ગંભીર જળસંકટ:રાજ્યના 207 ડેમમાંથી માત્ર ત્રણ જ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક

અમદાવાદ2 મહિનો પહેલા
ધરોઈ ડેમ ( ફાઈલ ફોટો)
  • સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો છે.
  • સરકારે 56 ડેમમાંથી પીવાનું પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ બાદ પણ દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એક તરફ સરકારે એવું જાહેર કર્યું છે કે રાજ્યના 56 ડેમમાં 31 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષીત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. ત્યારે બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હોવા છતાં સરકાર ઓગસ્ટ સુધી જ ખેડૂતોને પાણી આપવાની વાતો કરે છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઉભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે.

ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો
ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે ય રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.

ગુજરાતમાં પાણીની આ વર્ષે સૌથી ખરાબ સ્થિતિ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે.

આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે.
આજી-1માં રહેલો પાણીનો જથ્થો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે એટલો જ છે.

વરસાદ ઓછો હોવા છતાં ભાવનગરના ડેમમાં પાણીની અછત નથી
ભાવનગર જિલ્લામાં ચોમાસાની સિઝનને અઢી માસ પૂરા થવા આવ્યાં છતાં વરસાદ માંડ 41 ટકા થયો છે તેની તુલનામાં ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં 68.46 ટકા જળનો જથ્થો સંગ્રહિત થઇ ગયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં સૌથી વધુ છે. આ વર્ષે વરસાદમાં તો ભાવનગર ઘણું પાછળ રહી ગયું છે. વાર્ષિક વરસાદ 559 મી.મી. વરસે છે તેની તુલનામાં આ વર્ષે અડધો શ્રાવણ વિતી ગયો છે ત્યારે 239 મી.મી. વરસાદ થયો છે જે કુલ વરસાદના 41.01 ટકા થાય છે. ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ 34.74 ટકા જળસંગ્રહ થયો છે તેમાં ચાર જિલ્લામાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. જેમાં ભાવનગરમાં 68.46 ટકા, અમરેલીમાં 64.00 ટકા, નવસારીમાં 62.52 ટકા અને વલસાડ જિલ્લામાં કુલ સંગ્રહ ક્ષમતાના 61.23 ટકા જળનો સંગ્રહ થયો છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી સર્જાઈ શકે ( ફાઈલ ફોટો)
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી સર્જાઈ શકે ( ફાઈલ ફોટો)

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 41.4 ટકા વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.4 ટકા વરસાદ નોંધાયો જે સામાન્ય કરતા ઘણો જ ઓછો છે. એવામાં ખરીફ સિઝન બચાવવા માટે છેલ્લા વીસેક દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.72 ટકા વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ થશે. તો 24-25-26 ઓગસ્ટના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાની આગાહી છે. હવામાન વિભાગના મતે અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 41.42 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 50.72 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા, કચ્છમાં 31.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.