કેસ પેન્ડિંગ:રાજ્યની સૌથી મોટી મેટ્રો કોર્ટમાં પેન્ડિંગ 3.5 લાખ કેસમાંથી 3600 કેસ 30થી 40 વર્ષ જૂના

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક અદાલત મારફતે કેસોનો નિકાલ ન થયો હોત તો પેન્ડિંગ કેસનો આંકડો 3 ગણો હોત
  • 10 હજાર કેસ 5થી 10 વર્ષથી પેન્ડિંગ, છેલ્લી લોક અદાલતમાં 57 હજાર કેસનો નિકાલ

વિજય ઝાલા
રાજ્યની સૌથી મોટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અંદાજે 3.50 લાખ કેસ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કેસોના આંકડા ચોંકાવનારા છે. પડતર કેસમાં 30 થી 40 વર્ષ જૂના 3600 કેસ છે જ્યારે 5 થી 10 વર્ષ જૂના 10 હજાર કેસ છે. વર્ષોથી લોક અદાલતના માધ્યમથી કેસોનું નિરાકરણ ન કરાયું હોત તો આ આંક ત્રણ ગણો થયો હોત.

ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું કે, વર્ષ 1963માં શરૂ કરાયેલી મેટ્રો કોર્ટમાં હાલમાં 43 કોર્ટ કાર્યરત છે. 2005માં 13 કરોડના ખર્ચે 8 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાયું છે. કોર્ટ કોમ્પ્લેક્સમાં અદ્યતન સુવિધા કાર્યરત હોવા છતાં પડતર કેસોની સંખ્યામાં ઉતરોત્તર વધી રહી છે. ઝડપી કેસો ચાલે એના માટે સમન્સ-વોરંટની ઝડપી બજવણી થાય એના માટે સંકલન કક્ષ બનાવાયો છે. તેમજ લીગલ કમિટી દ્વારા યોજાયેલ 4 લોક અદાલતમાં પ્રિ-લિટિગેશન સહિત કુલ 2.35 લાખ કેસનો નિકાલ કરાયો હતો. છેલ્લે યોજાયેલ લોક અદાલતમાં તો 57 હજાર કેસનો નિકાલ કરાયો હતો. તેમ છતાં આટલા બધા કેસો પડતર છે.

મ્યુનિ.માં બોગસ બિલથી લાખોના કૌભાંડનો કેસ 26 વર્ષથી પેન્ડિંગ

  • સિનિયર ધારાશાસ્ત્રી એમ.આઇ.લાલીવાલાએ જણાવેલું કે, કોર્પોરેશનમાં બોગસ બિલો રજૂ કરી કરી લાખો રૂપિયાના કોભાંડનો કેસ 26 વર્ષથી પેન્ડિંગ છે. આ કેસમાં ફરિયાદી છેલ્લા 9 વર્ષથી કોર્ટમાં નહીં આવતા તેમની જુબાની અને સર તપાસ અધૂરી છે.
  • સિનિયર ધારાશાસ્ત્રી અનિલ કેલ્લાએ જણાવેલું કે, વર્ષ 1993 માં વટવા જીઆઇડીસી પોલીસે 2 તંમચા અને 5 કારતૂસના કેસમાં 5 આરોપીને પકડયા હતાં. આ કેસ 28 વર્ષથી પુરાવા પર છે.
  • સિનિયર ધારાશાસ્ત્રી ગુલાબખાન પઠાણે જણાવેલું કે, ક્રાઇમ બ્રાન્ચે 1992 માં અમરાઇવાડી પોલીસે મારામારીના કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. 30 વર્ષ છતાં કોર્ટમાં આ કેસ હજુ પુરાવા પર છે.
  • એડવોકેટ સાદિક શેખ જણાવ્યું કે, 1984માં અમરાઇવાડી પોલીસે ઠગાઇના કેસમાં 9 આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની કાર્યવાહી 1986માં શરૂ થઇ હતી. 36 વર્ષ થવા આવ્યા છતાં કાર્યવાહી ચાલુ છે.

મેટ્રો કોર્ટમાં કુલ 43 અદાલત ચાલે છે
રાજયની સૌથી મોટી મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની શરૂઆત 29 સપ્ટેમ્બર 1961 માં કરાઇ હતી. આજે કુલ 43 મેટ્રોપોલિટન કોર્ટ છે. જે પૈકીની 25 કોર્ટ ઘી કાંટા ખાતે 8 માળના બિલ્ડિંગમાં કાર્યરત છે. જયારે સ્પેશિયલ ચેક રિટર્નની 12 કોર્ટ ટેમ્પરરી લાલદરવાજા એમ.એસ.બિલ્ડિંગના પ્રથમ-બીજા માળે છે.

અન્ય સમાચારો પણ છે...