તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હે સરકાર, તમે આંખો બંધ કરી લો!:ખીચોખીચ ભરેલાં સ્ટેડિયમમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-20માં મેચમાં મોટી સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. - Divya Bhaskar
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-20માં મેચમાં મોટી સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો.

ગુજરાત ક્રિકેટ એસોસિએશને 12 માર્ચે જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમ અડધું ખાલી રખાશે અને કોવિડની ગાઈડલાઈનનું પાલન થશે. પરંતુ રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-20માં મેચમાં મોટી સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. બે પ્રેક્ષકો વચ્ચે એક સીટ ખાલી રાખવાની હતી પરંતુ લોકોએ ભારે ધસારો કરી હૈયેહૈયું દળાય તેવી ભીડ કરી હતી. સ્ટેડિયમની આજુબાજુના રસ્તાઓ પર મેચ પહેલાં અને પછીય કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. લગ્નમાં 200ની મંજૂરી આપનાર સરકાર આ ભીડ સામે આંખ આડા કાન કરે છે.

કોરોનાના 163 કેસ,1 મોત,સ્ટેડિયમ પાસેની સોસાયટી કન્ટેઈનમેન્ટમાં
કોર્પોરેશનની ચૂંટણી પૂરી થતાં જ અમદાવાદમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા 163 કેસ નોંધાવાની સાથે 1 દર્દીનું મૃત્યુ નીપજ્યુ છે. 150 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 3 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. જેમાં મોટેરા સ્ટેડિયમ નજીક આવેલા સુબોધ સાગર સોસાયટીના 45 મકાનને કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવી છે. સોમવારથી ફરી સિનિયર સિટિઝનોને રસી આપવાનું અભિયાન ફરી હાથ ધરવામાં આવશે.

છેલ્લા પાંચ દિવસમાં પશ્ચિમ અમદાવાદના 214 મકાનને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. જેમાં 873 વ્યક્તિનો સમાવેશ થાય છે. રવિવારે થલતેજની ઉપેન્દ્ર પાર્ક સોસાયટીના 20 મકાનના 80 લોકો, વિરાટનગરની આમ્રકુંજ સોસાયટીના 5 મકાનના 30 લોકો અને ચાંદખેડાના સુબોધ સાગર સાગર સોસાયટીના 45 મકાનના 215 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવ્યા છે.

પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના કેસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના કારણે તાજેતરમાં જ મ્યુનિ.ના અધિકારીઓએ કેસની સમીક્ષા કરીના 8 વોર્ડની હોટેલ-રેસ્ટોરાં 8 વાગ્યા પછી બંધ કરાવી દેવાની મૌખિક સૂચના આપી હતી. એસજી હાઈવે, વસ્ત્રાપુર, લાૅગાર્ડન હેપી સ્ટ્રીટ, પાલડી, મણિનગર, નારણપુરા સહિતના ખાણીપીણી બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...