આક્ષેપ:શિક્ષકો ઓનલાઇન અભ્યાસ પર ધ્યાન ન આપતા હોવાનો વાલીઓનો આરોપ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1થી 5ની સ્કૂલો શરૂ થતાં ક્લાસરૂમમાં આવતા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત
  • વાલીઓએ કહ્યું, શિક્ષકો વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાનો આગ્રહ રાખે છે

ધોરણ 1થી 5નું ઓફલાઇન એજ્યુકેશન શરૂ થયા બાદ ઘરે રહીને ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે, શિક્ષકો ક્લાસરૂમમાં જે વિદ્યાર્થીઓ હાજર છે તેઓ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે, જેના કારણે ઓનલાઇન અભ્યાસ કરતા બાળકોને કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. ઉપરાંત શિક્ષકો વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટે સમજાવી રહ્યાં છે અને સ્કૂલમાં હાજર વિદ્યાર્થીઓ સાથે વાત કરાવી રહ્યા છે, જેથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ મેળવવા સંમત થાય.

દિવાળી વેકેશન બાદ સરકારે ધો.1થી 5ની સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા મંજૂરી આપી હતી, પરંતુ સંચાલકોને જણાવ્યું હતું કે, કોઇ વાલી- બાળકને સ્કૂલે આવવા માટે ફરજ પાડશે નહીં. સ્કૂલોએ ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે શિક્ષણકાર્ય રાબેતા મુજબ જ ચાલુ રાખવું પડશે. એક સ્કૂલ સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સ્કૂલોને ઓફલાઇન-ઓનલાઇન શિક્ષણ એક સાથે પોસાય નહીં, કારણ કે શિક્ષક કોઈ પણ એક જ પ્રકારનું શિક્ષણ આપી શકે છે. ઓનલાઇનમાં શિક્ષક મોબાઇલ કે લેપટોપમાં જ લખીને બાળકોને સમજાવી શકતા હતા, પરંતુ હવે વર્ગમાં વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકોએ બોર્ડ પર લખાણ લખવું પડે છે, જેથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા બાળકો સાથે તેઓ પૂરતી વાત કરી શકતા નથી.

ખાનગી સ્કૂલોમાં માત્ર 16 ટકા હાજરી નોંધાઈ
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી હાજરીના આંકડા પ્રમાણે 24 નવેમ્બર સુધી ખાનગી સ્કૂલોમાં ધો.1થી 5માં સ્કૂલે આવનારા વિદ્યાર્થીઓની હાજરી 16 ટકા હતી, જ્યારે કે ધો. 6થી 8માં 30 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવીને અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલકોને આશા છે કે, સોમવાર બાદ વિદ્યાર્થીઓની હાજરી 50 ટકાથી વધશે.

અન્ય સમાચારો પણ છે...