ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરિયા, બચુ ખાબડ અને જગદીશ પંચાલ સહિતના નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે
આજે સોમવાર અને 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીપદની શપથવિધિ યોજાવાની છે. એને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા હતા, જ્યાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. જોકે વડાપ્રધાનના આગમન પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
મંત્રીપદ માટે આ લોકોને ટેલિફોનિક જાણ કરાઈ
જોકે કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોનાં નામ પર ચર્ચા કરવામાં આવી હતી. એ બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુબહેન બાબરિયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાને સ્થાન મળશે.
CM તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાશે.
બિગ સેલિબ્રેશનની તૈયારી કરી દેવાઈ
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મોટે પાયે થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ભાજપની આ શાનદાર જીત એક મોટો મેગા શો જેવો બની રહે એવું આયોજન સંગઠન દ્વારા કરાયું છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ નવી સરકાર રચવા માટે તડામાર તૈયારી સચિવાલય ખાતે શરૂ કરાઈ હતી. નવી સરકારના ચયન માટે સૌપ્રથમ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે, ત્યાર બાદ તેમના મંત્રીઓ શપથ લેશે. એ અંતર્ગત સચિવાલય ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા શપથવિધિ સ્થળે કરાઈ છે અને 3 મોટાં સ્ટેજ બનાવાયાં છે.
180x40 મીટરનાં ત્રણ મોટાં સ્ટેજ તૈયાર કરાયાં સરકારનાં અધિકારિત સૂત્રો મુજબ, શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. પ્રત્યેક મંચ 180x40 મીટર મોટો છે. એક મંચ પર રાજ્યપાલ, નવા મુખ્યમંત્રી, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. બીજા મંચ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય રાજ્યના મુખ્યમંત્રી બેસે એવી વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા ઊભી કરાશે
મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ આમંત્રિતો આવવાના હોવાથી બેઠક વ્યવસ્થા માટે પણ અલગ આયોજન કરાયું છે. કુલ 8 સેગમેન્ટમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી માટે નિર્ણય લેવાયો હતો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય એ અગાઉ જ યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી માટે નિર્ણય લેવાયો હતો. તારીખ 29 ઓક્ટોબરના રોજ રાજ્ય મંત્રીમંડળના સભ્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય પણ લેવાયો હતો. જોકે બાદમાં આચારસંહિતા લાગુ થતાં તમામ કાર્યવાહીના અમલીકરણની રૂપરેખા અટકી પડી હતી. ગુજરાતમાં ભાજપની હવે નવી સરકાર રચાશે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગ્રહણ કરશે. જોકે શપથ ગ્રહણ કરે એ અગાઉ જ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટું નિવેદન આપ્યું હતું.
'કમિટીના અહેવાલ બાદ અમલીકરણની કાર્યવાહી કરાશે'
કમલમ્ ખાતે મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોમન સિવિલ કોડ અંગે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો અહેવાલ આવ્યા બાદ અમલીકરણ અંગે કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે કોમન સિવિલ કોડનો અમલ કરવાના અધિકારના ભાગરૂપે રાજ્યમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને એક કમિટી રચાઈ છે. આ કમિટી તમામ પાસાનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.
રાજભવન જતાં પહેલાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ભરોસો નહીં તૂટવા દઈએ
ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ ભૂપેન્દ્ર પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ મહોર લગાવી છે. મોદીના સંકલ્પમાં દેશને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારસભ્યો તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. જનતાએ 156 બેઠક પર જીત અપાવી છે, ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યું છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહીં દઈએ. સંકલ્પપત્ર જાહેર કર્યો હોય એ પ્રાથમિકતામાં હોય. 370 હોય કે રામમંદિર હોય, પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે.
શનિવારે રાષ્ટ્રીય નિરીક્ષકોની હાજરીમાં નેતા પસંદ કરાયા
કમલમે ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન તરફથી નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં કનુ દેસાઇએ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. ત્યાર બાદ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રાજભવન પહોંચ્યા હતા. એ બાદ ભૂપેન્દ્ર પટેલની પક્ષના નેતા તરીકે પસંદગીનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો અને સરકાર રચવાનો દાવો રજૂ કરી શપથવિધિ માટેનો સમય માગ્યો હતો. રાજ્યપાલે દાવો સ્વીકારી સોમવારે બપોરે 2 વાગ્યાનો સમય આપ્યો છે.
પીએમ, કેન્દ્રીય મંત્રીઓ, સાધુ-સંતો હાજર રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના સભ્યોની સોમવારે યોજાનારી શપથવિધિમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બે હજારથી વધુ કાર્યકરો તેમજ સાધુ-સંતો, મહંતો પણ મોટી સંખ્યામાં શપથવિધિમાં હાજરી આપશે. એ સિવાય ગુજરાતના પ્રતિષ્ઠિત અને જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહેશે.
2017માં પણ શપથવિધિનું ગ્રાન્ડ સેલિબ્રેશન થયું હતું
તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ 2017ની જીત બાદ શપથ ગ્રહણ કર્યા, ત્યારે પણ આ જ પ્રકારના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયે પણ આ જ પદ્ધતિએ સરકારે વ્યવસ્થા ઊભી કરી હતી, જ્યારે સંગઠન દ્વારા પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે એવું આયોજન કર્યું હતું.
સચિવાલયનો સ્ટાફ બ્લોક- 2 અને 7 સામેના પાર્કિંગ કરી શકશે
પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શપથવિધિ સમારોહ આજે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાવાનો છે. શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં વડાપ્રધાન તથા અન્ય વીવીઆઇપી મહાનુભાવો આવશે. એને લઈને સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે સચિવાલય સંકુલના પાર્કિંગમાં હંગામી ધોરણે પ્રવેશ નિયંત્રણ કરાયો છે. નવા સચિવાલય સંકુલ સ્થિત તમામ વિભાગો, અન્ય કચેરીઓના સર્વે અધિકારી/કર્મચારીઓને પાર્કિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. એ પ્રમાણે નવા સચિવાલય સંકુલ સ્થિત બ્લોક નં-1થી14ના તમામ વિભાગો, અન્ય કચેરીઓ તેમજ સ્વર્ણિમ સંકુલ-1 તથા સ્વર્ણિમ સંકુલ-2માં ફરજ બજાવતાં વર્ગ-1થી4ના તમામ અધિકારી/કર્મચારીઓએ પોતાના સરકારી તથા ખાનગી એમ તમામ વાહનો સોમવારના એક દિવસ પૂરતું સચિવાલય, બ્લોક નં.2 તથા બ્લોક નં.7 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરવા કહી દેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.