દેશમાં પહેલીવાર:ગુજરાત હાઇકોર્ટ પરિસર બહાર ડિસ્પ્લે બોર્ડમાં દૈનિક કેટલા કેસ ફાઇલ થયા, કેટલાનો નિકાલ થયો સહિતની માહિતી દેખાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની બહાર ડિસ્પલે બોર્ડની તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની બહાર ડિસ્પલે બોર્ડની તસવીર
  • ડિસ્પ્લે બોર્ડ પર એક દિવસ અગાઉ, સપ્તાહ, મહિના, વર્ષમાં આવેલ કેસ અને નિકાલની માહિતી દેખાશે
  • 'જસ્ટિસ કલૉક'નું દેશમાં પહેલીવાર ગુજરાત હાઈકોર્ટમાં અમલીકરણ કરવામાં આવ્યું
  • વકીલો માટે ઓનલાઈન કોર્ટ ફી ભરવાની વ્યવસ્થા પણ શરૂ કરાઇ

સામાન્ય વ્યક્તિઓ પણ હવે ગુજરાત હાઇકોર્ટમાં દૈનિક કાર્યવાહી અંગેની આંકડાકીય વિગતો સરળતાથી મેળવી શકશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના 'જસ્ટિસ ક્લૉક' પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ પરિસરના બહારના ભાગમાં એક ડિસ્પ્લે બોર્ડ મુકવામાં આવ્યું છે. જેમાં કોર્ટમાં ચાલતી કાર્યવાહીના લાઈવ આંકડા અંગેની માહિતી લોકો મેળવી શકશે.

કોર્ટ પરિસરની અડીને આવેલા કારગિલ પેટ્રોલ પંપ ક્રોસિંગ પાસે આ ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યું છે. ડિસ્પ્લે બોર્ડની વિશેષતા એ છે કે ગુજરાત હાઇકોર્ટમાં રોજેરોજ ફાઈલ થતા કેસના આંકડા સાથે રોજ કેટલી અરજીના નિકાલ થયા તેની વિગતો દર્શાવવામાં આવશે. ન માત્ર જે-તે દિવસ પરંતુ એક દિવસ અગાઉ, એક સપ્તાહ અગાઉ, એક મહિના અગાઉ, ચાલુ વર્ષ, ઉપરાંત ગયા વર્ષની સાથે સાથે પાછલા 10 થી 25 વર્ષ દરમિયાન હાઇકોર્ટમાં ફાઈલ કેસની વિગતો અને તેના નિકાલ અંગેની આંકડાકીય વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિસ્પ્લે બોર્ડ પર સિવિલ અને ક્રિમિનલ કેસ અંગેના આંકડા પણ દર્શાવવામાં આવશે.

'જસ્ટિસ ક્લૉક' નામના આ પ્રોજેક્ટનું અમલીકરણ ગુજરાત સહિત દેશભરની વિવિધ હાઈકોર્ટમાં પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં સૌપ્રથમ આ પ્રોજેકટ અમલી બનાવવામાં આવ્યો છે. આ ડિસ્પ્લે બોર્ડ પર આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટની સાથે સાથે નીચલી અદાલતોના કોર્ટની આંકડાકીય વિગતો પણ મુકવામાં આવશે. સુપ્રીમના જસ્ટિસ D.Y ચંદ્રચુડ જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટના તમામ જજની હાજરીમાં આ પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો.

સાથે સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ કોર્ટની ફી ઓનલાઈન ભરવા માટેની વ્યવસ્થાની શરૂઆત પણ કરાવવામાં આવી. જેથી હવે વકીલો પોતાના કેસ ફાઇલ કરતા સમયે ફીની ચુકવણી ઓનલાઇન કરી શકશે. હાલ જ્યારે કોરોનાના સમયમાં કોર્ટની કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી છે, તેવામાં વકીલો માટે આ સુવિધા મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...