હજી બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ, અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદ6 મહિનો પહેલા

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતનાં જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે.અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.એસ.જી.હાઈવે,સરખેજ,જોધપુર,સેટેલાઇટ,જોધપુર,શિવરંજની, રામોલ,વસ્ત્રાલ સહીતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ થયો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યાં જ 17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લાં 8 વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 14 ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે 14 ઓગસ્ટ સુધી 12.18 ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર 36.84 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં 137 ટકા, દક્ષિણ ગુજરાતમાં મોસમનો 95 ટકા, સૌરાષ્ટ્રમાં 78 ટકા, ઉત્તર ગુજરાતમાં 76 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 73 ટકા વરસાદ નોંધાયો છે.

સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં
જિલ્લા પ્રમાણે જોઈએ તો વલસાડ 91 ઈંચ, ડાંગમાં 77 ઈંચ, નવસારીમાં 70 ઈંચ જ્યારે નર્મદામાં 53 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં 100 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં 127 ઈંચ અને ધરમપુરમાં 103 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ 6 જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં 100 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં 38.74 ઈંચ સાથે 101 ટકા, દેવભૂમિ દ્વારકામાં 28.84 ઈંચ સાથે 100 ટકા, પોરબંદરમાં 33.30 ઈંચ સાથે 110 ટકા, નર્મદામાં 53.26 ઈંચ સાથે 127 ટકા જ્યારે વલસાડમાં 90.94 ઈંચ સાથે 101 ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. 43 તાલુકામાં સીઝનનો વરસાદ 100 ટકાથી વધારે છે.

70 જળાશય હાલ હાઇએલર્ટ પર
રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો 90 ટકાથી વધુ ભરાયેલા 70 જળાશયો હાલ હાઈએલર્ટ પર છે. જ્યારે 90 ટકા સુધી ભરાયેલા 14 જળાશયો એલર્ટ પર છે. 80 ટકા સુધી ભરાયેલા 15 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 107 જળાશયોમાં 70 ટકા જેટલું પાણી છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે.