વાલી મંડળનો ગંભીર આક્ષેપ:વાલીઓને ફીમાં રાહત ન આપવી પડે એટલે સરકાર સ્કૂલો શરૂ કરવા માટે ઉતાવળ કરે છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા હોવાથી સ્કૂલો શરૂ કરાય તો બાળકો સામે જોખમ
  • બાળકો માટેની રસી આવી નથી છતાં શિક્ષણમંત્રીએ ઓગસ્ટના અંત સુધીમાં ધો.5થી 8ની સ્કૂલો શરૂ કરવા તૈયારી બતાવી છે

વાલી મંડળે શિક્ષણમંત્રીના સ્કૂલો ખોલવાના નિવેદનનો વિરોધ કરતાં આક્ષેપ કર્યો છે કે, વાલીઓને ફી માફી ન આપવી પડે તે માટે સરકાર સ્કૂલો જલ્દી શરૂ કરવા માગે છે. જ્યારે વિશ્વના તજજ્ઞો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો સ્કૂલો શરૂ કરાય તો બાળકો માટે જોખમ ઉભું થશે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીએ ઓગસ્ટના અંત સુધીમાં ધો.5થી 8 શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ બીજી તરફ કોરોનાની રસી બાળકો માટે ઉપલબ્ધ નથી. તેથી વાલીઓ બાળકોની ચિંતા કરી રહ્યાં છે. સરકાર પાસે યોગ્ય એક્શન પ્લાન પણ નથી. અત્યારે ધો.9થી 12ના વર્ગો ચાલુ છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કોઇ અધિકારીએ કોઇપણ સ્કૂલનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું નથી કે સ્કૂલને એસઓપીનું પાલન ન કરવા માટે દંડ કરાયો નથી.

સરકારી અધિકારીઓની નિયમો તોડતી સ્કૂલોની અનદેખી એ બાળકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કોરોના મહામારીને કારણે હાલમાં વાલી મંડળોએ ફી માફીની માગ કરી છે. પરંતુ આ વર્ષે સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર 25 ટકા ફી માફી આપશે તો કોર્ટ કેસ થશે. તેથી જો સ્કૂલો શરૂ થાય તો ફી માફી આપવી ન પડે.

ઘણી સ્કૂલ ઓફ-ઓનલાઇન સાથે નથી ચલાવતી
વાલીઓના જણાવ્યા પ્રમાણે, ઓફલાઇન ક્લાસ શરૂ થયા બાદ ઘણી સ્કૂલો ઓફલાઇન, ઓનલાઇન ક્લાસ એક સાથે ચલાવતી નથી. તેથી વાલીઓએ બાળકોને ફરજિયાત સ્કૂલે મોકલવા પડે છે. આ સ્થિતિમાં જો નાના ધોરણોના ઓફલાઇન ક્લાસ શરૂ થયા બાદ પણ જો આ સ્થિતિ રહે તો વાલીઓ ન ઇચ્છે તો બાળકોને સ્કૂલે મોકલવા પડે.

કોલેજોમાં પણ 25 ટકા ફી માફીની માગણી
શૈક્ષણિક વર્ષ 2020-21 માટે સરકારે સ્કૂલોને 25 ટકા ફી માફી આપી હતી. પરંતુ ફી માફીનો લાભ કોલેજોના વાલીને મળ્યો ન હતો. સ્કૂલની સાથે કોલેજોના વાલીઓને 25 ટકા ફી માફી મળવી જોઇએ. સરકાર માટે દરેક વાલી સરખા હોવા જોઈએ. સ્કૂલની સરખામણીએ કોલેજોની ફી ખૂબ વધારે છે. પરંતુ સરકાર સ્કૂલ અને કોલેજના વાલીઓ વચ્ચે ભેદભાવ રાખતી હોવાનો અહેસાસ થાય છે એમ વાલીઓએ જણાવ્યું હતું.

ફી માફીને સ્કૂલો શરૂ થવા સાથે ન સાંકળો
સરકારે પહેલાંથી જ એક મહિનો મોડું કર્યું છે. પરંતુ હાલમાં વાલીઓએ બાળકોને અભ્યાસ પર ધ્યાન આપવું જોઇએ. સ્કૂલો શરૂ કરવી અને ફી માફી સાથે કોઇ સંબંધ નથી. હાલમાં વાલીઓએ માત્ર બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઇએ. - મનન ચોક્સી, પ્રેસિડેન્ટ, એઓપીએસ

અન્ય સમાચારો પણ છે...