ફાયર વિભાગ જાગ્યું!:ધમધમતાં 2400માંથી માત્ર 10 ટ્યૂશન કલાસ પાસે ફાયર NOC છે, સરપ્રાઈઝ ચેકિંગ કરી કસૂરવાર ક્લાસ બંધ કરાવાશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સુરતના તક્ષશિલા બિલ્ડિંગમાં આગ બાદ સરકારે ટ્યૂશન ક્લાસિસ માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવી છે પણ અમલ થતો નથી

સુરતના તક્ષશિલા બિલ્ડિંગમાં આવેલા ટ્યૂશન કલાસિસમાં આગ લાગવાથી 20 વિદ્યાર્થીઓ ભડથું થઇ ગયા હોવાની ઘટનાના પગલે સરકારે દરેક ટ્યૂશન ક્લાસ માટે ફાયર બ્રિગેડની એનઓસી ફરજિયાત કરી છે. પરંતુ અમદાવાદમાં ધમધમતા 2400 જેટલા ટયુશન કલાસિસમાંથી માત્ર 10 જ ટયુશન કલાસિસ પાસે ફાયર બ્રિગેડની એનઓસી છે. જો કે કોરોનાની મહામારી બાદ ફરી વખત ટયૂશન કલાસિસ શરૂ થતાં 10 ટકા જેટલા ટયૂશન કલાસિસના સંચાલકોએ ફાયર એનઓસી માટે પ્રોસિજર કરી છે. જો કે ફાયર સેફટીના મુદ્દે સરકારનું કડક વલણ હોવાથી ફાયર એનઓસી વગર ચાલતા ટ્યૂશન ક્લાસિસો ટૂંક જ સમયમાં બંધ કરાવી દેવામાં આવશે.

આ વિશે વાત કરતા અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, ગુજરાતમાં ક્યાંય પણ તક્ષશિલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે ટ્યૂશન ક્લાસિસો માટે ફાયર બ્રિગેડની એનઓસી લેવી ફરજિયાત કરી છે. તેમ છતાં હાલમાં અમદાવાદમાં ધમધમતા 2400 ટ્યૂશન ક્લાસિસમાંથી માત્ર 10 જ ટયૂશન ક્લાસિસ પાસે ફાયર એનઓસી છે. જ્યારે બાકીના એક પણ ટયૂશન ક્લાસિસ પાસે ફાયર એનઓસી નથી. જો કે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે ફાયર એનઓસી વગર કોઇ સંચાલક ટ્યૂશન કલાસિસ શરુ કરી શકશે નહીં.

તેમ છતાં પણ સંચાલકોએ ફાયર બ્રિગેડની એનઓસી લીધા વગર જ ટ્યૂશન ક્લાસિસ શરૂ કરી દીધા છે. જો કે કોરોનાના કારણે દોઢ વર્ષથી બંધ રહેલા ટ્યૂશન કલાસીસ ધીરે ધીરે શરૂ થઇ રહ્યા છે. જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરવામાં આવશે. જે પણ ટ્યૂશન ક્લાસિસના સંચાલક પાસે ફાયર એનઓસી નહીં હોય તે ક્લાસિસ બંધ કરાવી દેવામાં આવશે.

શહેરની 1780 હોસ્પિટલોમાંથી 137 પાસે પણ ફાયર NOC નથી
અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની હદમાં હાલમાં 1780 હોસ્પિટલો આવેલી છે. જેમાંથી 1643 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી છે. જ્યારે 137 હોસ્પિટલો એવી છે કે જેમની પાસે ફાયર એનઓસી નથી અથવા તો તેમણે રિન્યુ કરાવી નથી.

2425 સ્કૂલ-કોલેજોમાંથી 127 ફાયર એનઓસી વગર ચાલે છે
અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની હદમાં 2425 સ્કૂલ - કોલેજ આવેલી છે. જેમાંથી 1602 સ્કૂલ - કોલેજ પાસે ફાયર એનઓસી છે. જ્યારે 932 સ્કૂલો એવી છે કે જે 9 મીટર કરતા ઓછી ઉંચાઈ ધરાવે છે. જ્યારે 127 સ્કૂલ - કોલેજ એવી છે કે જેમની પાસે હાલમાં પણ ફાયર બ્રિગેડની એનઓસી નથી. જ્યારે 49 સ્કૂલો બંધ થઇ ગઇ છે.

NOC માટે ફાયરના નિયમો

  • બેઝમેન્ટમાં કોઇ પણ ટયુશન કલાસીસને મંજૂરી નહીં.
  • ક્લાસિસમાં ફાયર સેફટીના પૂરતા સાધનો હોવા જરૂરી છે.
  • જો ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગે તો ધૂમાડો બહાર જઈ શકે તે માટે વેન્ટિલેશનની વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે.
  • સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પણ ટ્યૂશન ક્લાસિસ પાસે ફાયર એનઓસી છે કે નહીં તેનું ધ્યાન રાખવંુ.
  • ટ્યૂશન ક્લાસીસમાં કન્સ્ટ્રકશનના વજન કરતા વધારે વજનવાળુ ફર્નિચર રાખી શકાશે નહીં.

બેઝમેન્ટમાં ટ્યૂશન ક્લાસીસ પર પ્રતિબંધ
કોઇ પણ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ટ્યૂશન કલાસીસ શરૂ કરી શકાશે નહીં અને જો ચાલતા હશે તો બંધ કરાવી દેવામાં આવશે.બેઝમેન્ટમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસના સંચાલકે ફાયર એનઓસી લીધી હશે તો તે પણ રદ કરીને કલાસિસ બંધ કરાવી દેવામાં આવશે. - રાજેશ ભટ્ટ, ચીફ ફાયર ઓફિસર

‌BU વગરની 12 સ્કૂલ જાતે સીલ ખોલી શૈક્ષણિક કાર્ય શરૂ કરશે
શહેર અને ગ્રામ્યની 40 સ્કૂલોને ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે સીલ કરાઈ હતી, પરંતુ હવે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ થતાં 40 પૈકી 12થી વધુ સ્કૂલો પોતાની રીતે સીલ ખોલીને શૈક્ષણિક કાર્ય શરૂ કરશે. સ્કૂલ સંચાલકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્કૂલ સંચાલકોએ નિર્ણય લીધો છે.શક્તિ વિદ્યાલયના સંચાલક માણેક પટેલે જણાવ્યું કે, 12 સ્કૂલોના સંચાલકોએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો મ્યુનિ. સીલ નહીં ખોલે તો અમે જાતે જ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલીશું, કારણ કે હવે સરકારે જ જાહેર કર્યું છે કે ફાયર એનઓસી મુદ્દે કોઈ કાર્યવાહી થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...