પેટ્રોલના ભાવથી પીડાતી પ્રજા:પેટ્રોલ પ્રતિ લિટર રૂ.100એ પહોંચતા રાજ્યભરમાં આક્રોશ, કહ્યું- જનતા મુંગા મોઢે પશુઓની જેમ માર સહન કરી રહી છે, સરકાર બળવા માટે તૈયાર રહે

અમદાવાદ2 મહિનો પહેલા
સરકાર દ્વારા મોંઘવારી પર નિયંત્રણ લાવવું જરૂરી છે અન્યથા આગામી સમયમાં રોષ વધતા ખરાબ સ્થિતિ ઉભી શકેઃ રાજેશ ગોંડલિયા
  • મોંઘવારીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે
  • પબ્લિકના ખિસ્સા પર વધારે માર પડી રહ્યો છે

પહેલા નોરતે જ પ્રજા પર મોંઘવારીનો કોરડો વિંઝાયો છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.100 થઈ જતા પહેલેથી જ કમ્મરતોડ મોંઘવારીથી પીડાતી પ્રજાની પીડામાં વધુ વધારો થયો છે. 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. જેને પગલે મધ્યવર્ગનું બજેટ ખોરવાયું છે. પેટ્રોલમાં થઈ રહેલા આ તોતિંગ ભાવ વધારાને કારણે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ અંગે DivyaBhaskarએ જનતા સાથે સીધી વાતચીત કરી હતી. જેમાં લોકો મૂંગા મોઢે મોંઘવારી માર સહન કરતા હોવાનું અને જનતાનો અવાજ સાંભળવામાં ન આવતા હોવાનું જણાવ્યું હતું.

જનતામાં આક્રોશ છે, પણ બોલી શકાતું નથીઃ રાજેશ ગોંડલીયા
રાજકોટ શહેરના રાજેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેવામાં ઓછું હતું તો CNGના ભાવમાં પણ વધારો થતા દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. જનતામાં આક્રોશ છે, પરંતુ બોલી શકાતું નથી. વધુમાં જણાવ્યું હતું કે આજે જનતાએ મૂંગા મોઢે પશુઓની જેમ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા મોંઘવારી પર નિયંત્રણ લાવવું જરૂરી છે અન્યથા આગામી સમયમાં રોષ વધતા ખરાબ સ્થિતિ ઉભી શકે એમ છે. સરકારે બળવા માટે તૈયાર રહેવું પડશે.

રાજેશ ગોંડલિયાએ પેટ્રોલના ભાવ વધતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો
રાજેશ ગોંડલિયાએ પેટ્રોલના ભાવ વધતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો

અગાઉ કરતા ખર્ચમાં રૂ.1000નો વધારો
તો બીજી બાજુ રાજકોટના મહિલા ગૃહિણી અવનીબા ચુડાસામાએ જણાવ્યું હતું કે , સતત વધતા પેટ્રોલના ભાવથી બજેટ ખોરવાય જાય છે. હાલમાં સ્કૂલ વાન ન હોવાથી બાળકોને સ્કૂલ તેમજ ટ્યુશનમાં તેડવા મુકવા જવાનું હોય છે. આમ એકંદરે જોવા જઈએ તો અગાઉ કરતા 1000 રૂપિયા વધુ ખર્ચ પેટ્રોલમાં થાય છે અને માસિક બજેટ ખોરવાય રહ્યું છે.

અમદાવાદના રહેવાસી શૌકત અલી
અમદાવાદના રહેવાસી શૌકત અલી

મહિને રૂ.3000-રૂ.4000 તો પેટ્રોલમાં જ જતા રહે છેઃ શૌકત અલી
અમદાવાદના રહીશ ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાવ વધે છે એમાં આપણે કંઈ કરી શકવાના નથી. પબ્લિકના ખિસ્સા પર વધારે માર પડી રહ્યો છે. પેટ્રોલનું 50 ટકા બજેટ વધી ગયું છે.દીપક પટેલે કહ્યું કે, અત્યાર સુધીનું મહિને રૂ.8000થી 10,000ના પેટ્રોલ-ડીઝલ પેટે જતા હતા. પરંતુ હવે રૂ. 12000થી રૂ.13000 જવા લાગ્યા છે. શૌકત અલીએ કહ્યું કે, લૂંટ મચાવી છે. મહિને રૂ.3000થી રૂ.4000 તો પેટ્રોલમાં જ જતા રહે બોલો શું કરવું?

અન્ય સમાચારો પણ છે...