તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા યોજનાનો 10મા વર્ષમાં પ્રવેશ:રાજ્યના કોઇપણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એજ અમારો નિર્ધાર: નીતિન પટેલ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મા યોજનાના 10મા વર્ષમાં પ્રવેશની માહિતી આપી - Divya Bhaskar
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મા યોજનાના 10મા વર્ષમાં પ્રવેશની માહિતી આપી
  • રાજ્યના કોઇપણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એજ અમારો નિર્ધાર: નીતિન પટેલ
  • પી.એમ.જે.વાય.-મા યોજના હેઠળ 2700થી વધુ બીમારીઓ આવરી લઇ વિનામૂલ્યે સારવાર
  • રાજ્યના 35 લાખથી વધુ પરિવારોને રૂા.5200થી વધુ રકમની વિનામૂ્લ્યે સારવાર પૂરી પડાઇ
  • રાજ્યની 2500થી 3000 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ સારવાર ઉપલબ્ધ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતમાં નાણાકીય સારવારના અભાવે કોઇપણ નાગરિકનું મોત ન થાય એ જ અમારો નિર્ધાર છે એટલા માટે રાજ્ય સરકાર સુદ્રઢ આરોગ્ય સેવા માટે સધન વ્યવસ્થાઓ પણ ગોઠવી છે.

આજે ગાંધીનગર ખાતે PMJAY માં યોજનાના 10મા વર્ષમાં સફળતાપૂર્વક પ્રવેશ અંગે યોજાયેલા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્યનો આરોગ્ય વિભાગ એટલો મોટો છે કે, રાજ્યનો એકપણ નાગરિક એવો નહી હોય કે સરકારી આરોગ્ય સેવાનો લાભ લીધો ન હોય એનું ઉત્તમ ઉદાહરણ કોરોનાના કપરા કાળમાં આરોગ્ય કર્મીઓએ કરેલું વેકસીનેશન છે. કોરોનાના કપરાકાળમાં રાજ્યના આરોગ્ય વિભાગે કરેલ સંનિષ્ઠ કામગીરી બદલ સૌ આરોગ્ય કર્મીને અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગરીબ, મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા માટે શરૂ કરેલ આ યોજનાને વડાપ્રધાને દેશભરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્ય સુવિધા માટે દેશભરમાં PMJAY યોજના કાર્યાન્વિત કરી છે એ આપણા માટે ગૌરવ સમાન છે.

તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળની સરકારમાં આવા પરિવારોને સારવાર માટે દેવુ કરીને સારવાર મેળવવી પડતી હતી અને પરિવાર દેવાના ડુંગરમાં આવી જતો હતો તે વેળાએ નરેન્દ્ર મોદીએ આ યોજના અમલી બનાવી હતી અને આજે આ યોજનાને નવ વર્ષ પૂર્ણ થયા છે. શરૂઆતમાં બી.પી.એલ. પરિવારોને લાભ અપાતો હતો અને તેની સફળતાને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજનાનો વ્યાપ વધારી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને આવરી લીધા છે અને સારવારમાં પણ 2700 જેટલી બીમારીઓ ઉમેરીને સાચા અર્થમાં આવા પરિવારોના હમદર્દ બનવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે PMJAY યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિમા કંપનીઓ પાસે એમ.ઓ.યુ. કરીને રૂ. 1400 કરોડથી વધુ રકમનું પ્રિમિયમ નાગરિકો વતી રાજ્ય સરકાર ભરે છે. આ યોજનામાં બાળસખા અને ચિરંજીવી યોજનાને પણ સમાવી લઇને લાભો પૂરા પાડવામાં આવી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, વર્ષ 2012માં કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો માટે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને તમામ આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે "મા" યોજનાની શરૂઆત કરી હતી. જેને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. જેનો આજે રાજ્ય સરકાર દ્વારા સફળતાપૂર્વક 10મા વર્ષમાં પ્રવેશ થયો છે. અત્યાર સુધી રાજ્યમાં"પી.એમ.જે.એ.વાય - મા” યોજના અંતર્ગત 35 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો છે, જેની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકારે ઉપાડીને ૩૫ લાખ દર્દીઓ માટે રૂ.5222 કરોડની માતબર રકમનો ખર્ચ કરી ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને લાભ આપવામા આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને 1802 સરકારી અને 606 ખાનગી એમ મળી કુલ 2478 હોસ્પિટલોમાં કેન્સર, હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો તથા ઓર્થોપેડિક સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરોસર્જરી, ડાયાલિસિસ વગેરે જેવી અનેક પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ યોજનામાં વધુમાં વધુ હોસ્પિટલ જોડાય અને દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

નીતિન પટેલે કહ્યુ કે, "પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે "મા અને મા વાત્સલ્ય કાર્ડ" યોજનાનું એકીકરણ કરી દેવાયુ છે. અત્યાર સુધી રાજ્યમાં "મા" અને "મા વાત્સલ્ય કાર્ડ યોજના" અંતર્ગત રાજ્યના દર્દીઓને ગંભીર રોગની સારવાર મફત મળતી હતી, પરંતુ હવે દર્દીઓને ગંભીર રોગોની સારવારમાં સરળીકરણ રહે અને વધુ રોગોની સારવારને આવરી લેવાય તે માટે બંને કાર્ડને આયુષ્યમાન ભારત કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. આ કાર્ડ સાથે આધારકાર્ડ લઈને જનાર દર્દીઓને નિયત કરેલી હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી, તે લાભો પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળશે. બંને યોજનામાં સારવાર માટેના તમામ પેકેજ એકસરખા કરવામાં આવ્યા છે. તેથી તમામ લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળતા થયા છે.

તેમણે ઉમેર્યુ કે ગુજરાત આજે દેશભરનું રોલ મોડલ પૂરવાર થઇ રહ્યુ છે ત્યારે આરોગ્યક્ષેત્રે પણ આપણે હરણફાળ ભરી છે. રાજ્યમાં તબીબી શિક્ષણ માટે કોલેજોમાં વધારો કરી બેઠકો પણ વધારી છે. એટલુ જ નહિ આકસ્મિક સંજોગોમાં સેવા આપતી 108 એમ્બ્યલન્સ સેવાઓ આજે ગામડેગામડે પ્રચલિત બની રહી છે. રાજ્યભરમાં 850થી વધુ 108ની એમ્બ્યલન્સ વાન 365 દિવસ રાત-દિવસ નાગરિકોને સેવાઓ આપી રહી છે. રાજ્યની શાળાઓમાં ભણતા બાળકોના આરોગ્યની ચકાસણી માટે પ્રતિ વર્ષ યોજાતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમોમાં દર વર્ષે 1.25 કરોડથી વધુ બાળકોને આવરી લઇ સુપર સ્પેશિયાલિટી સારવાર સહિતની સેવાઓ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ યોજનાની સફળતાની વાત જણાવતા કહ્યું હતું કે, આ યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના બની છે. તંદુરસ્ત માનવી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આ માટે રાજ્યના છેવાડાના માનવીને પૂરતી આરોગ્ય સેવાઓ મળી રહે તે જરૂરી છે. કુશળ નેતૃત્વને પરિણામે જ છેવાડાના માનવીને પૂરતી આરોગ્ય સેવાઓ આપવી શક્ય બન્યું છે.

અગ્રવાલે યોજનાલક્ષી માહિતી આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા તા.01/03/2019થી “મુખ્યમંત્રી અમૃતમ” અને “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થી પરિવારોને આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજયમાં “મા- મા વાત્સલ્ય” યોજના હેઠળ રાજયના કુલ 79.95 લાખ કુટુંબો એટલે કે આશરે 3.30 કરોડ વ્યક્તિઓ નોંધાયા છે. હાલમાં “પી.એમ.જે.એ.વાય.- મા” યોજનામાં તમામ લાભાર્થીઓને સમાન પ્લેટફોર્મથી લાભ મળી રહે તે હેતુ થી “મા” અને “મા વાત્સલ્ય યોજનામાં હોસ્પિટલ એમપેન્સમેન્ટ , TMS સોફ્ટવેર અને BIS સોફ્ટવેરનું ઇન્ટિગ્રેશન કેન્દ્ર સરકારના પી.એમ.જે.એ.વાય.ના સોફ્ટવેર સાથે કરવામાં આવ્યું છે.

‘‘પી.એમ.જે.એ.વાય. - મા" યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં યોજનાના લાભાર્થીઓને સરળતાથી લાભ મળી રહે તે માટે તમામ સરકારી હોસ્પિટલોમાં “ગ્રીન કોરિડોર" ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત યોજનાના લાભાર્થીઓ માટે અલગ કેસબારી/અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ, દવાની બારી પર / લેબોરેટરીમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉજવણી સમારોહમાં નવી નિમણૂક પામેલા સ્ટાફ નર્સને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોના રસીકરણની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અમદાવાદ ખાતેની ક્રિષ્ના સેલબી હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ અને ગાંધીનગર ખાતેની એપોલો હોસ્પિટલને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેસ્ટ પરફોર્મિંગ હોસ્પિટલ એવોર્ડ રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોને તથા સ્ટાર હેલ્થ એમ્પ્લોઇઝ એવોર્ડ આરોગ્ય કર્મીઓને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે, એન. એચ. એમ ડાયરેક્ટર રૈમ્યા મોહન, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રમુખ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, નિમણૂક પત્રો મેળવનાર સ્ટાફ નર્સ સહિત તબીબી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.