તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર પર હુમલો:સોલા સિવિલમાં સ્ટ્રેચર સરખી રીતે લઈ જવા કહેતા દર્દીના સગાએ ડોક્ટરને લાફો મારી દીધો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
સોલા સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર
  • સોલા ભાગવત પાસે બાઈક અકસ્માત બાદ બે યુવક સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
  • લાફો મારનાર યુવક ઈજાગ્રસ્તને સ્ટ્રેચર પર બેસાડીને એક્સ-રે કઢાવવા લઈ જતો હતો
  • ગાળો બોલી લાકડીઓ પણ મારી, મહિનામાં બીજી વાર દર્દીનાં સગાંઓના હુમલાથી ડોક્ટરો હડતાળ પર ઊતર્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને એક્સ રે કરાવવા માટે લઈ જતી વખતે સ્ટ્રેચર સરખું લઈ જવાનું એક ડોક્ટરે કહેતાં દર્દીના સગાંએ તેમને લાફો મારી દીધો હતો. આ મામલે ડોક્ટરે બે લોકો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાચૂંકું સ્ટ્રેચર ચલાવતા વિવાદ થયો
સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હિતેશ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાતે બે યુવક બાઇક લઈને સોલા ભાગવત પાસેથી પસાર થતા અકસ્માતે પડી ગયા હતા, જેમને ગંભીર ઈજા થતા હોસ્પિટલ લવાયા હતા. આ દરમિયાન એક યુવકને એક્સ રે કઢાવવાનું કહેવામાં આવ્યું હતું. આ સમયે ઇજાગ્રસ્ત યુવકને સ્ટ્રેચરમાં લઈ જતા બે યુવકો સ્ટ્રેચર વાંકુચૂકું ચલાવતા હોવાથી ડો. હિતેશે તેમને સ્ટ્રેચર યોગ્ય રીતે ચલાવવાનું કહી ઠપકો આપતા બંને યુવકો ઉશ્કેરાયા હતા અને ગાળો બોલી ડોક્ટરને લાફો ઝીંકી દીધો હતો. યુવકના મિત્રે ડોક્ટરને લાકડીથી માર્યા હતા. આ સમયે બૂમાબૂમ થતા હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ડોક્ટરને વધુ મારથી બચાવ્યા હતા. આ મામલે ડો.હિતેશે સોલા પોલીસ સ્ટેશનમાં હરીશ પરમાર અને જિગર પરમારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દર્દીનાં સગાં દારૂ પીધેલી હાલતમાં હોવાનો ડોક્ટરોનો આક્ષેપ
સોલા સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર પર દર્દીનાં સગાંએ દારૂ પીને હુુમલો કરતાં રેસિડન્ટ ડોક્ટરો સોમવારે હડતાળ પર ઊતરી ગયા હતા. એક મહિનામાં બીજી વાર દર્દીનાં સગાં દ્વારા ડોક્ટર પર હુમલાની ઘટના બની છે, જેને કારણે ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે સોલા સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સુરક્ષા વધારવાની બાંયધરી આપતાં ડોક્ટરોએ બપોરે 12 વાગ્યે હડતાળ સમેટી હતી.

સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
સોલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની બહાર પોલીસ પોઇન્ટ મુકાશે
હોસ્પિટલમાં 40 પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ અને 8 પોલીસ જવાનો તહેનાત છે. અત્યાર સુધી પોલીસનો પોઇન્ટ કોવિડની ઓપીડી પાસે મૂક્યો હતો, પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને ડોક્ટરોને રક્ષણ મળી રહે તે માટે પોલીસ પોઇન્ટ ટ્રોમા સેન્ટરની બહાર મૂકવા માટે સોલા પોલીસ સ્ટેશનનાં પીઆઈ સાથે વાતચીત થઈ છે. - ડો. પીનાબેન સોની, સુપરિન્ટેન્ડન્ટ, સોલા સિવિલ

પોલીસ કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન એક યુવક અન્યને સ્ટ્રેચર પર લઈ જતા હતા. તે સમયે સ્ટ્રેચર વાંકુ ચૂંકુ ચલાવતો હતો. જેથી ડોક્ટરે તેને આમ ન કરવા જણાવ્યું હતું. પણ યુવક સમજવાને બદલે ગાળો બોલવા લાગ્યો અને ડોક્ટરને લાફો મારી દીધો હતો. આ અંગેની જાણ સોલા પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...