• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Organ Donation Of 23 Year Old Brain Dead Youth In Ahmedabad Civil, The Family Was Shocked By The Life Of 3 Persons, Organ Donation Of 6 Patients In A Month

અંગદાન મહાદાન:અમદાવાદ સિવિલમાં 23 વર્ષના બ્રેઇન ડેડ યુવકનું અંગદાન કરી પરિવારે 3 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પાથર્યો, એક મહિનામાં 6 દર્દીના અંગદાન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઈન ડેડ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી
  • દેવભૂમિ દ્વારકાના 23 વર્ષના અજયસિંહ પરમારને ટ્રકમાંથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી

કોરોનાકાળમાં પી.પી.ઇ. કીટમાં સજ્જ દેવદૂત સમાન આ તબીબોએ કઠોર પરિશ્રમ અને અથાગ પ્રયાસો થકી અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓને નવજીવન આપ્યું હતું. પરંતુ કોઈ જરૂરિયાત મંદને નવજીવન આપવા તબીબ હોવું જ જરૂરી નથી! બ્રેઈનડેડ જાહેર થયા બાદ મૃત વ્યક્તિ પણ પોતાના અંગોના દાન થકી અન્યોને નવજીવન આપી શકે છે. અમદાવાદ સિવિલમાં પણ ફરી વખત ખૂબ જ ટૂંકા અંતરાલમાં કંઈક આવું જ બન્યું. અમદાવાદ સિવિલમાં 15મું અંગદાન થયું. જેમાં દર્દીના લિવર અને કિડનીના દાન થકી અન્ય દર્દીઓને નવજીવન મળશે.

ટ્રેકમાંથી પડી જતા યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના 23 વર્ષીય યુવાન અજયસિંહ પરમારનું લીંમડી નજીક ટ્રક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. 15 ઓક્ટોબરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે તેમને લાવવામાં આવ્યા હતા. 17મી ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન અજયસિંહ પરમારને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બે કિડની અને લીવરનું પરિવારજનોએ અંગદાન કર્યું
સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અજયસિંહના પરિવારજનોને અંગદાન માટેની સમજણ આપતા તેમના પરિવારજનોએ અજયસિંહ અંગોના દાન થકી જરૂરિયાત મંદોને અમરત્વ પ્રદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી. આમ અજય ભાઈના બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી હતી, જેને ટૂંક સમયમાં જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીની તસવીર
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીની તસવીર

એક મહિનામાં 6 બ્રેઈનડેડ દર્દીના અંગદાનમાં સફળતા
આ સમગ્ર ઘટના અંગેની વિગતવાર માહિતી આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલની SOTTOની ટીમ અંગદાન ક્ષેત્રે અકલ્પનીય કામગીરી કરી રહી છે. છેલ્લા એક મહિનામાં 6 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં મળેલી સફળતા, સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 બ્રેઇનડેડ વ્યક્તિઓના 53 અંગોના દાન થકી 41 જરૂરિયાતમંદ દર્દીઓની કાર્યદક્ષતા અને જીવનશૈલીમાં સુધાર લાવી તેમને નવજીવન આપવામાં સફળતા મળી છે.

બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાંથી ચોક્કસ સમયમાં અંગોનું પ્રત્યારોપણ થવું જરૂરી
SOTTO(State Organ And Tissue Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અંગદાન બાદના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટેના અતિ મહત્વના સમયગાળા વિશે માહિતી આપતા જણાવે છે કે, દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને 4 થી 6 કલાક, ફેફસાંને 6 થી 8 કલાક, સ્વાદુપિંડ અને લીવરને 8 થી 10 કલાક, કિડનીને 24 કલાક, આંખોને 6 કલાકમાં કાઢીને એક અઠવાડિયામાં અને બંને હાથોને 6 કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવું જરૂરી બની રહે છે.