સ્ટેન્ડિંગ કમિટિ નિર્ણય:અમદાવાદમાં ચૂંટણી સુધી તમામ રોડ રસ્તા સરખા કરવા આદેશ, મતદાન મથક સુધીના રોડ પર કામગીરી કરવા સૂચના

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના રોડ રસ્તામાં મામલે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના તમામ વિસ્તારમાં આવેલા મતદાન મથક સુધી જતા રસ્તાઓના પેચવર્ક અથવા રીસરર્ફેસ કરવાની જરૂર હોય ત્યાં તાત્કાલિક ધોરણે રોડ બનાવવા માટેની સૂચના આજે અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જે પણ રોડ અને રસ્તાઓ હજી સુધી રી સરફેસ અથવા તો પેચ વર્ક નથી કરવામાં આવ્યું ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરમાં સફાઈ મામલે પણ અધિકારીઓને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં સુચના આપવી પડી હતી.

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે AMCના ભાજપના સત્તાધીશો દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં અમદાવાદ પૂર્વમાં રૂ. 5 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજી સાથેનો હોટમીક્ષ પ્લાન્ટ બનાવવાની જોગવાઇ કરવામાં આવી હતી. ડીસેમ્બર 2022થી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વહીવટી તંત્ર આગામી નાણાકીય વર્ષ 2023-23ના બજેટની તૈયારીમાં વ્યસ્ત બની જશે આમ છતા આજદીન સુધી હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા માટે મ્યુનિ. તંત્ર તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. રોડની કામગીરી માટે હોટમીક્ષ પ્લાન્ટ જેવી પાયગત સુવીધા પણ ઉભી કરવા માટે વહીવટી તંત્ર પાસે કામગીરી કરાવવામાં સત્તાધારી પક્ષ સદંતર નીષ્ફળ નીવડયો છે. જેથી તાત્કાલિક હોટમીક્ષ પ્લાન્ટ બનાવવાની કામગીરી પૂર્ણ આવે તેવી વિપક્ષ નેતા દ્વારા માંગ કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ મામલે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. રોજના 3,000 મેટ્રિક ટન જેટલા ડામર અને 12 જેટલા પેવર મશીન દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજી કેટલાક રોડ અને રસ્તા ઉપર કામગીરી યોગ્ય રીતે થઈ નથી જેના પગલે ઝડપથી કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મતદાન મથક સુધી જે પણ રોડ જાય છે ત્યાં તાત્કાલિક ધોરણે પેચવર્ક અને રિસરફેસ કરવાની જરૂર હોય તો રોડને રીસરફેસ કરવા પણ જાણ કરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં પણ વોર્ડની સમસ્યા છે તે સમસ્યાઓને વોર્ડ સંબંધિત સમસ્યાઓને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને ઝોન લેવલ સુધી કરવાની હોય તો ઝોન કક્ષાએ અધિકારીને જાણ કરી અને ઝડપથી સમસ્યાનો નિકાલ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સફાઈ કરવા માટેની સૂચના આપી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક કચરાની ફરિયાદો ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...