‘તાઉ-તે’ સામે ગુજરાતનો એક્શન પ્લાન:3 દિવસ માટે ઓક્સિજન રિઝર્વ, 175 ICU ઓન વ્હીલ એલર્ટ પર, 2 લાખનું સ્થળાંતર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું - Divya Bhaskar
વૃદ્ધોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું

ગુજરાત સરકારે તોઉ-તે વાવાઝોડા સામે લડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ વાવાઝોડાને કારણે કોરોનાના દર્દીઓ સહિત ગુજરાતની પ્રજાને તકલીફ ના પડે તે માટે સરકારે તખ્તો ઘડી નાખ્યો છે.

ચાલી ન શકતા વૃદ્ધાને ઊંચકીને સ્થળાંતર કરાવી રહેલો પોલીસકર્મી.
ચાલી ન શકતા વૃદ્ધાને ઊંચકીને સ્થળાંતર કરાવી રહેલો પોલીસકર્મી.

કોરોના દર્દીઓ માટે ગ્રીન કોરિડોર

  • કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટે નહીં એ માટે વિવિધ જિલ્લાને 1700 મેટ્રિક ટન પુરવઠો મોકલાયો. વધુ સંભવિત જરૂરિયાત માટે 33 ગ્રીન કોરિડોર બનાવીને કુલ 58 ટીમને ઓક્સિજન પહોંચાડવાની જવાબદારી પણ સોંપાઈ.
  • 3 દિવસ ચાલે એટલા રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાયા.
  • 174 ICU ઓન વ્હિલ, 624 એમ્બ્યુલન્સ પણ એલર્ટ પર.

ટેકનોલોજીની મદદથી સુરક્ષા દળો વચ્ચે સંકલન વધારાયું
જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તૈયાર કરાયા. સુરક્ષા દળો વચ્ચે સંકલન વધારવા સેટેલાઈટ ફોન અને હેમ રેડિયો સહિતની વ્યવસ્થા પણ કરાઈ, જેથી તેમની વચ્ચેનો સંપર્ક સતત જળવાઈ રહે. આ ઉપરાંત એનડીઆરએફની 44 અને એસડીઆરએફની 10 ટીમ સાથે પોલીસ ફાયર ટીમો પણ તહેનાત કરાઈ છે.

ઝીરો કેઝ્યુઆલિટી માટે દિલ્હીથી ગુજરાત સુધી નેતાઓ સક્રિય

  • તાઉતેના કારણે સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં જાનહાનિ ના થાય એ માટે દિલ્હીથી ગુજરાત સુધીના નેતાઓને વિવિધ જવાબદારી સોંપાઈ છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સિવાય ગૃહ મંત્રી અમિત શાહ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
  • અધિકારીઓને તમામ પ્રકારની વ્યવસ્થાનો સરળતાથી અમલ થાય એ માટે ગ્રાઉન્ડ પર મોકલાયા.
  • તબીબો, નર્સ સહિતના કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે.

840 ગામમાંથી 2 લાખનું સ્થળાંતર
17 જિલ્લાના 840 ગામોમાંથી 2 લાખ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું. પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં સૌથી વધુ સવા લાખનું સ્થળાંતર કરીને તેમને 930 શેલ્ટર હોમમાં મોકલાયા. સમુદ્રમાંથી 19811 માછીમારને પાછા બોલાવાયા, જ્યારે 11 હજારથી વધુ અગરિયાને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

રાહત અને બચાવ કાર્ય માટે રેપિડ રિસ્ટોરેશન રિસ્પોન્સ ટીમ તહેનાત
વીજ પુરવઠા સહિતની સુવિધા જળવાઈ રહે માટે રેપિડ રિસ્ટોરેશન ટીમો ખડેપગે રખાઈ છે, જેમાં 661 વીજ ટીમ, 287 માર્ગ-મકાન વિભાગ ટીમ, 276 વન વિભાગ ટીમ અને મહેસૂલ વિભાગની 367 ટીમ સામેલ છે. વરસાદી પાણીના નિકાલ માટે 492 ડી-વૉટરિંગ પંપ તૈયાર રખાયા છે.