ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી માટે ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો હોય તેમ લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિનાં સમીકરણને પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ
વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એમાં પણ આપે ચૂંટણી જાહેર થાય પહેલાં જ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. તેવામાં 180 ઉમેદવાર અત્યાર સુધી જાહેર કરી દીધા છે. તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ત્યારે આજે 10મી નવેમ્બરે ભાજપે દિલ્હીથી ગુજરાત વિધાસનભાના ઉમેદવારોનું જમ્બો લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અમુક કિસ્સામાં જ ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે. જ્યારે નવોદિતને તક આપવામાં આવી છે.
પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને મહિલાઓનું પ્રતિનિધિત્વ
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 40 પાટીદાર, 7 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 10 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 5 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિનાં સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.
અમદાવાદમાં 3, રાજકોટમાં 2, સુરત-વડોદરામાં 1 મહિલાને ટિકિટ
ભાજપે આ વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદમાં ગત વખતે જ્યાં એકેય મહિલાને ટિકિટ નહોતી મળી ત્યાં આ વખતે 3 મહિલાને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ 2 મહિલાને ઉમેદવારી અપાઈ છે. જ્યારે સુરત અને વડોદરા શહેરની ટિકિટ ફાળવણીમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.