કોરોના ઇફેક્ટ:અમદાવાદની ટેનિસ એકેડમીઓનું ‘આંશિક’ કમબેક, ખેલાડીઓનો ટ્રેનિંગ સમય ઘટ્યો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની ટેનિસ એકેડમીઓ હજુ પણ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં

લૉકડાઉન 4માં વેપારધંધાની સાથે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમોને પણ ખોલવાની મંજૂરી મળી છે, જોકે આ માટે તમામ રમતોની એકેડમીઓએ ચુસ્ત નિયમોનું પાલન કરવાની સાથે-સાથે સ્થાનિક તંત્રની મંજૂરી લેવી પણ જરૂરી છે. એવામાં શહેરની બહારના વિસ્તારોમાં આવેલી ટેનિસ એકેડમીઓમાંથી અમુક એકેડમીમાં ફ્યુમિગેશન અને સેનિટાઈઝેશન બાદ ટ્રેનિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે શહેરના અંદરના વિસ્તારોમાં આવેલી એકેડમીઓ તો હજુપણ ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિ પ્રમાણે ચાલી રહી છે, તેઓ શહેરમાં કેસની સંખ્યા ઓછી થવા ઉપરાંત સ્પષ્ટ ગાઈડલાઈનની પણ રાહ જોઈ રહ્યાં છે.
લૉકડાઉન 4ની જાહેરાતમાં છૂટ મળ્યા બાદ શૈષ્ય ટેનિસ એકેડમી અને અલ્ટેવોલ ટેનિસ એકેડમીએ ફ્યુમિગેશન અને અન્ય સુરક્ષા ઉપાયોની વ્યવસ્થા બાદ ટ્રેનિંગ શરૂ કરી. બંને એકેડમીમાં હાલ 50 જેટલા ખેલાડીઓ આવતા થયા છે. આ  એકેડમીના કોચ દેવિન્દર સિંહે જણાવ્યું કે, ‘હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. આ ઉપરાંત ખેલાડીઓએ 60 જેટલા દિવસ બાદ કોર્ટ પર કમબેક કર્યું હોવાથી હાલ 40 મિનિટ જેટલી જ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તેઓ વહેલી તકે રિધમ મેળવી લેશે.’ ખેલાડીઓને માનસિક રીતે ફિટ રાખવા માટે અમે લૉકડાઉનમાં ઓનલાઈન સેશન રાખતા હતા. અલ્ટેવોલ ટેનિસ એકેડમીના ચિરાગ પટેલે જણાવ્યું કે,‘ખેલાડીઓ નજીકના વિસ્તારમાંથી જ આવે છે તેથી એકેડમી શરૂ કરવામાં સમસ્યા નથી. તમામ સુરક્ષા ઉપાયો અને ગાઈડલાઈનને ફોલો કરી રહ્યાં છીએ. ખેલાડીઓ ઘણા દિવસ પછી કોર્ટ પર આવ્યા હોવાથી હાલ ટ્રેનિંગનો સમય ઘટાડ્યો છે.’
ટેનિસ એકેડમીઓ દ્વારા કરવામાં આવેલા સુરક્ષા ઉપાયો

  • સમગ્ર એકેડમીમાં સેનિટાઈઝેશનનું કામ કરાવવામાં આવ્યું.
  • ખેલાડીઓ, કોચ અને અન્ય સ્ટાફે આવતા-જતા સમયે હાથ સેનિટાઈઝ કરવાના રહેશે. ટેમ્પરેચર ચેક કરાશે.
  • કોચ અને સ્ટાફ માસ્ક-ફેસ શિલ્ડ પહેરી રહ્યાં છે.
  • ખેલાડીઓની કિટ-શૂઝને સેનિટાઈઝ કરવામાં આવે છે. એક કોર્ટ પર માત્ર 2 ખેલાડીઓ જ રમી શકશે. તેથી હાલ ડબલ્સના ફોર્મેટમાં નહીં રમી શકાય.
  • ખેલાડીઓએ કિટ એક બોક્સમાં મુકવાની રહેશે, તે સિવાયના સ્થળે કિટ મુકી નહીં શકાય.
  • ખેલાડી-સ્ટાફના લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. ટેનિસ કોર્ટમાં બેસવા માટેની બેન્ચ-ખુરશી નહીં રખાય.

એકેડમીના સંચાલકો 31 બાદ નિર્ણય લેશે
જે એકેડમી ખુલી છે ત્યાં કેવો રિસ્પોન્સ છે અને કોરોનાને કારણે સ્થિતિ બગડે છે કે અન્ય કોઈ સમસ્યાઓનો સામનો તેઓને કરવો પડી રહ્યો છે કે નહીં, એ તમામ બાબતો પર નજર રાખ્યા બાદ જ  શહેરની અંદર આવેલી ઘણી એકેડમી 31 બાદ જ કોઈ ચોક્કસ નિર્ણય લેશે.
ઓનલાઈન સેશન તો ચાલુ જ હતા
અમારે ઓનલાઈન સેશન ચાલુ હતા તેથી લૉકડાઉનના કારણે ફિટનેસ પર વધુ અસર નથી થઈ. હવે એક કોર્ટ પર 2 જ લોકો હોવાના કારણે કોચ વધુ ધ્યાન આપી શકે છે. હજુપણ થોડો ડર હોવાથી ઘણા ખેલાડીઓ ટેનિસ કોર્ટ પર નથી આવી રહ્યાં. - વૈભવી ત્રિવેદી, ટેનિસ પ્લેયર