કોણ હશે વિપક્ષના નેતા?:AMCમાં ઓવૈસીની પાર્ટી AIMIM વિરોધ પક્ષ તરીકે બેસવા તૈયાર,સાત કોર્પોરેટરોએ મેયરને રજુઆત કરી

અમદાવાદ7 મહિનો પહેલા
શહેર પ્રમુખે વિપક્ષના નેતા માટે મેયરને રજુઆત કરી
  • AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે કહ્યું કોંગ્રેસના કોર્પોરેટરો નારાજ હોય તો પાર્ટીમાં જોડાઈ શકે છે.
  • શહેર પ્રમુખે મેયરને પક્ષના નેતા મોહંમદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે રજુઆત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદ શહેરમાં ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસ પક્ષના માત્ર 24 કોર્પોરેટર ચૂંટાતા વિરોધ પક્ષ બન્યો છે. પરંતુ કોંગ્રેસ હજી સુધી વિરોધ પક્ષ તરીકે નેતા નક્કી કરી શકી નથી. મ્યુનિસિપલ કોંગ્રેસમાં નેતા પદ માટે આંતરિક લડાઈ અને ધારાસભ્યોના નજીકના લોકોને નેતા તરીકે બેસાડવા સીધી સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે AIMIM દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે સ્થાન આપવા માટે મેયરને રજુઆત કરી છે. AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરને સાથે રાખીને મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું. પક્ષના નેતા મોહંમદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે રજુઆત કરી હતી.

મેયરને આપેલું આવેદનપત્ર
મેયરને આપેલું આવેદનપત્ર

AIMIM મજબૂત વિપક્ષ બની પ્રજાના પ્રશ્નો ઉઠાવશે
શમશાદ પઠાણે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ચાર મહિના થઈ ગયા છે. સત્તા પક્ષ પોતાની સત્તા પર છે પરંતુ વિરોધ પક્ષના નેતા હજી કોઈને બનાવવામાં આવ્યા નથી. લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રજાનો મજબૂત અવાજ હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મજબૂત વિરોધ પક્ષ નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના 24 કોર્પોરેટરને જવાબદારી છે પરંતુ તેઓએ જવાબદારી નિભાવી નથી. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ ખાલી હોય એક પક્ષ તરીકે અમે પ્રજાના અવાજ તરીકે AIMIMના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખને નેતાને વિરોધ પક્ષના નેતા બનાવવા મેયરને રજુઆત કરી છે. જો કોંગ્રેસના નેતાઓ/ કોર્પોરેટર નારાજ હોય તો AIMIMમાં જોડાઈ શકે છે. AIMIM મજબૂત વિપક્ષ બની અને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે.

કોંગ્રેસના કાર્યાલયમાં કોર્પોરેટરો ફરકતા જ નથી.
કોંગ્રેસના કાર્યાલયમાં કોર્પોરેટરો ફરકતા જ નથી.

કોંગ્રેસ માંડ 25 બેઠક જીતી છતાં વિપક્ષના નેતા બનવા પડાપડી
અમદાવાદ મ્યુનિ. ચૂંટણીમાં કોંગ્રેસ માંડ 25 બેઠકો જીતી છે છતાં વિપક્ષી નેતા પદે બેસવા માટે જીતેલા ઉમેદવારોમાં પણ હોડ લાગી છે અને ઉમેદવારો પોતાના માનીતા નેતાઓને ત્યાં લોબિંગ માટે દોડવા લાગ્યા છે. જે જીત્યા છે તેમાં ઇકબાલ શેખ, કમળા ચાવડા, શેહઝાદખાન પઠાણ અને રાજશ્રી કેસરી સિનિયર છે. આ પૈકીના કોઈપણ એક વિપક્ષી નેતા તરીકે દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્મા હારી ગયા છે.

કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડી AIMIM 7 બેઠક આંચકી ગઈ
અમદાવાદમાં પહેલી વખત ઓવૈસીની AIMIMએ મ્યુનિ.ની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, ગોમતીપુર, દરિયાપુર અને મક્તમપુરા એમ કુલ 6 વોર્ડમાં 21 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી જમાલપુરમાં આખે આખી ઓવૈસીની પેનલનો વિજય થયો હતો. જ્યારે મક્તમપુરામાં પણ ત્રણ બેઠકો ઓવૈસીએ હાંસલ કરી હતી. બહેરામપુરા અને ગોમતીપુરમાં પણ છેલ્લે સુધી ઓવૈસી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી સર્જાઈ હતી. જો કે, અહીં કોંગ્રેસનો વિજય થયો હતો. જમાલપુર બેઠકમાં કોંગી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હોવા છતાં કોંગ્રેસમાં રહી ચૂકેલા અને ઓવૈસી પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ સાત બેઠક પર ઓવૈસીની પાર્ટીના ઉમેદવારોને એકલા હાથે જીતાડ્યા હતા. જો કે, ખાડિયા વોર્ડમાં પણ ઓવૈસીએ કોંગ્રેસનું ગણિત બગાડ્યું નાખ્યું હતું. જેના કારણે ભાજપની જીત થઈ હતી. જમાલપુરમાં જીતેલા તમામ ઉમેદવાર અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...