વર્લ્ડ કેન્સર ડે:પેલિએટિવ કેર દર્દીને કેન્સરની પીડામાંથી મુક્ત કરે છે, સારવાર બાદ કંઈ જ થયું ન હોવાનો પણ અહેસાસ કરાવશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સામાન્ય રીતે કેન્સર એટલે કેન્સલ એવું માનવામાં આવે છે. પરંતુ 21મી સદીમાં દર્દીને કેન્સરમુક્ત કરવા ઘણા સંશોધનો થયા હોવાથી હવે કેન્સરને પણ હરાવી શકાય છે. આજે વર્લ્ડ કેન્સર ડે છે. આ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમે તમને એક એવી કેર અંગે જણાવી રહ્યા છીએ જે દર્દીને માનસિક, શારીરિક, અને ભાવનાત્મક તકલીફોમાંથી રાહત આપે છે. DivyaBhaskarએ પેલિએટિવ કેરના નિષ્ણાત ડો.પ્રીતિ સંઘવી સાથે વાતચીત કરી આ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

દર્દી પીડા વગર નિયમિત સારવાર લઈને સામાન્ય જીવન જીવી શકે છે
કેન્સરના દર્દીઓને શરૂઆતના સ્ટેજમાં લગભગ કોઈ લક્ષણ જણાતું નથી.પરંતુ સમય જતાં તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારબાદ દર્દીના શરીરમાં સામાન્ય લક્ષણો દેખાય આવે છે, જો સમયસર કેન્સરની સારવાર લેવામાં આવે તો ડોક્ટરોનું માનવું છે કે દર્દીના જીવનનો સમયગાળો વધી જતો હોય છે અને તે કોઈ પણ પીડા વગર નિયમિત સારવાર લઈને સામાન્ય જીવન જીવી શકે છે. આ કેન્સરની સારવાર દર્દીની અલગ અલગ રીતે તપાસ કરીને તેની પ્રાથમિકતાના આધારે આપવામાં આવે છે, ત્યારબાદ જરૂર મુજબ રેડિયોથેરાપી અને કિમોથેરાપી આપવામાં આવે છે.

શારીરિક, માનસિક અને ભાવનાત્મક તકલીફોમાંથી રાહત આપવાનો પ્રયાસ
કેન્સરના દર્દીઓ માટેની સંજીવની એટલે પેલિએટિવ કેર. પેલિએટિવ કેર એટલે એક એવી તબીબી સારવાર છે કે જે અસાધ્ય રોગ જેવા કે કેન્સર,HIV અને કિડનીના રોગથી પીડાતા દર્દીને આપવામાં આવે છે. આ સારવાર દરમિયાન દર્દીની શારીરિક, માનસિક અને ભાવનાત્મક તકલીફોમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે કેન્સરના દર્દીને આ સારવાર આપવાથી તેની પીડા દૂર થાય છે. નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ સ્ટેજ દરમિયાન દર્દીને ઘણી પીડામાંથી પસાર થવું પડે છે જેમાં તે કેટલીક વાર માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે. સાથે સાથે ઘણા કિસ્સામાં દર્દી પોતાનો જીવ પણ ગુમાવી દે છે.

કેન્સરનું સ્ટેજ વધી ગયું હોય તો આ સારવાર થયા બાદ તેની જીવન જીવવાની ગુણવત્તામાં સુધારો આવે છે: ડો.પ્રીતિ સંઘવી
કેન્સરનું સ્ટેજ વધી ગયું હોય તો આ સારવાર થયા બાદ તેની જીવન જીવવાની ગુણવત્તામાં સુધારો આવે છે: ડો.પ્રીતિ સંઘવી

એક દર્દીને સારવાર દરમિયાન ખૂબ પીડા થતી હતી પણ સારવાર બાદ પીડામુક્ત બન્યો
કેન્સરના દર્દીઓને જ્યારે ખબર પડે છે કે તેમને કેન્સર છે ત્યારે તે માનસિક રીતે પડી ભાંગતા હોય છે ત્યારે દિવ્યભાસ્કરે પેલિએટિવ કેરના નિષ્ણાત ડો.પ્રીતિ સંઘવીએ જણાવ્યું કે આ સારવારનો મુખ્ય હેતુ સારવાર દરમિયાન દર્દીની માનસિક અને શારીરિક પીડા દૂર કરવાનો છે. જો કેન્સરનું સ્ટેજ વધી ગયું હોય તો આ સારવાર થયા બાદ તેની જીવન જીવવાની ગુણવત્તામાં સુધારો આવે છે. તેમજ દર્દીના સગાને પણ માર્ગદર્શન આપી દર્દીની છેલ્લી ક્ષણ સુધી કઈ રીતે તેમને આ રોગમાંથી રાહત મળે તે જણાવવામાં આવે છે. અમે એક એવા દર્દીને અત્યારે સારવાર આપી રહ્યા છીએ જેને અસહ્ય દુઃખાવો થતો હતો. પરંતુ સારવાર બાદ તેને કંઈ થયું જ નથી એવો અનુભવ થાય છે જોકે એ દર્દીને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થયું છે.

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પેલિએટિવ કેર સેન્ટર ઉપલબ્ધ
ડો.પ્રીતિ આગળ કહે છે કે, GCRI(ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)માં આ પેલિએટિવ કેરની સૌથી વધારે સારવાર આપવામાં આવે છે, રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પેલિએટિવ કેર સેન્ટર છે. પરંતુ તેમાં અમુક સારવાર જેવી કે નાર્કોટિક વગેરે અહીં ઉપલબ્ધ છે. આ તમામ તબક્કામાંથી પસાર થતા દર્દીઓને ઘણી તકલીફ પડે છે પરંતુ મારી તમામ દર્દીને અપીલ છે કે તમાકુ છોડો અને જીવન બચાવો, કારણકે અહીં ઘણા દર્દીઓના નિદાન અમે કરી રહ્યા છે પણ તેઓની પીડા જોઈને અમને પણ ખૂબ જ દુઃખ થાય છે એટલે લોકો વ્યસન ટાળે એમાં જ તેઓની ભલાઈ છે.

સૌથી વધુ લોકોને મોંઢાનું કેન્સર તો સૌથી ઓછું અન્નનળી અને લ્યુકેમીયાનું કેન્સર
સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલના મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81 % દર્દીઓને મોંઢાનું, 10.89 % દર્દીઓને જીભના ભાગનું, 9.74% દર્દીઓને ફેફસાનું, 4. 27% દર્દીઓને અન્નનળીનું અને 3.98 દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં 21.58 % સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા સ્ત્રીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...