ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓએ કહ્યુ - ‘ટેમ્પરેચર 99 આવતાં ટેસ્ટ કરાવ્યો, પોઝિટિવ આવતાં ક્વોરન્ટાઇન થયો, બીજી લહેર કરતાં હળવાં લક્ષણો છે’

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાવ અને શરદીની દવા સિવાય અન્ય કોઈ દવા લેવી પડી નથી. - તન્મય સક્સેના - Divya Bhaskar
તાવ અને શરદીની દવા સિવાય અન્ય કોઈ દવા લેવી પડી નથી. - તન્મય સક્સેના
  • ‘ઓમિક્રોન વેરિઅન્ટમાં મોટે ભાગે એકથી બે દિવસ સુધી તાવ, ગળાનું ઇન્ફેક્શન, માથાનો દુખાવો, શરદી જેવાં લક્ષણો રહે છે, 7 દિવસ બાદ દર્દીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી’
  • ઘરે સારવાર લઈ રહેલા ફાર્માસિસ્ટ બકુલભાઈએ કહ્યું, લગ્નમાં ગયો અને સંક્રમિત થયો, માસ્ક - સોશિયલ ડિસ્ટન્સ જ સંક્રમણ રોકી શકે

દિવ્ય ભાસ્કરના રિપોર્ટર સમીર રાજપૂત અને ફોટોગ્રાફર કરણસિંહ પરમારે પીપીઈ સૂટ, માસ્ક, ગોગલ્સ પહેરી તમામ તકેદારી રાખી હોમ આઇસોલેટ દર્દીઓની મુલાકાત લઈ આપેલો અહેવાલ.

રિપોર્ટર સમીર રાજપૂત અને ફોટોગ્રાફર કરણસિંહ પરમાર
રિપોર્ટર સમીર રાજપૂત અને ફોટોગ્રાફર કરણસિંહ પરમાર

બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ફેફસાંમાં સંક્રમણ ફેલાતા મોટા ભાગના દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાતા ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી, જેને કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઊભરાતા બેડ પણ મળતા ન હતા. જોકે મોટા ભાગના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં વહેલી રિકવરી થઈ રહી છે. ડેલ્ટા કરતાં ઓમિક્રોન વેરિઅન્ટમાં હળવાં લક્ષણો હોવાથી મોટા ભાગના દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી અને હોમ આઇસોલેશનમાં રહીને 7 દિવસમાં રિકવર થઈ રહ્યા છે.

આ વખતે પણ લોકોની સાથે દર્દીના સીધા સંપર્કમાં આવતા ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ અને તેમના પરિજનો પણ સંક્રમિત થયા છે. ‘દિવ્ય ભાસ્કરે સંક્રમિત થયેલાં ડોક્ટર્સ, ડોક્ટરના પરિજનો અને લોકો સાથે વાત કરી, જેમાં એવા લોકો પણ છે કે, જેમને કોરોનાનો ચેપ બીજી વાર લાગ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ વેરિઅન્ટથી સંક્રમિત થયા બાદ મોટે ભાગે એકથી બે દિવસ તાવ, ગળાનું ઇન્ફેક્શન, માથાનો દુખાવો અને શરદી જેવા લક્ષણો જણાય છે. ત્યાર બાદ કોઈ ગંભીર તકલીફ જણાતી નથી, તેમ છતાં ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્ક પહેરવાની સાથે સામાન્ય લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરની સલાહથી રિપોર્ટ કરાવવો જોઇએ, કારણ કે આ વેરિએન્ટ જેટલો ઝડપથી ફેલાય છે તેટલો ઝડપથી શરીરમાં બહાર નીકળી જતો હોવાથી વ્યક્તિ પોઝિટિવ થયાના 4થી 7 દિવસમાં સ્વસ્થ થાય છે.

‘માથાનો દુખાવો અને શરદી સિવાય બીજી કોઈ તકલીફ નથી’
હું ધોરણ 12માં અભ્યાસ કરતો હોવાથી નિયમિત કોચિંગ ક્લાસમાં જઉં છું, 9 જાન્યુઆરીએ કોચિંગ ક્લાસમાંથી આવ્યા બાદ રાત્રે મને તાવ આવ્યો હતો તેમ જ 10 અને 11 જાન્યુઆરીએ તાવની સાથે માથાનો દુખાવો થતો હતો. ત્યાર બાદ મને તાવ પણ આવ્યો નથી, પરંતુ હાલમાં માથામાં સામાન્ય દુખાવો અને શરદી છે. આ સિવાય મને કોઈ જ તકલીફ થતી નથી. તાવ અને શરદીની દવા સિવાય અન્ય કોઈ દવા લેવી પડી નથી. - તન્મય સક્સેના, સોલા સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. દીપિકા સિંઘલનો પુત્ર

ગરમ પાણી, નાસ, વિટામિન, પેરાસિટામોલ જ લઈએ છીએ
હું અને મારાં સાસુ બંને કોરોના પોઝિટિવ આવ્યાં છીએ.એપ્રિલમાં આખા પરિવારને કોરોના થયો હતો. એ વખતે મને સખત તાવની સાથે ઘણી તકલીફો હતી, પરંતુ બંને ડોઝ લીધા હોવાથી ગત વખત કરતાં આ વખતે ગળામાં દુખાવો, ખાંસી, અશક્તિ સિવાય અન્ય કોઈ લક્ષણ નથી. ગરમ પાણી, નાસ લેવાની સાથે પેરાસિટામોલ, વિટામિન સિવાય કોઈ દવા લેવી પડી નથી. આ વેરિઅન્ટ જેટલો ઝડપથી ફેલાય છે, એટલો ઝડપથી દર્દીમાંથી બહાર પણ નીકળી જાય છે. ડરવાની જરૂર નથી. - ડો. દીપિકા પટેલ, ઓપ્થોમોટ્રિસ્ટ, સોલા સિવિલ

ડો. દીપિકા સિંઘલ, સુપરિન્ટેન્ડેન્ટ, સોલા સિવિલ
ડો. દીપિકા સિંઘલ, સુપરિન્ટેન્ડેન્ટ, સોલા સિવિલ

3 દિવસ તાવ ન આવે હોય તો દર્દી રૂમ બહાર આવી શકે છે
બીજી લહેરમાં દર્દીએ 14 દિવસ આઇસોલેટ રહેવું પડતું હતું. જોકે સરકારની ગાઇડલાઇન મુજબ, હાલ 7 દિવસ આઇસોલેશનમાં રહેવું પડે છે. જો સંક્રમિત વ્યક્તિ સિવાય ઘરના અન્ય સભ્યને કોવિડનાં લક્ષણો ન હોય તો ટેસ્ટની પણ જરૂર નથી તેમ જ દર્દીને અલગ રૂમમાં આઇસોલેટ કર્યું હોવાથી દર્દીને 3 દિવસ સુધી તાવ ન આવતો હોય તો રૂમની બહાર આવી શકે છે. 7 દિવસ બાદ દર્દીનો આરટીપીસીઆરની પણ જરૂર નથી. - ડો. દીપિકા સિંઘલ, સુપરિ., સોલા સિવિલ

બકુલભાઈ, સિનિયર ફાર્માસિસ્ટ, જીએઆઈસીએલ, નરોડા વેર હાઉસ
બકુલભાઈ, સિનિયર ફાર્માસિસ્ટ, જીએઆઈસીએલ, નરોડા વેર હાઉસ

1 દિવસ તાવ આવ્યો, શરદી, ખાંસી જેવી કોઈ તકલીફ નથી
6 જાન્યુઆરીએ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી, બે દિવસ બાદ 9 જાન્યુઆરીએ મને તાવ આવ્યો, ટેમ્પરેચર 99 ડિગ્રીની આસપાસ હતું છતાં આરટીપીસીઆર કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતાં હું ક્વોરન્ટાઇન થયો છું. બીજી લહેર કરતાં આ વખતે લક્ષણો ઘણાં હળવા છે. મને એક દિવસ તાવ આવ્યાં સિવાય બીજી કોઈ તકલીફ થઇ નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ સંક્રમણ રોકી શકે છે. - બકુલભાઈ, સિનિયર ફાર્માસિસ્ટ, જીએઆઈસીએલ, નરોડા વેર હાઉસ

ડો. ક્રિષ્ના શાહ, ઓપ્થોમેટ્રિસ્ટ, સોલા સિવિલ
ડો. ક્રિષ્ના શાહ, ઓપ્થોમેટ્રિસ્ટ, સોલા સિવિલ

7 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા બાદ સ્વસ્થ થઈ ગઈ છું
કોરોના પોઝિટિવ આવ્યા બાદ હું બેથી ત્રણ દિવસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન થઈ હતી, પરંતુ ત્યાર બાદ મને તાવ આવ્યો નથી પણ ગળામાં ખર્રાશ અને ખાંસી સિવાય અન્ય કોઈ લક્ષણ જણાયા નથી. છેલ્લા બે દિવસથી મારા ઘરે છું અને બુધવારથી મારી ડ્યુટી જોઇન્ટ કરવાની છું. મારી અપીલ છે કે, સોશિયલ ડિસ્ટરન્સ જાળવો , બાળકો અને વડીલોએ શક્ય હોય ત્યાં સુધી હોસ્પિટલમાં જવાનું પણ ટાળવું જોઇએ. - ડો. ક્રિષ્ના શાહ, ઓપ્થોમેટ્રિસ્ટ, સોલા સિવિલ

બીજી લહેરમાં 14 દિવસ પણ આ વખતે ચાર દિવસમાં સ્વસ્થ થયો
મને બીજી લહેરમાં પણ કોરોના થયો હતો, અને કોર્પોરેશનની દવાથી હું 9 દિવસમાં સારો થયો પણ 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યો હતો. આ વખતે 9 જાન્યુઆરી મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ મને ગળાનું ઇન્ફેક્શન, તાવ અને શરદી થઇ હતું. પરંતુ, ત્યારબાદ મને તાવ કે ગળાના ઇન્ફેક્શન મટી ગયું છે, પણ થોડી શરદી જેવુ રહે છે. હાલમાં હું ડોકટરની સલાહથી એઝિથ્રોમાઇસિન અને શરદી માટેની દવા લઉ છું. - રાજુભાઇ વાઘેલા, સેટેલાઇટ

અન્ય સમાચારો પણ છે...