વિદ્યાર્થીઓનો ડેટા લીક!:કઈ રીતે ખાનગી કોલેજો-યુનિ. પાસે પહોંચ્યો હજારો વિદ્યાર્થીઓનાં નામ-વાલીના ફોનનંબરનો ડેટા? એડમિશન માટે રોજ 10 ફોન આવે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12માં માસ પ્રમોશનનો નિર્ણય લેવાયા પહેલાં માર્ચ મહિનાથી વાલીઓને ફોન આવી રહ્યા છે
  • વિદ્યાર્થીઓને ડેટા શાળાઓ, કોચિંગ ક્લાસ કે પછી શિક્ષણ બોર્ડે લીક કરાવ્યો?

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ખાનગી કોલેજોની સાથે ઘણી સરકારી કોલેજોમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે. જોકે ઘણી ખાનગી કોલેજોમાં હજુ હજારો સીટો ખાલી હોવાથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓ દ્વારા હજારો વાલીઓને એડમિશન માટે ફોન કરવામાં આવી રહ્યા છે. રોજેરોજ એડમિશનના ફોન આવતાં વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે, સાથે જ તેઓ માથું ખંજવાળી રહ્યા છે કે તેમનાં બાળકોનો ડેટા આ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ્યો કેવી રીતે?

માર્ચ મહિનાથી એડમિશનના ફોન આવવા લાગ્યા
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પંકજભાઈની દીકરી શગુને આ વર્ષે જ ધો.12 કોમર્સ પાસ કર્યું. જોકે રાજ્યમાં માસ પ્રમોશનની જાહેરાત પહેલાં જ માર્ચ મહિનાથી પંકજભાઈને જુદી જુદી ખાનગી યુનિવર્સિટીઓ તરફથી દીકરીનું એડમિશન કરાવવા માટે ફોન કોલ્સ આવી રહ્યા છે, જેમાં તેમને શરૂઆતમાં માત્ર 10 હજાર રૂપિયાની ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવવા માટે કહેવાતું હતું, તેમના દીકરાએ માત્ર પાસ થવાનું રહેશે. જોકે બે-ચાર દિવસ પછી રોજેરોજ આવતા આવા ફોન-કોલ્સથી તેઓ પણ પરેશાન થઈ ગયા છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

ફોન કરનારા પાસે સ્કૂલ, વાલીનો ફોન નંબર સહિતની વિગતો
આવી જ રીતે મણિનગરના બિપિનભાઈનો દીકરો જયવીરે પણ આ વર્ષે જ ધો.12 કોમર્સ પાસ કર્યું. માસ પ્રમોશન બાદથી બિપિનભાઈને પણ દીકરાના એડમિશન માટે ખાનગી યુનિવર્સિટીઓ તરફથી ફોન આવી રહ્યા છે. આટલું જ નહીં, ફોન કરનાર પાસે દીકરાની સ્કૂલની વિગતો, ટકાવારી સહિતની વિગતો હોવાથી બિપિનભાઈ પણ ચોંકી ઊઠ્યા હતા.

ડેટા શાળાઓ, કોચિંગ ક્લાસ કે પછી શિક્ષણ બોર્ડે લીક કરાવ્યો?
એવામાં અહીં સવાલ એ થાય છે કે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો પાસે વાલીઓના ફોન નંબર સહિત આ રીતે વિદ્યાર્થીઓનો ડેટા કેવી રીતે આવ્યો? શું શાળાઓ કે કોચિંગ ક્લાસ દ્વારા આ ડેટા કોલેજોને વેચવામાં આવ્યો છે કે પછી ખુદ શિક્ષણ વિભાગ દ્વારા જ આ ડેટા લીક કરવામાં આવ્યો છે? જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ આઉટસોર્સિંગથી તૈયાર કરાવે છે. આ દરમિયાન પણ લાખો વિદ્યાર્થીઓનો ડેટા લીક થવાનો ભય રહે છે.