હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:'કાયમી' મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને 'કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની' જેમ ઉચ્ચ પગારધોરણ ચૂકવવા માટે હુકમ

અમદાવાદ23 દિવસ પહેલા
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • વર્ષ 2012માં કાયમી ભરતી કરાયેલ કર્મચારીઓનો પગાર હાલ એડહોક તરીકે કાર્યરત હેલ્થ વર્કરથી ઓછો હતો

રાજ્યની સરકારી હોસ્પિટલમાં કાર્યરત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. વર્ષ 2012માં કાયમી ભરતી કરાયેલ કર્મચારીઓના પગાર સરખામણીએ હાલ એડહોક તરીકે કાર્યરત હેલ્થ વર્કરનો પગાર વધુ હતો. જેને લઇને કાયમી કર્મચારીઓએ તેમને પણ ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જે મામલે હાઇકોર્ટે કાયમી કર્મચારીઓની તરફેણમાં મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.

હાઇકોર્ટે સરકારી હોસ્પિટલમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત કર્મચારીઓના ઉચ્ચ પગાર ધોરણના કિસ્સામાં મહત્વનો આદેશ કર્યો છે. પ્રસ્તુત કિસ્સામાં કાયમી કર્મચારીઓ કરતા એડહોક કર્મચારીઓનો પગાર વધુ હતો. કાયમી કર્મચારીઓને 35 હજાર જ્યારે એડહોક કર્મચારીઓને 45 હજાર પગાર ચૂકવવામાં આવતો. જેથી પગાર તફાવતનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે મામલે હાઇકોર્ટે અરજદારોની તરફેણમાં ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટે હુકમ કર્યો છે.

વર્ષ 2004માં એડહોક તરીકે 3500 જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી હતી. જેમણે વર્ષ 2011 સુધી એડ્હોક કર્મચારી તરીકે પોતાની સેવા આપી. વર્ષ 2011માં તમામ કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં કાયમી કરવા માટેની અરજી દાખલ કરી હતી. જે બાદ વર્ષ 2012માં રાજ્ય સરકારે અધિકૃત રીતે ભરતી બહાર પાડી, જે પૈકી મોટાભાગના કર્મચારીઓને પરીક્ષા પાસ કર્યા બાદ, જેઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત હતા તેઓ કાયમી કરવામાં આવ્યા. પરંતુ પરીક્ષામાં સફળતા ન મેળવનાર ઉમેદવારોને એડહોક તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા.

વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટે મૂળ વર્ષ 2011ની અરજી અંગે ચુકાદો આપતા બાકી રહેલા એડ્હોક કર્મચારીઓને કાયમી કરવાનો હુકમ કર્યો. વર્ષ 2018ના ચુકાદામાં હાઇકોર્ટે 300થી વધુ એડહોક કર્મચારીઓને નોકરીએ શરૂ કર્યા એટલે કે વર્ષ 2004થી સિનિયોરીટી ગણીને પગાર ધોરણ આપવાનો હુકમ કર્યો હતો. જેની સામે વર્ષ 2012માં પરીક્ષા પાસ કરી કાયમી ભરતી થયેલ કર્મચારીઓનું પગાર ધોરણ નીચું હતું. આ બાબતે અરજદાર વતી હાજર થયેલ એડવોકેટ પૃથ્વીસિંહ જાડેજાએ જણાવ્યું કે, 2012માં કાયમી થયેલ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભ આપવા માટેની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે 10 સપ્તાહમાં ચૂકવી આપવા માટે હુકમ કર્યો છે'. હાલ અંદાજે ત્રણ હજારથી વધારે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાજ્યમાં કાર્યરત છે જેમને આ હુકમથી ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...