​​​​​​​ગ્રાહક પંચનો ચુકાદો:લૉ ગાર્ડન પાસે ભૂકંપમાં ધરાશાયી 9 ફ્લેટ માલિકને 1 કરોડ વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાંધકામ નબળું હોવાનું 21 વર્ષે સાબિત, બિલ્ડરે 9% વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે
  • અક્ષરદીપ ફ્લેટનું બાંધકામ નબળું હોવાનું FSLમાં પુરવાર થયું હતું

ભૂકંપમાં લૉ ગાર્ડન પાસે તૂટી ગયેલા 9 ફલેટ ધારકોને ગ્રાહક કોર્ટે 21 વર્ષ બાદ તેમની ફલેટની ખરીદ કિંમત 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા બિલ્ડરને આદેશ કર્યો છે. ભૂકંપમાં તૂટી પડેલા અક્ષરદિપ ફલેટમાં 11 લોકોનું મૃત્યુ થયું હતું અને ફલેટની તમામ ઘરવખરી નાશ પામી હતી. ભૂકંપના 5 વર્ષ પહેલા બનેલા ફલેટનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોવા ઉપરાત બી.યુ પરમિશન પણ લેવામાં આવી નહોતી. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જસ્ટિસ વી. પી પટેલે ફલેટ ધારકોની વળતર મેળવવાની અરજી ગ્રાહ્ય રાખીને કુલ 1.20 કરોડની રકમનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

ફલેટ ધારકોએ ગ્રાહક કોર્ટમાં બિલ્ડર પાસે વળતર માગ્યું હતું.ફરિયાદીઓ વતી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે 21 વર્ષ સુધી લડત આપી હતી. અક્ષરદિપ ફલેટ 1991માં બન્યા હતા. સામાન્ય રીતે આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું આયુષ્ય 70 થી 100 વર્ષનું હોય છે. ફલેટના બાંધકામમાં વપરાયેલો સ્ટીલ, સિમેન્ટ, બિલ્ડિંગ મટિરિયલ અને ફલેટ બનાવવાની નબળી એફએસએલના રિપોર્ટમાં પુરવાર થયું હતું.

ભૂકંપ એક્ટ ઓફ ગોડ હોવાની સ્ટ્રકચરલ એન્જિનિયરની દલીલ સ્વીકારવા ઇન્કાર
બિલ્ડર, સ્ટ્રકચરલ એન્જિનિયર અને સુપરવાઇઝરે એક્ટ ઓફ ગોડની દલીલ કરી હતી. અને એકટ ઓફ ગોડ હોવાથી વળતર ચૂકવવા ઇન્કાર કર્યો હતો. ગ્રાહક કોર્ટે આ દલીલને ફગાવીને અક્ષર એસોસિએટસના રાવજી પટેલ, જગદીશ એસોસિએટસના સ્ટ્રકચરલ એન્જિનિયર પંકજ મોદીને જવાબદાર ઠેરવ્યા છે. 15 ફરિયાદીને 39.61 લાખ 21 વર્ષના 9 ટકાના વ્યાજ સાથે બે મહિનામાં ચૂકવવા આદેશ કર્યો છે. દરેક ફરિયાદીને ખર્ચના 15 હજાર અલગથી ચૂકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...