અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ માટે લડતા ભાજપના સદસ્યો વચ્ચે તાલમેલ ન હોવાથી વિકાસ કાર્યો ધીમી ગતિએ થઇ રહ્યા હતાં, જ્યારે હવે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યો કરવા પાર્ટીએ આદેશ કર્યો છે. ભાજપના સદસ્યોએ વચ્ચે વકરતા આંતરિક વિવાદને ટાળવા પાર્ટીની સૂચનાથી ભાજપના નિરીક્ષકે પોતાના ચેરમેનોને તમામ સભ્યોને સરખે ભાગે ગ્રાન્ટ ફાળવવા જાણ કરી છે.
પ્રદેશ ભાજપના હોદ્દેદારોના આદેશ છતાં હજી પણ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગત મહિને 10 મેના રોજ મળેલી સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં અઢી કરોડથી વધુના કામો લેવાયા હોવાનું જણાવતા મહિના ચેરમેન રેખા લકુમના પતિ કાંતિ લકુમે કહ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રોસિડિંગ ઇસ્યૂ થઇ જશે. આ પછી ગત 20 મેના રોજ મળેલી સિંચાઇ સમિતિમાં પાર્ટી આદેશના પગલે પ્રત્યેક સભ્યોના રૂ. 10 લાખના વિકાસના કામોને મંજૂરી અપાઇ છે, પરંતુ હજી સુધી પ્રોસિડિંગ ઇસ્યૂ થયું નથી.
ચેરમેન મીના ચૌહાણના પતિ કુંજનસિંહ ચૌહાણે કહ્યું કે, સોમવાર સુધીમાં પ્રોસિડિંગ ઇસ્યૂ થઇ જશે. ગુરુવારે મળેલી કારોબારીની બેઠકમાં હોદ્દેદારોના કામો રજૂ કરાયા ન હતાં, પરંતુ ડીડીઓ અનિલ ધામેલિયાની ગત વર્ષની એક કરોડની ગ્રાન્ટમાંથી સફાઇ માટે ટ્રેકટર-ટ્રોલી, આંગણવાડી, સ્કૂલ ઓરડા, પંચાયત ઘર રિનોવેશનના કામો મંજૂર કરાયા હોવાનો કારોબારી અધ્યક્ષ વિનોદ પટેલે જણાવતા કહ્યું કે, ડીડીઓ પોતાની ગ્રાન્ટ રિઝર્વ રાખી હતી.
ભાજપના નિરીક્ષકે કહ્યું કે, કોંગ્રેસના સદસ્યો કામ રજૂ કરશે તો તેઓને પણ ભાજપના સભ્યોની સમાંતર ગ્રાન્ટ ફાળવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.