CM પહોંચ્યા દિલ્હી:મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારીઓ અંગે PM મોદી સાથે કરી ચર્ચા, ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો કરી

અમદાવાદ4 દિવસ પહેલા
પીએમ નરેન્દ્ર મોદી સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ચર્ચા કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • મુખ્યમંત્રીએ દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ-સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી
  • ઉદ્યોગકારોએ આગામી વાઈબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે પણ તત્પરતા દર્શાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવા, અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ, PI ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલ, JCBના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ, DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્મા તેમજ ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી, જેમાં અવાડા એનર્જીએ ગુજરાતમાં એનર્જી સેક્ટરમાં 20 હજાર કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી હતી.

અવાડા એનર્જી 20 હજાર કરોડનું મૂડીરોકાણ કરવા ઉત્સુક
મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુખ્યમંત્રીએ વન ટુ વન બેઠકો કરી હતી.
દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુખ્યમંત્રીએ વન ટુ વન બેઠકો કરી હતી.

ઑયો હોટલ્સ એન્ડ હોમ્સ વાઇબ્રન્ટ સમિટમાં જોડાશે
જ્યારે ઑયો હોટલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં તેમણે ગુજરાતમાં 750 હોટલ સાથે સંકળાયેલા છે અને સાડાસાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે, એની વિગતો ભૂપેન્દ્ર પટેલને આપી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે. PI ઇન્ડસ્ટ્રીના એમ.ડી અને વાઈસ-ચેરમેન મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું હતું કે પી.આઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિઆધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાઈબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી.

JCB હાલોલમાં 2022 સુધીમાં પ્લાન્ટ સ્થાપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે.સી.બીના CEO દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા તેમને પણ આમંત્રણ આપ્યું હતું. જ્યારે અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલે કહ્યું હતું કે અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન ઈન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશનાં 50 શહેર અને ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે.

મારુતિ સુઝુકીના એમડીએ મુખ્યમંત્રીને 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો આપી.
મારુતિ સુઝુકીના એમડીએ મુખ્યમંત્રીને 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો આપી.

ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ મૂડીરોકાણ વધારશે
તેમણે આગામી વાઈબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર સાથે સ્કિલિંગ પ્રોગ્રામ તેમજ આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓ સહિત યુવાઓને આ ઓનલાઈન હોમ સર્વિસ પ્લેટફોર્મ દ્વારા રોજગારી પૂરી પાડવાની ઈચ્છા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ તેમના આ અભિગમને આવકાર્યો હતો અને વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને ગુજરાતમાં તેમના વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. અગાઉની વાઈબ્રન્ટ સમિટમાં તેમણે કરેલાં રોકાણોની અને પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની વિગતો પણ તેમણે મુખ્યમંત્રીને આપી હતી. તેમણે આગામી વાઈબ્રન્ટમાં રોકાણો માટેના MOU માટે પણ મુખ્યમંત્રીને ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...