દર મહિને પોસ્ટમાં બચત સ્વરૂપે રોકાણ કરતી મહિલાના 7 લાખ રૂપિયા એજન્ટે ખોટી સહીઓ કરીને બીજાના ખાતામાં જમા કરાવી લાખોનું ફુલેકું ફેરવી નાખ્યંુ હતું. આ અંગે પોસ્ટ ખાતામાં તપાસ કરતા પોસ્ટના અધિકારીઓની બેદરકારી બહાર આવી હતી. મહિલાના પતિએ ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરતા કમિશને પોસ્ટ વિભાગના અધિકારીઓને તેમના અંગત ખર્ચમાં મહિલાના પૂરેપૂરા 7 લાખ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી દેવા આદેશ કર્યો છે.
શર્મિષ્ઠાબેન દેસાઇ નામનાં મહિલાએ ગોધરામાં દર મહિને પોસ્ટ વિભાગમાં રોકાણ કરવા રાજેશ ત્રિવેદી નામના એજન્ટને કામ સોપ્યું હતંુ. વર્ષ 2005 થી 2011 સુધી તેમણે ટીડી એકાઉન્ટમાં રોકાણ કર્યુ હતું. કુલ 7,81,761 રકમ રોકી હતી. થોડા વર્ષ બાદ શર્મિષ્ઠાબેનને જાણ થઇ હતી કે રાજેશ ત્રિવેદી ભાગી ગયા છે. તાત્કાલિક પોસ્ટ વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યંુ હતું કે, રાજેશ ત્રિવેદી પાસે શર્મિષ્ઠાબેનના તમામ ઓરિજનલ દસ્તાવેજો હોવાથી તેમણે તેમની ખોટી સહીઓને આધારે બીજા નામના એકાઉન્ટમાં 7 લાખ ઉપાડી લીધા હતા.
પોસ્ટલ વિભાગે આ અંગે ફરિયાદીની મંજૂરી છે કે નહીં તે અંગે કોઇ લેખિત માહિતી મેળવ્યા વગર કામગીરી કરી હતી. કન્ઝયુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના જ્યુડિશિયલ મેમ્બર મનહર મહેતા અને મેમ્બર પ્રીતિ શાહે પોસ્ટલ વિભાગના અધિકારીને તમામ રોકાણની રકમ 7 ટકા વ્યાજ સાથે આરટીજીએસથી ચૂકવી દેવા આદેશ કર્યો છે.
પત્નીનું અવસાન થતાં જિંદગીભરની બચત પાછી મેળવવા લકવાગ્રસ્ત પતિની કાનૂની લડત
પથારીમાં લકવાગ્રસ્ત સ્થિતિમાં હોવા છતાં શર્મિષ્ઠાબેનના રોકાણના નાણા મળતા નથી. પોસ્ટલ વિભાગના અધિકારીઓએ રોકાણની રકમનું વિડ્રોઅલ ફોર્મ ચકાસ્યા વગર આટલી મોટી રકમ વિડ્રો કરવાની મંજૂરી આપી તે ગંભીર બેદરકારી હોવાનું કોર્ટે માન્ય રાખ્યું છે. સમગ્ર પ્રક્રિયામાં પોસ્ટના જવાબદાર અધિકારીઓ સામે ચાર્જશીટ પણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.