બજેટ સત્ર:પંચાયત રાજ્યમંત્રીએ કહ્યું- ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 426.38 લાખની ગ્રાન્ટ વણ વપરાયેલી છે

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં પૂછાયેલા ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતને ફાળવેલી ગ્રાન્ટ અંગેના પ્રશ્નનો જવાબ આપી રાજ્યના પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 426.38 લાખની ગ્રાન્ટ વણ વપરાયેલી છે ત્યારે સુરત જિલ્લામાં બિનખેતી માટે મળેલી અરજીઓ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કુલ 6436 અરજી મળી હતી. જે પૈકીની 3963 જેટલી અરજી મંજૂર કરાઈ છે. તેમજ તેમણે પેન્ડિંગ અરજીઓ અંગે પણ વાત કરી હતી.

ગીર સોમનાથની 426.38 લાખની ગ્રાન્ટ વણ વપરાયેલી
વિધાનસભામાં ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતને ફાળવેલી ગ્રાન્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં 14માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2021-22માં 498.25 લાખ અને વર્ષ 2022-23માં 519.10 લાખની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવી છે. જેમાંથી વર્ષ 2021-22માં 298.44 લાખ અને 2022-23માં 92.72 લાખની ગ્રાન્ટ વપરાઈ છે. જ્યારે વર્ષ 2021-22માં રૂ.199.84 લાખ અને વર્ષ 2022-23માં 426.38 લાખની ગ્રાન્ટ વણ વપરાયેલી છે. વણ વપરાયેલી ગ્રાન્ટનું મહત્ત્વનું કારણ દેશમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોના, ચૂંટણીની આચારસંહિતાના પરિણામે વણ વપરાયેલી છે. આ કામો હવે સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે.

પારદર્શી રીતે વિકાસના કામોનું આયોજન હાથ ધરાય છે
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ કામોનું પારદર્શી રીતે આયોજન થાય તે માટે કેન્દ્રના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા ઈ-પંચાયત મિશન મોડ હેઠળ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર સંપૂર્ણ પારદર્શી રીતે વિકાસના કામોનું આયોજન હાથ ધરાય છે.

સુરત જિલ્લામાં બિનખેતી માટે મળેલી અરજીઓ અંગે માહિતી આપી
વિધાનસભા ગૃહમાં સુરત જિલ્લામાં બિનખેતી માટે મળેલી અરજીઓ અંગે પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં વર્ષ 2021 અને વર્ષ 2022માં બિનખેતીની પરવાનગી માગતી કુલ 6436 અરજીઓ મળી હતી. જે પૈકીની 3963 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.

કોઈ પણ અરજી છ માસથી ઉપર પેન્ડિંગ નથી
આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, 31-12-2022ની સ્થિતિએ બિનખેતી પરવાનગી માટે મળેલી અરજીઓ પૈકીની 692 અરજીઓ પેન્ડિંગ હતી. જેમાંથી હાલ સુધીમાં 653 અરજીઓનો નિકાલ કરવામાં આવતા માત્ર 39 અરજીઓ જ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અરજીઓમાંથી કોઈ પણ અરજી છ માસથી ઉપરના સમયથી પેન્ડિંગ નથી. આ અરજીઓનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...