12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે.
આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.30 લાખ રિકવર કરવામાં આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. જોકે ગૃહ રાજ્યમંત્રીએ અસિત વોરાનું નામ પણ લીધું નહોતું, શું તેમને ક્લીન ચિટ આપી?
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.
ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવા પડશે નહીં
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.
કોઈ પેપર ફોડવાની હિંમત ન કરે તેવા પગલાં લઈ દાખલો બેસાડીશું
મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, ઘટનાના પ્રથમ દિવસથી જ તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
24 ટીમ બનાવી હતી, 14ને પકડ્યાં
ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. આ ગુનાની તપાસ 360 ડીગ્રીએ ચાલુ છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. જે અંતર્ગત 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદિન સુધી રૂપિયા 30 લાખ રિકવર કર્યાં છે. તપાસમાં વધુ રૂપિયા રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તપાસ દરમિયાન જે કોઇ વ્યક્તિઓ સંડોવાયેલ જણાશે તો તેવી વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષશે નહી.
કોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવાશે
આ ગુનામાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારી તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે. તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે.
અન્યાય ન થાય તેની જવાબદારી રાજ્ય સરકારની
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યમાં આગામી સમયમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ લેવામાં આવનાર છે, તેવા 10 લાખથી વધુ યુવાનોનું સપનું સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકારે સંપૂર્ણ આયોજન તકેદારી સાથે કર્યું છે અને કરશે એટલે વિદ્યાર્થીઓ મહેનત કરે તેમને તેમની મહેનતનુ ફળ મળશે જ. ગુજરાતના યુવકો જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરી પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. અને તે યુવકોના માતા-પિતાઓ પણ સાથે-સાથે મહેનત કરતા હોય છે. તેમને પણ અન્યાય ન થાય તે જવાબદારી પણ રાજ્ય સરકારની છે.
મુખ્યમંત્રી સાથે બેઠક કરી લીધો નિર્ણય
પેપર લીક કાંડનો મામલો ગરમાતા અને રાજકીય સ્વરૂપ લઈ લેતા સરકાર એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષા રદ કરવા અને આરોપીઓ સામે કડક પગલાં લેવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.
પેપરલીક કાંડના આરોપીઓ
દેવલ પટેલ, મંગેશ શિર્કે, કિશોર આચાર્ય, દિપક પટેલ, જયેશ પટેલ, મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ), કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર), ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે.
યુવરાજસિંહ જાડેજાએ પુરાવા આપ્યા હતા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળનેકેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.
પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરે 9 લાખમાં વેચ્યું હતું પેપર
સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.
પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી?
પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી 09 લાખ રૂપિયામાં 9 ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું. તે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિંટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.
ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક કેસમાં ત્રણ દિવસ સુધી સતત તપાસ ચાલી. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પેપર ફૂટ્યાના પહેલા દિવસે જ 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા, એક જ જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાવાયા હતા. આ વિશે હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલની ધરપકડ કરાઈ છે. 24થી વધારે પોલીસની ટીમ કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
186 જગ્યા પર ભરતી યોજાઈ હતી
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.
પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.
9 વર્ષમાં દસ પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.