હાઈકોર્ટમાં સુનાવણી:રાઈટ ટુ પ્રાઈવસીનો મતલબ એ નહીં કે લોકોને ઘરમાં બેસીને દારુ પીવાની છૂટ આપી શકાયઃ ગુજરાત સરકારનું કડક વલણ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હાઈકોર્ટમાં દારુબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી
  • ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્યઃ રાજ્ય સરકાર

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ધૂસાડવામાં આવતા દારુ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારુનો પર્દાફાશ કર્યો છે. હાઈકોર્ટમાં દારુબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરુ થઈ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે, લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપી શકાય.

તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. હવે આ બાબતે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરાશે.

દર વર્ષે 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે
એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં.

5 અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી
ત્રણ વર્ષ પહેલા એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે. આમાંના એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલા સાથે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીના કારણો તથા તર્ક જણાવ્યા હતા.

1) ‘મારી પર્સનલ લાઇફ કેવી રીતે જીવવી તે મારો અધિકાર છે,સરકારનો નહી’

રાઈટ ટુ પ્રાઈવસી. મારું જીવન મારે કેવી રીતે જીવવું એ મારો અધિકાર છે. મારા ઘરે અમે પાંચ મિત્રો ભેગા મળીને કોઈને ડિસ્ટર્બ ન થાય તેવી રીતે શરાબ પીએ અથવા તો પત્તા રમીએ તો તેમાં ખોટું શું છે. મારી લાઈફ મારી રીતે જીવવી એ મારો રાઈટ છે.

એ સમય ગયો. પહેલા આપણે શરાબને ખરાબ ગણતા હતા પણ હવે નથી ગણતા. આજે લોકો ગુજરાતની બહાર જઈને આનંદ કરે છે. પરિવારની હાજરીમાં નહીં પણ પરિવારની સાથે જ શરાબ પીવે છે. આ બધું કરવા તેમણે ગુજરાત બહાર જવું પડે છે તો પછી ગુજરાતમાં માણસ પોતાના ઘરમાં બેસીને આમ કેમ ન કરી શકે..

સરકાર થોડી લિબરલ થાય અને લોકોને તેમનું જીવન જીવવા દે. રાઈટ ટુ પ્રાઈવસીમાં સરકારે લિબરલે થવું જરૂરી છે. દારૂ પીવો અને રેપ-મર્ડર કરવું એની સજા એક જ હોય તે કેવી રીતે બની શકે. કાંઈ તો વિચાર કરો. ઊલટાનું આવા કડક કાયદાને લીધે તો કરપ્શન વધ્યું છે.

અત્યારે હું કાંઈ કહી ન શકું. પરંતુ મારું અંગત જીવન કેવી રીતે જીવવું તે મારી પસંદગી હોઈ શકે. સરકાર મને એવું કેવી રીતે કહી શકે કે મારે શું કરવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું? હાઈકોર્ટનો ચુકાદો હું સ્વીકારીશ અને મારે શું કરવું છે તે હું જ નક્કી કરીશ. પણ ઘરની ચાર દિવાલમાં પત્તા રમવા, પાંચ જણા ભેગા મળીને એન્જોય કરવું એ ગુનો ન કહેવાય.

આ પાંચ અરજદારના વકીલ અને સિનિયર એડવોકેટ દેવેન પરીખે પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જાહેર આરોગ્યના હેતુસર ગુજરાત સરકારે અત્યંત આકરો કાયદો બનાવ્યો છે જે મુજબ કોઈ માણસ પોતાના ઘરની ચાર દિવાલની વચ્ચે કોઈ ત્રીજાને નુકસાન કે ખલેલ પહોંચાડ્યા વિના શરાબને એક-બે પેગ મારે તો પણ તેને કોઈ બળાત્કારી કે ખૂનીની સમકક્ષ ગણીને તેટલી જ આકરી સજા કરાય છે. આનાથી જાહેર આરોગ્યની જાળવણીનો હેતુ બર આવતો જ નથી. આવું જ હોય તો પછી સરકાર તમાકુથી આટલા બધા માણસો મરતા હોવા છતાં સિગરેટ કે પાનમસાલા કે તમાકુના વેચાણ પર કેમ પ્રતિબંધ નથી મૂકતી.

ચાર મિત્રો ભેગા થઈને બંધ બારણે પોતાની રીતે એન્જોય કરે તેના માટે આટલી આકરી સજા વધુ પડતી છે અને હાઈકોર્ટે નશાબંધીના આ ભયંકર આકરા કાયદાની સમીક્ષા કરવી જોઈએ એટલી જ અમારી માગણી છે.

આ પણ વાંચોઃ બે વર્ષ પહેલા દિવ્યભાસ્કરે હાઈકોર્ટમાં થયેલી અરજી પર તૈયાર કરેલો એક્સક્લૂઝિવ અહેવાલ

સરકારે વિધાનસભામાં પણ કબૂલ્યું હતું
દારૂબંધી અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બે વર્ષમાં 198.30 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને 67 દિવસના લોકડાઉનમાં 2019 કરતાં 2020માં વધુ દારૂ ઝડપાયો છે. રાજ્યમાં કોરોનાનાં કારણે 67 દિવસ સુધી લોકડાઉન રહ્યું હતું. તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ ચાલુ જ હતી. આ ઉપરાંત રૂ.3.65 કરોડનો દેશી દારૂ તેમજ રૂ.13.18 કરોડનો બિયરનો જથ્થો પણ ઝડપાયો હતો. તેમજ રૂ.68.60 કરોડનું અફીણ, ગાંજા જેવા માદક દ્રવ્યો ઝડપાયા હતા. ગુજરાતના બે પોલીસ મથકમાંથી દારૂ ચોરીની કબૂલાત પણ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં કરી છે. કોંગ્રેસ MLAના પ્રશ્નમાં રાજ્ય સરકારનો લેખિત જવાબ છે કે ગાંધીનગર અને મહેસાણામાં પોલીસ મથકમાંથી દારૂ ચોરાયો હતો. અને દારૂ ચોરીમાં 8 કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.