ગુજરાતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે અને કેસોમાં તીવ્રતાથી ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, સરકાર પણ વિકાસ અને પ્રજાલક્ષી કામોના નિર્ણયોમાં આગળ વધી રહી છે, ત્યારે તમામ વિભાગોના અધિકારીઓ ઓફિસમાં બેસીને પેન્ડિંગ કામોનો નિકાલ કરે.
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
મુખ્ય સચિવે ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યો
મુખ્ય સચિવે એવો પણ આદેશ કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નીતિવિષયક નિર્ણયો હેઠળ જો કોઇ સમસ્યા હોય અથવા તો પ્રશ્ન હોય તો એનો નિકાલ કરીને આગળ વધો. રાજ્યના તમામ અધિકારીઓએ પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરવાનો સમય આવી ગયો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ વય નિવૃત્ત થયા બાદ તેમને પ્રથમ છ મહિના અને બીજા છ મહિના સુધીનું એક્સટેન્શન આપેલું છે. મુકિમ ઓગસ્ટ 2021માં નિવૃત્ત થવાના છે. એ પહેલાં તેમણે વિભાગોના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપીને કહ્યું હતું કે વિભાગની પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવો જોઇએ, જેથી અરજદારોને ઝડપી ન્યાય મળી શકે.
અરજદારોની ફાઇલો પેન્ડિંગ પડી છે
કોરોના સંક્રમણના કેસો માર્ચ મહિનામાં વધવાના શરૂ થયા હતા, પરંતુ મેના છેલ્લા સપ્તાહથી કેસો ઓછા થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સચિવાલયમાં ફેલાય નહીં એ માટે રાજ્ય સરકારે માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરી રાખવાની જાહેરાત કરી હતી અને એનું વિભાગો દ્વારા પાલન થાય છે. રાજ્યના મોટા ભાગના વિભાગોમાં કર્મચારીઓની ઓછી સંખ્યા હોવાથી અરજદારોનાં કામ તેમજ સરકારના વહીવટી તંત્રમાં રુકાવટ આવી ગઇ છે. અરજદારોની ફાઇલો પેન્ડિંગ પડી છે. સરકારી યોજનાનાં કામોમાં વિલંબ થયો છે. પોલિસી હેઠળ લેવાયેલા નિર્ણયોમાં પણ કામ થતાં નથી, તેથી મુખ્ય સચિવે આદેશ કરવો પડ્યો છે.
સાબરમતી પર 35 કિમી લાંબો રિવરફ્રન્ટ
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે, ત્યારે હવે એનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી 35 કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે. વિજય રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના આ ફેઝ-રના પ્રથમ તબક્કા માટે 1 લાખ 30 હજાર ચોરસમીટર જમીન અમદાવાદમાં આર્મી-ડિફેન્સ કેન્ટોન્મેન્ટ બોર્ડે આપી છે, એ માટે ભારત સરકાર, રક્ષામંત્રાલય, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના આર્મી કેન્ટોન્મેન્ટ બોર્ડનો આભાર વ્યકત કર્યો હતો.
વિકાસનાં કામો માટે 15774 કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ગુજરાતનાં શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લાં ચાર વર્ષમાં એટલે કે 2016-17થી ડિસેમ્બર-2020 સુધીમાં રૂ. 15 હજાર 783.73 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.