કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરોમાં શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે, આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ આદેશ 21થી 28મી મે સુધી અમલી રહેશે.
ડોક્ટરોની લોકડાઉનની લંબાવવા અપીલ
રાજ્યમાં એકતરફ કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધવાને કારણે સરકારે સંપૂર્ણ લોકડાઉનને બદલે આંશિક લોકડાઉનનો નિર્ણય લીધો હતો. ડોક્ટરો દ્વારા આંશિક લોકડાઉન લંબાવવાની રજૂઆત કરી હતી જ્યારે વેપારીઓ દ્વારા વેપાર-ધંધા શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોરગૃપની બેઠકમાં કોરોના સંક્રમણના ઘટી રહેલા કેસની સમીક્ષા બાદ આંશિક અનલોકનો નિર્ણય લેવાયો હતો. જે માટે વેપાર ધંધાને 6 કલાક માટે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે
સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જીમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમ વિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધ સરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લીક બસ સેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટેલ-રેસ્ટોરન્ટ સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે.
આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે
આ સાવધાની રાખવી પડશે
1. દુકાનદારોએઃ દુકાનમાં ભીડ ન થાય અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, ગ્રાહક અને વેપારી બંને માટે માસ્ક ફરજિયાત રહેશે. 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખી શકાશે નહીં.
2. ગ્રાહકોએઃ દુકાન પર આવતાં ગ્રાહકે પણ માસ્ક અને ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
3. સરકારેઃ સરકારે આંશિક છૂટછાટ આપી છે પરંતુ કેસ વધે નહીં તે માટે સતત મોનિટરિંગ રાખવું પડશે.
4. તંત્રએઃ વેપારી અને ગ્રાહકો દ્વારા ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન થાય તે જોવાની સીધી જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની છે.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો ચાલુ રહેશે
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ખૂલશેઃ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર સલૂન, બ્યૂટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ, તમામ વ્યાપારિક ગતિવિધિઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માત્ર ટેક-અવે, હોમડિલિવરી પૂરતી
આ બંધ રહેશેેઃ
શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મોલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ બંધ રહેશે.
રાજ્યમાં 42 દિવસ બાદ 5 હજારથી ઓછા કેસ
રાજ્યમાં 42મા દિવસે નવા કેસનો આંકડો ઘટીને 5 હજારથી ઓછો નોંધાયો છે. આ પહેલા 10 એપ્રિલે 5 હજાર 11 કેસ નોંધાયા હતા. ગુરૂવારે રાજ્યમાં 4 હજાર 773 નવા કેસ નોધાયા છે. તેમજ કુલ 8 હજાર 308 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 87.32 ટકા થયો છે. તેમજ દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 64 થયો છે.
અત્યાર સુધીમાં 7.76 લાખ કેસ અને 9404ના મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 76 હજાર 220ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 404 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 77 હજાર 798 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 89 હજાર 18 એક્ટિવ કેસ છે, જેમાંથી 716 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.