• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Pathan Protest In Ahmedabad Pathan Movie Protest In Alpha One Mall Near Vastrapur Lake, Vishwa Hindu Parishad And Bajrang Dal Vandalized

અમદાવાદમાં 'પઠાન'નો વિરોધ:આલ્ફા વન મોલમાં પઠાન મૂવીનો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી; ત્યાં હાજર લોકો ગભરાયા

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો. એમાં તેમણે શાહરુખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા, જેઓ આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.

પઠાન ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો
આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, અગાઉ પણ આ પ્રકારના કાર્યક્રમમાં યોજાયા હતા. હવે પઠાન ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી શક્યતા છે. આજે બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતાં હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

'પઠાન’ના સોંગ મામલે રાજભા ગઢવીએ શબ્દોની તલવાર તાણી
થોડા દિવસ પહેલાં શાહરુખ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાનનું સોંગ ‘બેશરમ રંગ...’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશના ગૃહમંત્રીથી લઈ અયોધ્યાના મહંતે આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ કર્યો હતો. તો આ ફિલ્મના વિરોધમાં લોકગાયક રાજભા ગઢવીએ પણ ઝુકાવ્યું હતું.

'પઠાન' વિવાદમાં સ્વરા ભાસ્કરે હવે આમાં ઝંપલાવ્યું
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ 'પઠાન'ને લઈને મધ્યપ્રદેશમાં વિવાદ વધતો જાય છે. આ વિવાદમાં હવે એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એન્ટ્રી થઈ હતી. સ્વરાએ ટ્વીટ કરીને સત્તાધારી પક્ષના નેતાઓને નિશાને લીધા હતા. તો બીજી બાજુ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે 'આવાં હીરો-હિરોઇનની ફિલ્મ ના જોવી જોઈએ, જે ભગવાને બેશર્મ કહે છે.'

‘હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો’
રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ દર્શાવતાં કહ્યું હતું કે 75 વર્ષથી સનાતન પરંપરાને ખરાબ લગાડવા માટે કોશિશ થઈ રહી છે. હમણાં જે શાહરુખની પઠાન ફિલ્મ આવે છે એના ગીતનું જે કંઈ રિલીઝ થયું છે, એમાં દીપિકાએ ભગવા જેવું કંઈક પહેર્યું છે એવું જોવા મળે છે. ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન જ થવા દેવી જોઈએ, એ લોકોને બીજો કોઈ ધંધો જ નથી, કંઈક ને કંઈક આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે. 75 વર્ષ સુધી કર્યું છે અને હજુ ચાલુ રાખે છે. બધા ગુજરાતીઓ તૈયાર થઈ જાજો, કરણીસેના, મહાકાલસેના, શિવસેના, બજરંગ દળ જેટલાં જેટલાં સંગઠનો, સાધુ-સંતો આમાં જોડાવો. ભગવા કપડાં પહેરાવી અશ્લીલ ડાન્સ કરી આપણી પરંપરા પર આવું કરતા આવ્યા છે એ આપણે સહન કરવાનું નથી. એ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય અને નહીં થાય... સેન્સર બોર્ડને આપણે કહીએ... બધું જોઈ એના પર સહી કરો તો વધારે સારું, હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો.

‘એ પણ પ્રશ્ન પૂછજો... એને ભગવા જ હાથમાં આવે છે સીધેસીધા’
રાજભા ગઢવી આગળ કહે છે, આ ફિલ્મ ભારતમાં જ નહીં, પણ ક્યાંય રિલીઝ ન થવી જોઈએ. આપણે આપણા ઘરેથી શરૂઆત કરીએ એટલે ગુજરાતનું કહું છું. બાકી આખા ભારતમાં આ તૈયારી રાખવાની છે, તો દરેક ગુજરાતીઓ તૈયાર જ રહેજો અને આપણી ભાવનાઓ સાથે આવું શું કામ થાય છે એ પણ પ્રશ્ન પૂછજો, એને ભગવા જ હાથમાં આવે છે સીધેસીધા, એની માનસિકતા જ એ છે. તેમની માનસિકતા એવી થઈ ગઈ છે કે અંદરથી આવું જ સૂઝ્યા કરે છે. શાહરુખ ખાન અને દીપુડીની ફિલ્મનું ગીત રિલીઝ થવા દઈશું નહીં. આ સીધી વાત. શું કામ વારંવાર આવું કરે છે એનો જવાબ લેવો પણ જરૂરી છે.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને પઠાનના સોંગનો સ્ક્રીન શોટ.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને પઠાનના સોંગનો સ્ક્રીન શોટ.

ફિલ્મનો કોસ્ચ્યૂમ ખૂબ જ વાંધાજનકઃ મધ્યપ્રદેશના ગૃહમંત્રી
બે દિવસ પહેલાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે 'ફિલ્મ પઠાનના ગીતમાં અભિનેત્રીનાં કોસ્ચ્યૂમ અને દૃશ્યોને ફરી શૂટ કરવામાં આવે, નહીંતર રાજ્યમાં ફિલ્મને મંજૂરી આપવી કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.' ફિલ્મના ગીતમાં જે કોસ્ચ્યૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રથમ દૃષ્ટિએ ખૂબ જ વાંધાજનક છે. આ ગીત ભ્રષ્ટ માનસિકતાને કારણે ફિલ્માવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિપક્ષના નેતાએ કહ્યું- સેન્સર બોર્ડે કેવી રીતે મંજૂરી આપી?
જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા ગોવિંદ સિંહે કહ્યું, તેમણે જે દૃશ્ય જોયું એ અભદ્ર હતું. ભારતીય સંસ્કૃતિ આને સ્વીકારી શકતી નથી. આપણા દેશની પરંપરા નથી કે યુવાનોમાં આ પ્રકારનાં અર્ધ-નગ્ન દૃશ્યો પડદા પર બતાવવામાં આવે. જાણીજોઈને ષડ્યંત્ર હેઠળ આ કરવામાં આવી રહ્યું છે. હું તેની નિંદા કરું છું. ભાજપની સરકારમાં પૈસા આપો, ઓર્ડર લો, આ બધું ચાલી રહ્યું છે. સંસ્કૃતિ તો ભાજપનાં ભાષણોમાં જ છે.

અયોધ્યાના મહંત અને શાહરુખ ખાન.
અયોધ્યાના મહંત અને શાહરુખ ખાન.

‘દીપિકાએ બિકીની પહેરી સાધુ-સંતો અને ભગવા રંગને ઠેસ પહોંચાડી’
અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું, "બોલિવૂડ અને હોલિવૂડ સતત એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય, હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. પઠાન ફિલ્મમાં દીપિકા પાદુકોણે બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે, જે ખૂબ જ દુઃખદ છે.

શાહરુખ ખાન અને દીપિકાનાં પૂતળાં સળગાવાયાં
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાન' અને તેનું ગીત 'બેશરમ રંગ...' સામે ઈન્દોર શહેરમાં એક સંગઠને વિરોધપ્રદર્શન કર્યું અને બંને કલાકાર શાહરુખ ખાન, દીપિકા પાદુકોણનાં પૂતળાં સળગાવાયાં હતાં. 'વીર શિવાજી ગ્રુપ' નામના સંગઠનના કાર્યકર્તાઓ ઈન્દોરના માલવા મિલ સ્ક્વેર ખાતે એકઠા થયા હતા અને 'પઠાન'ના 'બેશરમ રંગ...' ગીતનો વિરોધ કર્યો હતો, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનાં પૂતળાં સળગાવ્યાં હતાં. પ્રદર્શનકારીઓએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે, એવો આરોપ મૂક્યો હતો કે ગીતથી હિંદુ સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાને પણ ફિલ્મના વિવાદ પર સ્ટેટમેન્ટ આપી ચર્ચા જગાવી છે.
શાહરુખ ખાને પણ ફિલ્મના વિવાદ પર સ્ટેટમેન્ટ આપી ચર્ચા જગાવી છે.

‘દુનિયા ગમે તે બોલે, પણ હું પોઝિટિવ છું’
તાજેતરમાં 28મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાને હાજરી આપી હતી અને તેમને જોઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલકાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારંભમાં પઠાણ વિવાદ પર શાહરુખે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ વિવાદ પર જવાબ આપતાં કહ્યું હતું કે " દુનિયા ગમે તે બોલે, પણ હજુ તમે, હું આપણે સૌ પોઝિટિવ છીએ."

કિંગ ખાન 'પઠાન' માટે વૈષ્ણોદેવી ને મક્કા ગયો
શાહરુખ ખાન 'ડંકી'નું શૂટિંગ પૂરું કરીને મક્કા ગયો હતો. અહીં તેમણે ઈસ્લામી તીર્થયાત્રા ઉમરાહ કરી હતી. ત્યાર બાદ 11 ડિસેમ્બરે વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો.

25 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ
25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી' 'પઠાન' માં શાહરુખ ખાન જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહીં, પરંતુ તમિળ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તો આ વચ્ચે 'પઠાન'ની રિલીઝ પહેલાં એની સિક્વલ બનાવવાનું નક્કી થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...