અરજદારોની સંખ્યામાં ઘટાડો:પાક રક્ષણ માટે ચાલુ વર્ષે માન્ય 2559 અરજીમાંથી હજી સુધી કોઇએ ગોડાઉન જ તૈયાર કર્યા નથી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે ખેતરમાં જ પાકનો સંગ્રહ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સાત પગલાં ખેતકલ્યાણ યોજના અંતર્ગત પાક સંગ્રાહક સ્ટ્રકચર (ગોડાઉન) યોજના હેઠળ વર્ષ 2021-22માં અમદાવાદ જિલ્લામાં 2825 અરજદારોએ ગોડાઉન માટે અરજી કરી હતી. આમાંથી 2559 અરજીઓ જ માન્ય કરાઇ છે. પરંતુ માન્ય અરજીમાંથી એક પણ અરજદારે હજી સુધી ગોડાઉન તૈયાર કર્યું નથી. યોજનાનો પ્રારંભ વર્ષ 2020થી થયો હતો. આ સિવાય સાત પગલાં ખેતકલ્યાણ વિવિધ યોજનામાં ગતવર્ષની સરખામણીએ ચાલુવર્ષે અરજદારોની સંખ્યામાં ઘટાડો થયો છે.

ખેડૂતોને ખેતઉપયોગી સાધનો અને પાક રક્ષણ માટે ગોડાઉન બનાવવા સરકાર રૂપિયા 50 હજાર સુધીની સહાય આપે છે. ખેડૂતોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સરળતાથી સહાય પ્રાપ્ત થતી નથી. સરકારી તંત્ર અને ગ્રામ સેવકોની માથાકુટને લીધે ખેડૂતો વધુ પરેશાન થાય છે. ગ્રામ સેવકો પણ અરજી કરવા સહિતના કામ માટે વધુને વધુ કમિશન માંગતા હોવાથી ખેડૂતોને સહાયનો સીધો ફાયદો થતો નથી. જિલ્લા ખેતીવિભાગ તરફથી પ્રાપ્ત આંકડાકિય માહિતી મુજબ વર્ષ 2020-21માં 5488 અરજદારોએ અરજી કરી હતી.

આમાંથી 4997 અરજીઓ મંજૂર થઇ હતી. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 292 અરજદારોએ જ ગોડાઉન બનાવીને સહાયનો લાભ લીધો છે. જ્યારે 4687 અરજદારોએ હજી સુધી ગોડાઉન તૈયાર કર્યા જ નથી. જિલ્લા ખેતી અધિકારીએ કહ્યું કે,પાક સંગ્રાહક સ્ટ્રકચર યોજનાથી ખેડૂતોને લાભ છે અને ખેત પાકને ઘણું રક્ષણ મળે છે. ગ્રામ સેવકો કોઇ પણ ગેરરિતી ના કરે તે રીતની વ્યવસ્થા કરાઇ છે.

હજી સુધી એક પણ ગ્રામ સેવક વિરૂધ્ધ ફરિયાદ મળી નથી. જિલ્લાના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, મુખ્યમંત્રી પાક સંગ્રાહક સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂપાણી સરાકરે એક લાખની જાહેરાત કરી હતી. પરંતુ નવો પરિપત્ર કરવામાં નહીં આવતા જિલ્લા કક્ષાએ અગાઉ ચૂકવાતી રૂપિયા 50 હજારની સહાય જ ચૂકવાતી હતી. ઉચ્ચકક્ષાએ વારંવાર ધ્યાન દોરવા છતાં હજી સુધી નવો પરિપત્ર કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...