રસ્તે રખડતાં ઢોર અને ટ્રાફીક સમસ્યા મામલે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમપ્ટ પીટિશનમાં અત્યાર સુધી કોર્ટે કરેલા કેટલા નિર્દેશોનું કોર્પોરેશને પાલન નથી કર્યું ? તે અંગે ચાર્ટ રજૂ કરવા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે અરજદારને આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી ૧૫ દિવસ બાદ હાથ ધરાશે.
કન્ટેમપ્ટ પીટીશનમાં એવી રજૂઆત કરાઇ હતી કે , શહેરમાં રસ્તામાં રખડતાં ઢોર અને ટ્રાફિક સમસ્યાને લઇને હાઈકોર્ટે અનેક વખત પગલાં લેવા નિર્દેશ કર્યા છે. છતાં સમસ્યાનો કોઈ હલ નથી આવ્યો. કોર્પોરેશન દ્વારા માત્ર કોર્ટમાં સોગંદનામા કરીને માહિતી રજૂ કરવામાં આવે છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રખડતાં ઢોરોના લીધે હજુ પણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે પણ પોલીસ દ્વારા કોઈ ખાસ પોલિસી બનાવવામાં નથી આવી. ગમે તે જગ્યાએ ઉભા રહેતી ઓટો રિક્ષા માટે પૂરતા પ્રમાણમાં સ્ટેન્ડ નથી બનાવ્યા. કેટલાક ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ નહિ હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખંડપીઠે અરજદારને એવી ટકોર કરી હતી કે હાઈકોર્ટે અનેક વખત નિર્દેશ કરવા છતાં પાલન નથી થતું તે અમે જાણીયે છીએ. પરંતુ કોર્ટે કયા મુદ્દે ? શું આદેશ? કર્યો હતો અને જેનું હજી પાલન નથી કરવામાં આવ્યું તેનો વિગતવાર ચાર્ટ બનાવીને રજૂ કરો. ત્યારબાદ તેના પર સુનાવણી આગળ ચલાવી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.