિમી દૂર રહે છે તેથી કોર્ટ રાહત આપે તો સારું. આ દલીલ સાંભળીને કોર્ટે એવી ટકોર કરી કે, કોર્ટ બોલાવે એટલે ગમે તેટલા દૂર હોય આવવંુ પડે. અમે કમિશનર, સેક્રેટરીને પણ કોર્ટમાં બોલાવીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.