તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશ ખબર:ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને ફ્રી વેક્સિન અપાશે, સરકારે કોવિશીલ્ડના 1 કરોડ તથા કોવેક્સિનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન સેન્ટરની ફાઈલ તસવીર - Divya Bhaskar
વેક્સિનેશન સેન્ટરની ફાઈલ તસવીર
  • રાજ્ય સરકારે 1 કરોડ કોવિશિલ્ડ અને 50 લાખ કોવેક્સિન રસીના ડોઝના ઓર્ડર આપ્યા
  • રસી લેવા 28મી એપ્રિલથી કોવિન પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • 18થી 45 વર્ષ સુધીની ઉંમરના આશરે 3.25 કરોડ લોકોનું વેક્સિનેશન થશે
  • હાલ રાજ્યમાં 6 હજાર કેન્દ્રો પર રસી અપાય છે, જે વધારીને 20 હજાર કરાશે
  • રાજ્યમાં અત્યાર સુધી 1.12 કરોડ ડોઝ હેલ્થ, ફ્રન્ટલાઈન વર્કર, વૃદ્ધોને અપાયા

રાજ્યમાં આગામી 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. સાથે સરકારી સેન્ટરોમાં વિના મૂલ્યે આ રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એવામાં ટેસ્ટની લાઈનમાં ના ઉભા રહેવું પડે એટલા માટે 1લી મેથી વેક્સિન લેવાની લાઈનમાં ખાસ ઉભા રહેજો.

આ પણ વાંચોઃ આ રીતે 18+ વયના લોકો નિઃશુલ્ક વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી મનગમતા સેન્ટર પર અનૂકુળ સમયે રસી લઈ શકશે

રૂપાણી સરકારે રસીકરણ માટે 1.50 લાખ ડોઝની વ્યવસ્થા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટ પણે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મેથી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.

રૂપાણી સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં 1 કરોડ કોવિશીલ્ડ ડોઝનો ઓર્ડર આપ્યો
રૂપાણી સરકારે સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં 1 કરોડ કોવિશીલ્ડ ડોઝનો ઓર્ડર આપ્યો

અત્યાર સુધીમાં 1.13 કરોડ ડોઝ રાજ્યમાં અપાયા
અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.

28મી એપ્રિલથી વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે
28મી એપ્રિલથી વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે

1લી મેથી 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ
તેમણે કહ્યું કે, 'કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે, તે જ રીતે હવે આગામી 1 મેથી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.' આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર સચિવશ્રીઓ સંજીવ કુમાર, હારીત શુક્લા, ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યા હતા.

રસી મૂકાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત
રૂપાણીએ કમિટીમાં અધિકારીઓને ગુજરાતના તમામ ખૂણે યુવાન નાગરિકોનું રસીકરણ થાય તે જોવા માટે તાકીદ કરી છે. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં કુલ 1.13 કરોડ નાગરિકોને રસી અપાઇ ચૂકી છે. આ રસીકરણ માટે 18થી 45 વર્ષના નાગરિકોએ કોવિન એપ્લિકેશન અને વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગળની સૂચના મુજબ મેસેજ થકી રસીકરણ કરાવવા માટે તેમને માહિતગાર કરાશે.

સીરમને 400 કરોડ, ભારત બાયોટેકને 300 કરોડ અપાશે
ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે. જો કે આ વયજૂથના લોકો રોજિંદી જીવનશૈલીમાં સૌથી વધુ સક્રિય હોવાથી તેઓમાં 85 ટકા જેટલાં લોકો ઓછામાં ઓછા રસી લઇ લે તે અપેક્ષિત રહેશે.​​​​​​​

રસીકરણ કેન્દ્રો વધશે, સંપૂર્ણ રસીકરણ થતાં એક વર્ષ લાગી શકે
ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના લગભગ 4.85 કરોડ જેટલાં નાગરિકો છે. આ તમામનું રસીકરણ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. હાલ ગુજરાતનો ઘણો આરોગ્ય સ્ટાફ કોરોના દર્દીઓની સારવારમાં વ્યસ્ત હોવાથી શરૂઆતમાં રસીકરણ પ્રક્રિયા થોડી ધીમી ચાલશે. પરંતુ સંક્રમણ ઓછું થાય અને આરોગ્ય સ્ટાફ પરનું ભારણ હળવું થાય તો રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારીને 20,000 જેટલી કરવામાં આવશે.

ગુજરાત સરકારને રસીકરણ માટે 3,000 કરોડનો ખર્ચ આવી શકે છે
રાજ્ય સરકારોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ 400 રૂપિયા પ્રતિ ડોઝની કીમતે રસી આપશે જ્યારે ભારત બાયોટેક એક ડોઝ 600 રૂપિયાની કીમતે આપશે. હાલ સરકારે એક કરોડ ડોઝ સીરમપાસે જ્યારે 50 લાખ ડોઝ ભારત બાયોટેક પાસે મંગાવ્યાં છે. હાલ સરકારને 400 કરોડ સીરમને જ્યારે 300 કરોડ ભારત બાયોટેકને ચૂકવવા પડશે. જો આ વયજૂથના તમામ 3.25 કરોડ નાગરિકોને રસીના બન્ને ડોઝ આપવાનું લક્ષ્યાંક હોય તો ગુજરાત સરકારને 3,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે તેમ સરકારના સૂત્રો જણાવે છે.