અમદાવાદમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક અત્યાચારનો કેસ સામે આવ્યો છે. શહેરમાં સગીર વયની એક બાળકીને તેનો પરીચિત નરાધમ ટેટુ કઢાવવાનું કહીને હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરી હતી. આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીને સંબંધીના ઘરે મુકી માં બાપ બહાર ગામ ગયાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ બીજી મેના રોજ ધાર્મિક કામે બહાર ગયાં હતાં. ત્યારે તેમની દીકરી ઘરે જ હતી. દીકરીને રાત્રે સુવા માટે તેઓ જ્યાં કામ કરે છે ત્યાં કહ્યું હતું. તે ઉપરાંત દીકરીની સારસંભાળ રાખવા માટે ત્યાં પરિચિત ભંવરલાલ નામના વ્યક્તિને કહ્યું હતું. તેઓ જ્યારે આઠમી મેના રોજ ઘરે પરત આવ્યાં ત્યારે તેમની દીકરી બે દિવસ સુધી સતત સુતી હતી. પિતાએ પુછ્યું તો તેણે સમગ્ર હકિકત જણાવી હતી.
સગીરા ટેટુ કઢાવવા સંબંધી ભંવરલાલ સાથે ગઈ હતી
સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું કે, તે ગળા તથા હાથના ટેટુ કઢાવવા માટે ભંવરલાલ સાથે ગઈ હતી. ત્યારે ભંવરલાલ તેને CTM ખાતે હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાને લાફો મારીને જબરદસ્તી કરી હતી. એટલું જ નહીં તેણે દુષ્કર્મ કરીને વીડિયો પણ ઉતાર્યો હતો. તેણે કોઈને કહીશ તો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આટલેથી નહીં અટકતાં આરોપી નરાધમ ભંવરલાલે તેને ઘરે બોલાવીને પણ દુષ્કર્મ આચર્યું હતું.
ભંવરલાલની ધમકીથી સગીરાએ દવા પીધી
આરોપી ભંવરલાલે સગીરાને એવી પણ ધમકી આપી હતી કે મહિનામાં મારી સાથે બે વાર શારીરિક સંબંધ બાંધવા નહીં આવે તો વીડિયો વાયરલ કરી નાંખીશ. ભંવરલાલના આ પ્રકારના વર્તનથી સગીરાએ દવા પી લીધી હતી. પરંતુ તેને બાદમાં ઉલ્ટી થતાં તે બચી ગઈ હતી. આ સમગ્ર મામલે સગીરાના પિતાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.