મોરબી પુલ હોનારતમાં જયસુખ પટેલનું નિવેદન:ઓરેવાના માલિકે કહ્યું- '135 મૃતકો વિશે અફસોસ... વળતર આપવા માગું છું', હાઈકોર્ટ નગરપાલિકા પર રોષે ભરાઈ

અમદાવાદ13 દિવસ પહેલા

મોરબી હોનારત અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે પહેલીવાર પોતાનું નિવેદન આપ્યું છે. વકીલ દ્વારા પોતાના નિવેદનમાં વળતર આપવાની તૈયારી દાખવતા જયસુખ પટેલે મગરના આંસુ સાર્યા હતા. બ્રિજ તૂટવાની ઘટના વિશે અફસોસ વ્યક્ત કરીને તેમણે કહ્યું હતું કે, મોરબી બ્રિજના સમારકામ માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો. જો કે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, વળતર ચૂકવવાથી પણ જયસુખ પટેલની સામેની કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેમની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.

મેજર બ્રિજનું રિપેરિંગ જરૂરી, યુદ્ધના ધોરણે કરોઃ હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મોરબી બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. આ દરમ્યાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલે વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. મહત્વનું છે કે, મોરબી દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાયું છે તેમજ પોલીસે જયસુખ પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે.

મારો ઈરાદો તો હેરિટેજ બચાવવાનો હતોઃ જયસુખ પટેલ
પોતે હેરિટેજ બચાવવાના ઈરાદે આ કામ હાથમાં લીધું હોવાનો લૂલો બચાવ કરતા જયસુખ પટેલે ઉમેર્યું હતું કે, રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ તેમને સોંપાઈ છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. જેની સામે કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે, વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.

મોરબી નગરપાલિકાનીને આકરા પ્રશ્નો કર્યા
હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને આકરા સવાલ કર્યા કે, બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ કોઈ કાર્યવાહી જ ન કરી? ઓરેવા ગ્રુપના લોકોએ ઝુલતા પુલનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, તે વખતે તમે શું કરતા હતા? સાથે જ હાઈકોર્ટને રાજ્ય સરકારે મ્યુનિસિપાલિટી એક્ટ 263 હેઠળ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા માટે પગલા લીધા હોવાની જાણ કરાઈ હતી.

બીજા જર્જરીત બ્રિજને ક્યારે રિપેર કરશો, જલ્દી કરોઃ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે આ સાથે જ રાજ્યમાં જૂના બ્રિજના સમારકામ અને રીપેરીંગનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવો હુકમ પણ રાજ્ય સરકારનો કર્યો હતો. કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે રાજ્યમાં કુલ 1441 બ્રિજ છે, જેમાંથી 168 મેજર બ્રિજ છે, 180 માઈનર બ્રિજ છે. 63 જેટલા મેજર બ્રિજમાં રીપેરિંગની જરૂર છે. જેમાંથી 27 બ્રિજ રીપેર કરાયા છે અને બાકીનાની કામગીરી ચાલુ કરાઈ છે.

બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરૂ કર્યા હતા.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

અન્ય સમાચારો પણ છે...