રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.
સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.
8 દિવસમાં 15000 બેડની વ્યવસ્થા કરાઈ
આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશમાં કોરોનાના 1.35 લાખ કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં પણ 4500 કેસો આવ્યા છે, મહારાષ્ટ્રમાં 60,000 છે. કોરોના સંક્રમણમાં ઓછા લોકો સંક્રમિત થાય એ માટે ધ્યાન રાખવામાં આવે છે. ગત વર્ષે 1800થી 4500 સુધીનો વધારો થયો છે. 8 દિવસમાં 15000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 3100 આઈસીયુ, 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. રેમડેસિવિર ઇજેક્શનની માત્રા વધારી છે. ચાર મહાનગરો વધુ સંક્રમિત છે, લોકોને વિનતી કરું છું બહાર ના નીકળો, માસ્ક ફરજિયાત પહેરો. પોલીસ પણ કડક અમલ કરશે.
હાઈકોર્ટના કહેવા પર 1000નો દંડ
દંડ પર વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું, સરકારને દંડના પૈસામાં કોઈપણ રસ નથી. 1000 દંડ આપણે હાઇકોર્ટના કહેવાથી લઈ રહ્યા છીએ. સુરતમાં 10 હજાર ઈન્જેક્શન કિરણ હોસ્પિટલને આપ્યાં છે. 2000 ઈન્જેક્શન સુરત સરકારી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. 3 લાખ ઈન્જેક્શનનો નવો ઓર્ડર આપ્યો છે.
કોગ્રેંસે સરકાર પર કર્યા આક્ષેપો
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર અને ભાજપ પર રેમડેસિવિર મામલે આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભાજપે રસીકરણનું રાજકારણ કર્યું. રેમડેસિવિરના બેફામ કાળાં બજાર સામે વ્યવસ્થા ના કરી. કેન્દ્રની ટીમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં કાળાં બજાર થઈ રહ્યાં હોવાનું કહ્યું હતું. ઝાયડ્સ હોસ્પિટલથી 800માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. સુરત ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણની પરવાનગી કોણે આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી વ્યવસ્થાના થવી જોઈએ?. ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. જો તમે હોસ્પિટલમાં ઇન્જેક્શનની વ્યવસ્થા ના કરી શકતા હોવ તો રાજીનામું આપો.
20 નવા ધનવંતરી રથનું લોકાર્પણ
આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા 20 ધનવંતરી રથોનું લોકાર્પણ કર્યું. આજથી રાજ્યમાં હવે 54 ધનવંતરી રથની સેવાઓ મળશે. રાજ્યમાં અત્યારસુધી 34 ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત હતા અને વધુ 20 રથનું લોકાર્પણ થયું છે. આ રથમાં કોરોના માટેના એન્ટિજન ટેસ્ટની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત ડાયાબિટીસ, યુરિન, પ્રેગનન્સી ટેસ્ટ, હીમોગ્લોબિન ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ 20 નવા ધનવંતરી રથમાંથી 3 અમદાવાદને મળશે, જે બોપલ, ચાંદખેડા તથા બાવળામાં રહેશે. આ રથ કડિયાનાકા અને ભીડભાડવાળી જગ્યાઓ પર જઈને લોકોને સારવાર આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.