ત્રીજી લહેરમાં પણ અમદાવાદ જ હોટસ્પોટ:ગુજરાતમાં 17 દિવસમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસમાંથી 44 ટકા કેસ એકલા અમદાવાદમાં આવ્યા, દર કલાકે 49 વ્યક્તિ પોઝિટિવ

અમદાવાદ15 દિવસ પહેલા
  • 27 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીના 17 દિવસમાં અમદાવાદમાં 20,371 લોકો સંક્રમિત થયા
  • પહેલી અને બીજી લહેરમાં પહેલા 20,000 કેસ સુધી પહોંચતાં અનુક્રમે 100 અને 49 દિવસ લાગ્યા હતા

દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસની ત્રીજી લહેરથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં નવા વર્ષની શરૂઆતથી જ રોજના રેકોર્ડબ્રેક કેસો આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ગઈકાલે 24 કલાકમાં નવા દૈનિક કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો. નવા આવતા કેસોમાં અંદાજે 44 ટકા જેટલા કેસ અમદાવાદના છે. કોરોનાની પહેલી અને બીજી લહેરથી પણ વધુ ઝડપે અમદાવાદ વાઇરસનું હોટ સ્પોટ બની રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગઈકાલે અમદાવાદ શહેર અને જિલ્લામાં 3904 કેસ નોંધાયા, જે છેલ્લા 8 મહિનામાં સૌથી વધુ કેસ છે.

અમદાવાદમાં પાંચ ગણી ઝડપે કેસ વધ્યા
અમદાવાદમાં કોરોનાની આ ત્રીજી લહેર દરમિયાન પહેલી લહેરની સરખામણીએ પાંચ ગણી ઝડપે કેસ વધી રહ્યા છે. જોકે મોતના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેરમાં અમદાવાદમાં પહેલા 20000 કેસ નોંધાતાં 100 દિવસનો સમય લાગ્યો હતો. 19 માર્ચથી 26 જૂન દરમિયાન અમદાવાદમાં 20058 કેસ નોંધાયા હતા, જ્યારે બીજી લહેરમાં પહેલા 20000 કેસ સુધી પહોંચવાનો આ સમયગાળો અડધો થઈ ગયો અને 22 ફેબ્રુઆરીથી 11 એપ્રિલ સુધી 49 દિવસમાં 20762 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યારની ત્રીજી લહેરમાં 27 ડિસેમ્બરથી 11 જાન્યુઆરીના 17 દિવસમાં 20371 કેસ નોંધાઈ ચૂક્યા છે.

અમદાવાદમાં 17 દિવસમાં દર કલાકે એવરેજ 49 કેસ
કોરોનાનું હોટ સ્પોટ બની ગયેલા અમદાવાદ શહેરમાં 27મી ડિસેમ્બરથી કેસોમાં અચાનક ઉછાળો આવવા લાગ્યો હતો. 8 જૂન 2021 બાદ પહેલીવાર 27મી ડિસેમ્બરે 100 કેસ શહેર અને જિલ્લામાં નોંધાયા હતા. ત્યારથી 11 જાન્યુઆરી સુધીના 17 દિવસમાં 20371 કેસ સાથે રોજના એવરેજ 1198 કેસ આવ્યા, એટલે કે દર કલાકે 49 દર્દીઓ કોરોના સંક્રમિત થયા. જ્યારે પહેલી અને બીજી લહેરની વાત કરીએ તો પહેલી લહેરમાં 19 માર્ચથી 26 જૂન સુધીના 100 દિવસમાં રોજના 200 એવરેજ કેસ આવતાં દર કલાકે 8 દર્દીઓ સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં 22 ફેબ્રુઆરીથી 11 એપ્રિલ સુધીના 49 દિવસમાં રોજના એવરેજ 423 કેસ આવતાં દર કલાકે 17 દર્દીઓ સંક્રમિત થતા હતા.

રાજ્યના 44 ટકા કેસ અમદાવાદમાં
અમદાવાદમાં પહેલીવાર 20000 કેસ નોંધાયા એના 100 દિવસના સમયગાળામાં આખા ગુજરાતમાં 30,169 કેસ નોંધાયા હતા, એટલે કે આખા રાજ્યના કુલ કેસના 66 ટકા માત્ર અમદાવાદના કેસ હતા. બીજી લહેરમાં પહેલા 20,000 કેસ નોંધાતાં 49 દિવસ લાગ્યા, આ દરમિયાન ગુજરાતમાં 80,391 કેસ નોંધાયા હતા, આમ, રાજ્યના કુલ કેસના 25 ટકા કેસ અમદાવાદના હતા. જ્યારે ત્રીજી લહેરમાં પહેલા 20,000 કેસ માત્ર 17 દિવસમાં નોંધાયા, આ દરમિયાન રાજ્યના 46418 કેસમાં આવ્યા. આમ, રાજ્યના 44 ટકા કેસ અમદાવાદના છે.

કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદમાં 27 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી વચ્ચે એકપણ મોત નહીં.
કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદમાં 27 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી વચ્ચે એકપણ મોત નહીં.

પહેલી, બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ, ત્રીજીમાં હજુ સુધી નહીં
વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે પણ એક સારી બાબત એ કહી શકાય કે ત્રીજી લહેરમાં મૃત્યુઆંકમાં રાજ્યમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલી લહેરમાં 19 માર્ચથી 26 જૂન વચ્ચે રાજ્યમાં 1772 મોત નોંધાયાં હતાં, જેમાંથી 1398 મોત એટલે કે 78 ટકા દર્દીઓ એકલા અમદાવાદમાં જ મૃત્યુ પામ્યા હતા. બીજી લહેરમાં 22 ફેબ્રુઆરીથી 11 એપ્રિલ દરમિયાન રાજ્યમાં 395 મોત થયાં હતાં, જેમાંથી 138 મોત એટલે કે 34 ટકા મોત અમદાવાદમાં થયાં હતાં. ત્રીજી લહેરમાં 27 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 20 દર્દીનાં મોત થયાં છે, જેમાંથી અમદાવાદમાં એકપણ મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...