ચૂંટણી જંગ:સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લાની 45 બેઠકમાંથી 26 પર ભાજપ, 12 પર કોંગ્રેસની પકડ, 7 પર ખરાખરીનો જંગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આપના કારણે ક્યાંક ભાજપ-કોંગ્રેસને ફાયદો તો ક્યાંક બન્નેને નુકસાન

સૌરાષ્ટ્રના 4 જિલ્લાની 24 બેઠકો પર ઘણુંખરું ભાજપ જ ભાજપને કેટલું નડી શકે એ સવાલ ભાજપને મૂંઝવી રહ્યો છે. તો આમ આદમી પાર્ટી ક્યાંક ભાજપ અને ક્યાંક કોંગ્રેસના મત તોડે એવું ચિત્ર છે. એકંદરે આ વખતે લોકો ભાજપ તરફી ઝૂકાવ ધરાવે છે એમ તજજ્ઞોનું માનવું છે. પણ આમ આદમી પાર્ટીની હાજરી વત્તા ચૂંટણીનો માહોલ જમીની નહીં સોશિયલ મીડિયા પર વધુ જામ્યો હોવાથી અન્ડર કરન્ટ કેવો છે એનો તાગ મેળવવો રાજકીય પક્ષો માટે પણ મુશ્કેલ બની ગયો છે. આમ છત્તાં 2017 માં ભાજપનો સૌરાષ્ટ્રમાં જે રીતે રકાસ થયો હતો એના કરતાં આ વખતનો દેખાવ સુધરશે એવો મૂડ પણ ઠેકઠેકાણે જોવા મળે છે ખરો.

જૂનાગઢ જિલ્લો 5 બેઠક

ત્રિપાંખિયા જંગમાં આપના ઉમેદવાર કોના વોટ કાપે છે એના પર સૌની નજર રહેશે
જૂનાગઢમાં કોંગ્રેસના પરંપરાગત મતદારો અકબંધ છે તો જ્ઞાતિવાદને કારણે ભાજપના વોટ તૂટી શકે છે. કેશોદમાં અરવિંદ લાડાણીની અપક્ષ ઉમેદવારી બન્ને પક્ષને નડી શકે છે. માંગરોળમાં મુસ્લિમ મતો નિર્ણાયક છે. માણાવદમાં આપના ઉમેદવાર ભાદરકા મંત્રી જવાહર ચાવડાના વોટ કાપશે. જૂનાગઢમાં ભાજપ, કોંગ્રેસ બન્નેના ઉમેદવાર સામે આંતરિક અસંતોષનો પડકાર છે.

ગીર સોમનાથ જિલ્લો 4 બેઠક

2 બેઠક પર ભાજપ, 2 પર કોંગ્રેસ મજબૂત ઊનામાં રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ

સોમનાથમાં આપના ઉમેદવાર કોના મત કાપશે એ સવાલ છે? તાલાલામાં કોંગ્રેસને નુકસાનની સંભાવના છે. કોડીનારમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોની નારાજગી ભાજપને ફળી શકે છે. જ્યારે ઊનામાં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવાર વચ્ચે મજબૂત ત્રિપાંખિયો જંગ છે.

કોડીનારમાં કોંગ્રેસનો આંતરિક કલહ ભાજપને ફળી શકે એમ છે.

રાજકોટ શહેર 4 બેઠક

પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીની ટિકિટ કપાઇ છતાં ભાજપને પરંપરાગત ગઢનો લાભ

રાજકોટ પૂર્વમાં આપના પાટીદાર ભાજપ અને કોંગ્રેસ બન્નેના વોટ કાપશે. જ્યારે રાજકોટ દક્ષિણમાં ટીલાળા સ્થાનિક સ્તરે સક્રિય છતાં ભાજપના કાર્યકરો તેમને બહારના માને છે. કોંગ્રેસમાં હિતેષ વોરાને ટિકિટ સામે આંતરિક અસંતોષ છે.

રાજકોટ પશ્ચિમમાં ભાજપના ઉમેદવારની સ્થિતિ મજબૂત

પોરબંદર જિલ્લો 2 બેઠક

પોરબંદરમાં કુતિયાણા બેઠક પર ખરાખરી નો જંગ

પોરબંદરમાં ભાજપની લીડ આપને કારણે ઘટી શકે છે. કુતિયાણામાં સપાના કાંધલ જાડેજા અને ભાજપના ઢેલીબેનની સામે કોંગ્રેસના નાથાભાઈ ઓડેદરા અને આપના ભીમાભાઈ મકવાણા છે. કાંધલની સ્થિતિ મજબૂત છે. અહીં રાણાવાવ પંથકના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે. ત્રણે ઉમેદવારો બાહુબલિની પૃષ્ઠભૂમિકા ધરાવતા હોવાથી રસપ્રદ ટક્કર છે.

કુતિયાણામાં રાણાવાવ વિસ્તારના મતદારો નિર્ણયક રહેશે.

રાજકોટ જિલ્લો 4 બેઠક

ગોંડલ બેઠક એક તરફી બની રહે તો નવાઈ નહી ગોંડલમાં ત્રિપાંખીયો નહીં પણ ભાજપના સમર્થનમાં એકપક્ષી જંગ જોવા મળે છે. જસદણમાં ભાજપના કુંવરજી સામે ભાજપના જ અમુક સભ્યો પાર્ટીને નુકસાન કરવા માટે મેદાનમાં છે. ધોરાજીમાં આપનો ફાયદો કોને મળે છે એ સવાલ છે. જેતપુરમાં કોંગ્રેસમાંથી દિપક વેકરિયા અને આપમાંથી રોહિત ભૂવાને ટિકિટ અપાઇ છે. અહીં ભાજપના રાદડિયાની સ્થિતિ મજબૂત છે.

જસદણમાં ભાજપના ઉમેદવાર સામે પાર્ટીના જ નેતા મેદાનમાં.

અમરેલી જિલ્લો 5 બેઠક

અમરેલી જિલ્લામાં પટેલ સમાજના મત વધુ છતાં બીજી જ્ઞાતિ નિર્ણાયક બની શકે એમ છે. અમરેલી બેઠક પર ભાજપે કૌશિક વેકરીયાને ટિકિટ આપતાં અને આપનો મજબૂત ટેકેદાર વર્ગ ઉભો થતાં વર્તમાન કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણીની મુશ્કેલીઓ વધી છે. તો ધારી બેઠક પર ભાજપની સ્થિતિ મજબૂત છે.

લાઠી, સાવરકુંડલામાં ભાજપને જૂથવાદ નડી શકે છે. રાજુલામાં પણ ટક્કરના એંધાણ.

હાલાર (જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લો) 7 બેઠક

જામનગર ઉત્તરમાં ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નડે એવી શક્યતા

જામનગર ઉત્તરમાં ભાજપના રિવાબાની સ્થિતિ મજબૂત છતાં અંદરખાને ક્ષત્રિય સમાજની નારાજગી નડી શકે છે. જામનગર દક્ષિણમાં ભાજપના દિવ્યેશ અકબરી મજબૂત સ્થિતિમાં છે. જામનગર ગ્રામ્યમાં આપ-કોંગ્રેસને કારણે ભાજપના રાઘવજી માટે જીત સરળ મનાય છે.

દ્વારકામાં ભાજપને સતવારા સમાજનો અસંતોષ નડી શકે એમ છે. મોરબી જિલ્લો
મોરબી જિલ્લો 3 બેઠક

ઝૂલતા પુલની ઘટના બાદ વિરોધ ખાળવા માટેની મથામણ છતાં ભાજપ મજબૂત

મોરબીમાં પ્રચાર અને પ્રવાસમાં ભાજપ મોખરે છે. વાંકાનેર-કુવાડવા બેઠક ભાજપનો જૂથવાદ કોંગ્રેસને ફળી શકે એમ છે. ટંકારામાં પાટીદારોના મત વધુ છે. હાલ કોંગ્રેસના લલિત કગથરા અને ભાજપના દુર્લભજી દેથરિયા વચ્ચે ટક્કરને કારણે જંગ રસાકસીભર્યો છે.

વાંકાનેર-કુવાડવામાં ભાજપનો જૂથવાદ કોંગ્રેસને ફળશે

સુરેન્દ્રનગર જિલ્લો 5 બેઠક

વઢવાણમાં 7 ટર્મથી ભાજપ જીતે છે પણ આ વખતે જ્ઞાતિવાદને કારણે મત તૂટવાની શક્યતા છે. લીંબડીમાં કોળી મતો નિર્ણાયક છે. કોંગ્રેસે આ સમાજના કલ્પનાબેનને ઉતાર્યા છે. તો ભાજપે પેટા ચૂંટણી જીતેલા કિરીટસિંહ ઉતાર્યા છે. ધ્રાંગધ્રામાં ભાજપના વરમોરાની સ્થિતિ મજબૂત છે. પાટડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિક મકવાણાને સક્રિયતા ફળશે.

કચ્છ જિલ્લો 6 બેઠક

ગાંધીધામ બેઠકનો વિસ્તાર મોટો, મતદાર સૌથી ઓછા

અબડાસામાં મુસ્લિમ મતો વધુ હોવાથી કોંગ્રેસ મજબૂત છે. ગત ચૂંટણીમાં અપક્ષે 26 હજાર મતો મેળવ્યા હોવાથી કોંગ્રેસ હારી હતી. તો કડવા પાટીદારો, ક્ષત્રિય અને અનુ. જાતિના મતોમાં પણ ભાગલા પડે એવી સંભાવના છે. માંડવીમાં 6 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. ગાંધીધામ બેઠકનો વિસ્તાર મોટો અને મતદાર ઓછા છે. અહીં ભાજપની સ્થિતિ મજબૂત છે. રાપરમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે નાટકીય ઘટનાઓને કારણે રસપ્રદ જંગ.

અન્ય સમાચારો પણ છે...