કોરોના કાળમાં હોસ્પિટલના સત્તાધીશો સરકારની એ.એમ.સી.ના નોટીફીકેશન કરતા વધુ ચાર્જીસ વસુલ કર્યા છે. તેમ જ સરકારની ગાઇડ લાઇનનો અમલ નહી કરીને વધારે રકમ વસુલ કરી હોવાના મુદ્દે દર્દી તથા વીમા કંપનીઓ વચ્ચે તકરારો થઈ હતી. એટલું જ નહીં પરંતુ આ મુદ્દો પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આવા જ મુદ્દાસર વીમા કંપનીએ દર્દીના કુલ બિલમાંથી અમુક રકમ કાપીને દર્દીને મેડિકલ બિલની રકમ ચૂકવી હતી. આવા એક તકરારી કિસ્સામાં અમદાવાદ શહેર (એડીશનલ) ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે, તેમાં મહત્વનું અવલોકન કર્યું છે.
વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો
અમદાવાદ શહેર (એડીશનલ) ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ કે.એસ. પટેલ અને સભ્ય એમ.બી.ચૌહાણે સિનિયર સિટીઝન ફરીયાદી કોરોનાના દર્દી મહેશકુમાર પી. કોઠારીને કોરોનાના હોસ્પિટલાઇઝેશનના મેડીકલ ખર્ચાઓની અધુરી દાવાની બાકીની રકમ રૂા.77,617 વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે ફરીયાદ દાખલ કરવાની તારીખથી ચુકવી આપવા તેમજ ખર્ચના રૂા.5000 અલગથી ચુકવવાનો સામાવાળા ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લી.ને હુકમ કર્યો છે. જ્યારે સામા. નં.3 તરીકે પારેખ્સ હોસ્પિટલ વિરૂધ્ધ આદેશ આપ્યો નથી અને બાકીની રકમ ચુકવવાની જવાબદારીમાંથી મુક્ત કરી છે.
ફરીયાદ ગ્રાહક ફોરમમાં દાખલ કરીને દાદ માંગી
અમદાવાદ શહેરના એલીસબ્રીજ વિસ્તારના રહીશ સિનિયર સિટીઝન ફરીયાદી કોરોનાના દર્દી મહેશકુમાર પી. કોઠારીનો રૂા.5 લાખનો વીમો હતો. તેમને કોરોના કાળમાં પારેખ્સ હોસ્પિટલમાં તા.02.12.2020 થી તા.07.12.2020 સુધી કોવિડ-19 ની મેડીકલ ટ્રીટમેન્ટ મેળવી હતી. ટોટલ મેડીકલ ખર્ચો રૂા.1,76,245 થયો હતો. તેની સામે વીમા કંપનીએ રૂા.94,928 ની અધુરી રકમ ચુકવીને રૂ.81,317 ની ૨કમ ઉપજાવી કાઢેલા કારણો દર્શાવી કપાત કરેલ. જેથી કોરોનાના દર્દી મહેશકુમાર પી. કોઠારી વતી ગ્રાહક સુરક્ષા પ્રમુખ મુકેશ પરીખે પોલીસીધારક ફરીયાદી દર્દીની ફરીયાદ ગ્રાહક ફોરમમાં દાખલ કરીને દાદ માંગી હતી.
AMCના નોટીફીકેશન કરતા વધુ ચાર્જીસ વસુલ કર્યા
વીમા કંપનીએ જવાબ આપતા કહ્યું કે, હોસ્પિટલે એ.એમ.સી.ના નોટીફીકેશન કરતા વધુ ચાર્જીસ વસુલ કર્યા છે. ગર્વમેન્ટની ગાઇડ લાઇનનો અમલ નહી કરીને વધારે રકમ વસુલ કરી છે.
વીમા કંપનીએ મેડીકલ ખર્ચની રકમ ચુકવવી જોઇએ
પક્ષકારોની રજૂઆત બાદ અમદાવાદ શહેર ગ્રાહક કમિશને ઉપરોક્ત આપેલા ચુકાદામાં મહત્વનું અવલોકન કરેલ કે, પોલીસી વર્ષ-2014 ની છે ત્યારે હોસ્પિટલના ખર્ચાઓ ઉપર કોઇ કેપીંગ નથી. વીમેદાર અને વીમા કંપની વચ્ચેનો એગ્રીમેન્ટ અમલમાં છે. ત્યારે વીમા કંપનીએ મેડીકલ ખર્ચાઓના દાવાની રકમ ચુકવવામાં જે કપાત કરી છે તે કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ છે. ગ્રાહક કમિશને વધુમાં અવલોકન કરેલ કે, ઇન્સ્યોરન્સ પોલીસીના સમઇન્સ્યોર્ડને ધ્યાને લેતા મેડીકલ ખર્ચાઓનું રીએમ્બર્સમેન્ટ આપવું પડે અને વર્તમાન કમ્પલેઇન ડીડક્શન સામે દાદ માંગવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપની અને પોલીસી ધારક વચ્ચેના એગ્રીમેન્ટને ધ્યાને લેતાં ગ્રાહક કમિશનનો નિર્ણય છે કે, કોન્ટ્રાક્ટ મુજબ વીમા કંપનીએ મેડીકલ ખર્ચની રકમ ચુકવવી જોઇએ.
કોરોનાના દર્દીઓની હજારો ફરીયાદો પેન્ડીંગ
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહકલક્ષી અભિગમયુક્ત ગુણવત્તાલક્ષી ચુકાદો એક વર્ષ અને આઠ મહિનામાં આવ્યો છે. હોસ્પિટલને બાકાત રાખવામાં આવી છે અને વીમા કંપનીની સો ટકા જવાબદારી ઠરાવવામાં આવી છે. ગ્રાહક કમિશનમાં હજુ કોરોનાના દર્દીઓની હજારો ફરીયાદો પેન્ડીંગ છે અને ધીમે ધીમે જજમેન્ટો આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.