હવે વેઇટીંગ લીસ્ટ ઘટશે:ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ જિલ્લાઓમાં અંગદાન, વર્ષોથી અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જસુજી ઠાકોરના હ્યદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું
  • રાજ્યની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અંગદાનની પ્રવૃતિ વેગવંતી બની

રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ વિવિધ સ્થળો અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે. રાજ્યની SOTTO(State Organ Tissue And Transplant Organisation) દ્વારા વિવિધ શહેરોમાં અંગદાનના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આરોગ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં એક જ દિવસમાં થયેલ ત્રણ અંગદાન બદલ રાજ્યના તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે રાજ્યના જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓનું જીવન બદલાઇ રહ્યું છે. વર્ષોથી અંગોની ખોડ-ખાંપણને કારણે પીડા અનુભવતા દર્દીઓમાં અંગદાનથી મળતા અંગોનું પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી રહી છે.

અમદાવાદમાં થયેલું અંગદાન
25 મે 2022ના રોજ રાજ્યમાં થયેલ ત્રણ અંગદાનની વિગતો જોઇએ તો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ગ અકસ્માતના કારણે સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ ગાંધીનગરના 50 વર્ષીય જસુજી ઠાકોરના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. હ્યદયને ગ્રીનકોરિડોરની મદદથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે.

જુનાગઢ અને વડોદરામાં થયેલું અંગદાન
જુનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષના મગનભાઇ ગજેરાને બ્રેઇનસ્ટ્રોકના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા હોસ્પિટલના તબીબોએ પરિવારજનોએ અંગદાન અંગે સમજાવતા તેઓએ મગનભાઇના અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇનડેડ મગનભાઇના બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને કેશોદથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે લાવવામાં આવ્યું. આવી જ રીતે વડોદરાની 17 વર્ષની દિકરી વૃંદાને હાઇપોક્સિયા થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. સધન સારવાર બાદ પણ તેણીને સાજી કરવામાં નિષ્ફળતા મળી અને તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. બ્રેઇનડેડ થતા વૃંદાના પિતા કમલેશભાઇ પટેલે દિકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.

અંગદાનના નિર્ણયે અન્યને નવ જીવન આપ્યું
હોસ્પિટલ તંત્ર દ્વારા બ્રેઇનડેડ વૃંદાના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરતા હ્યદય, ફેફસા, બંને કિડની, લીવર, સ્વાદુપિંડ અને બંને કોર્નિયાનું દાન મળ્યું. જેમાંથી હ્યદયને ગ્રીન કોરિડોર મારફતે મુંબઇની હોસ્પિટલ જ્યારે ફેફસાને ચેન્નઇની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા. રાજ્ય સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે રાજ્યમાં સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ અંગદાનની પ્રવૃતિ વેગંવતી બની છે.ગુજરાત રાજ્યની અંગદાનની મુહિમ આ રીતે જ ચાલતી રહી તો તે દિવસ દૂર નથી જ્યારે કોઇ જીવીત વ્યક્તિએ અન્ય જીવિત વ્યક્તિને પોતાના અંગોનું દાન કરવું પડશે નહીં. રાજ્યમાં અંગોનું વેઇટીંગ લીસ્ટ પણ સંપૂર્ણપણે ઘટશે.

અન્ય સમાચારો પણ છે...