તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વેક્સિનેશન:60 લાખની વસતીમાંથી 54 લાખે બીજો ડોઝ લેવાનો હજુ બાકી, સોમવારે માત્ર 13,600 લોકોને બીજો ડોઝ અપાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંડિત દીનદયાળ હોલ ખાતે રસી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
પંડિત દીનદયાળ હોલ ખાતે રસી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અમદાવાદની વસતી અંદાજે 60 લાખની આસપાસ છે. પરંતુ અત્યાર સુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતીએ બે ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જો કે, અત્યાર સુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.

કોરોના વાઈરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત વધુ જરૂરી છે રસીના બંને ડોઝ. દરમિયાન સોમવારે શહેરના વિવિધ કેન્દ્રો પરથી અંદાજે 34 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. હાલની નીતિ મુજબ કુલ ડોઝમાંથી 60 ટકાને પ્રથમ અને 40 ટકાને બીજો ડોઝ અપાય છે. સોમવારે 1125 વેપારીઓને પણ રસી આપવામાં આવી હતી.

શહેરને સ્પુટનિક-વી રસીના 28 હજારથી વધુ ડોઝ મળશે
શહેરમાં રશિયન રસી સ્પુટનિક-વી આપવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને તેની મંજૂરી મળી છે. શેલ્બીના જણાવ્યા મુજબ ડૉ. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદથી ગુજરાત માટે સ્પુટનિક-વી રસીના 40 હજાર ડોઝ આવવાના છે તેમાંથી 28,800 ડોઝ અમદાવાદને ફાળવાયા છે. અત્યાર સુધી હોસ્પિટલને સ્પુટનિક-વી રસીના પ્રથમ 600 ડોઝ મળ્યા છે. સ્પુટનિક-વી રસીના બે ડોઝ વચ્ચે 21 દિવસનો ગાળો રાખવો પડે છે. આરોગ્ય સેતુ અેપથી શેલ્બી હોસ્પિટલની એસ.જી. હાઈવે, નરોડા, વિજય ચાર રસ્તા અને બોપલ ઘુમા સાઈટ માટે રજિસ્ટ્રેશન કરાવી ટાઈમ સ્ટોલ મેળવી શકશે.

કોરોનાના કેસ ઘટીને તળિયે, નવા 14 કેસ અને એક મોત
એપ્રિલ-મેમાં જોવા મળેલી બીજી લહેરની ઘાતક અસરો લગભગ પૂરી થવા સાથે શહેરમાં કોરોનાના કેસ લગભગ તળિયે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 14 કેસ નોંધાયા હતા. જો કે, સતત 17મા દિવસે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. છેલ્લા 24 કલાકમાં વધુ 76 દર્દીને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કેસમાં ઘટાડાને કારણે હવે હોસ્પિટલોમાં પણ કોરોનાના મોટાભાગના બેડ ખાલીખમ પડી રહ્યા છે. એક્ટિવ કેસ પણ સતત ઘટી રહ્યા છે. હવે શહેરમાં માત્ર 723 એક્ટિવ કેસ છે. અમદાવાદ જિલ્લામાં 12 દિવસ પછી કોરોનાનો એક કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાના કેસ ઘટતાં કોવિડ સેન્ટર પણ બંધ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...